પ્રદ્યુમ્ન તન્ના
ઠપકો
આંખ્યું તમીં કાં થાય જી આવી ભોળી?
આંખ, કાન, હૃદય અને બુદ્ધિ વચ્ચે ચાલતા બિનતારી સંદેશાની એખ સૃષ્ટિ છે, આમ જુઓ તો એ ભેદભરેલી છે, સંકેત ભરેલી છે, અને છતાં ભાવના ભરેલી છે. આંખ જે જુએ છે તે વાત હૃદયને પહોંચાડે છે. પછી આંખ જે જાણે છે તેને હૃદય પ્રમાણે છે. આંખ જે માણે છે તેને ય હૃદય જ પ્રમાણે છે. પણ હૃદય જેને પ્રમાણે છે તેને બુદ્ધિ નાણે છે. કાનની બાબતમં ય એવું જ છે. કાન જે સાંભળે છે તે હૃદયને કહે છે. હૃદય એ બિનતારી સંદેશો ઝીલે છે, જાણે છે, અનુમાને છે, અને પછી પારખે છે, પણ હૃદયની પારખને બુદ્ધિ પારખે છે ત્યારે જ નિર્ણય થાય છે. જ્યાં એકલા હૃદયનું જ રાજ છે ત્યાં ઘણા ખોટા ને ખુશામતિયા કારભારીઓ ઘૂસી જાય છે.
અને છતાંય બીજે ક્યાંય નહિ તો પણ પ્રેમભક્તિની દુનિયામાં હૃદયનું રાજ ચાલતું આવ્યું છે. બુદ્ધિને પૂછવાનું ગમ્યું નથી. હૃદયને થાય છે કે, જો બુદ્ધિને પૂછ્યા જશું તો વળી કંઈક ખાંચાખૂંચી કાઢશે, કંઈક વાંધાવચકા રજૂ કરશે. આપણે જ્યાં ઓળઘોળ ત્યાં વળી બુદ્ધિની મુરબ્બીગીરી શું કામ?
આંખ કાનુડાને જોઈને રાજીરાજી થઈ ગઈ… કામ વનમાળીની વાંસળી સાંભળીને ઘેનમાં ઘેલાતૂર થયા ને હૃદય તો જાણે આમ તરસ્યું ને આમ તરબોળ… ભારે મજા આવે છે… બુદ્ધિને કંઈયે પૂછવા જવું નથી. સાનભાન ને શુદ્ધિનું ય કંઈ કામ નથી, આ ભીના ભીના અનુભવોનો આનંદ જ ઓર છે.
પણ ગોપીની આંખ ભૂલ કરે છે, ગોપીની કર્ણેન્દ્રિય (કાન) વશીકરણમાં આવી જાય છે અને ગોપીનું હૃદય નહિ નહિ કરતાંય કાનુડાની પ્રીતના જાદુમાં ઝલાઈ જાય છે. અને જ્યારે એ રસસમાધિ પૂરી થાય છે, અમલ ઊતરી જાય છે ત્યારે જગતમાં હોવા છતાં જગતથી નિર્લેપ એવો કાનુડો જાણે કોઈ દી આંખ મળી જ નહોતી, હૃદય રણઝણ્યાં જ નહોતાં, મિલન થયું જ નો’તું એવો થઈ જાય છે! ત્યારે ભાનભૂલી ગોપીને તેની બુદ્ધિ બેચાર તમાચા મારીને ભાનમાં લાવે છે. અને ગોપીની બુદ્ધિ ગોપીના હૃદયને જે ઠપકો આપે તે આ કવિતા… આમાં ગોપી ઘડીમાં પોતાના હૃદય સામે જુએ છે અને ઘડીમાં પોતાની બુદ્ધિ સામે જુએ છે. ઊંડે ઊંડે ગોપીને ભૂલનો આનંદ પણ છે અને પસ્તાવો પણ છે, કારણ કે ગોપીને લાગે છે કે બુદ્ધિની વાત ખોટી નથી, અને હૃદય ભૂલ મોટી નથી.
બુદ્ધિ આંખોને કહે છે કે તમને ના પાડી’તી કે મુરલી મનોહર માધવ સામે જોશો નહિ. પણ તમારાથી જોયા વગર રહેવાયું નહિ! અને તમે જોઈને સખણી બેઠી નહિ! તમે એ વાત પાછી હૃદયને કહી… પછી હૃદય ઝાલ્યું રહે? કાનુડો પટકૂડો અને આંખ વધૂકી… કાનૂડીને દીઠો કે બસ પ્રાતમાં ને પ્રીતમાં પીલુડાં ટપકાવવા માંડ્યાં.
પણ એ કૃષ્ણ કનૈયો તો યોગેશ્વર છે. એ તો મરમ પામી ગયો કે ભલે પ્રેમનો હક બતાવે છે પણ બીજી ગોપી કરતાં આ કંઈ નોખી નથી. હાય રે ગોપીની તમે આંખડી… કેવી હૈયાકૂટી…!
હવે તો તમારું આ ભોટપણું આખા વ્રજમાં ઘેર ઘેર ગવાશે કે, આ ભોટ આંખવાળી ગોપી કાનાને જોઈને ગાલાવેલી ગેલમાં આવી ગઈ અને કાનુડાની વાંસળી સાંભળીને ડોલી ગઈ… કાચા કાનની સ્તો…
હે આંખડી, મેં તને લાખ સોનામહોરની શિખામણ આપી’તી કે, વધૂકી થાજે મા… પણ, છેવટે તેં તારી ને મારી આબરૂના કાંકરા કર્યા! આપણે બહાવ ભલે કરીએ, પણ જરાક વટમાં રહીએ…
(કાવ્યપ્રયાગ)