બંદો અને રાણી વિશે – હસિત બૂચ

બાલમુકુન્દ દવે

બંદો અને રાણી

સીમને સીમાડે તને જોયો મારા બંદા!

આ જુગલગીત મીઠું, મદીલું, મઘમઘતું છે. એને હંમેશનું તાજું તેમ મોહક કર્યું છે કવિકીમિયાએ. ‘આપણું’ તે આપણું જ રહે અને તોયે એ ‘કવિનુયે’ ભરભર પ્રમાણાય, એવો કીમિયો કરવામાં કવિએ જાણે અહીં કોઈ કમીના રાખી નથી, એમ કહીએ કે કવિથી એમ અનાયાસ થઈ ગયું છે, તોયે ચાલે, ભાવનો ઉઠાવ, ખુલાવ, ઘેરાવ, આરોહ એવી સાહજિક સ્ફૂર્તિએ લીલામય નીવડ્યો છે. એમાં લય, બાની, ચિત્ર, શબ્દ, વર્ણ, પુનરાવર્તન, ઈંગિત, એમ સઘળું રસઘનત્વ રચી લે છે. સંવાદ, દૃશ્યતા અેન પ્રાસટેકની બેવડાતી લઢણે કરીને આ ઊર્મિક કોઈ કલ્પનાશીલ તખ્તાજૂથની નજરે પડવા જેવું.

આ ગીતની સામગ્રી-આબોહવા સર્વ–સદાની પરિચિત. કવિને સ્પર્શે એજ પરિચિતના અદ્વિતીય, ન્યુ-સ્ટ્રેન્જ ચમત્કારિક થઈ ગઈ છે – કવિની નિજી નિર્મિતિ નીપજી આવી છે. હાથમાં લે બધું જૂનું જ જૂનું, કરી મૂકે એને નવલું નૂતન; કવિતા એ રીતે જ નિતાંત-નવ્ય નીવડતી હશે. કવિત્વની કનકકણીની એમાં જ કસોટી અહીં બેસી કૂજે છે તે રાણી-બંદાની હલક ગૂંથણીની, પીંછી ફરે છે તેય એ બંનેની સ્મૃતિપીંછીની. કવિ ક્યાંય નથી, તોય હરપળ, વાતાવરણને અણુએ અણુએ કવિ વરતાય છે’સ્તો. આ આભાસ એ જ રચનાનું અમૃત.

રાણીએ બંદાને જોયો સીમસીમાડે ને એ પળે જ ‘પ્રીતચિનગારી પહેલી જોઈજી’ રાણીને બંદાએ જોઈ ‘એકલ બપોરે’ અને એની વાત એ કે ‘અક્કલ પડીકી મેં તો ખોઈજી ખોઈજી.’ પ્રાસ-ફૂમતાંનો હિલ્લોળ તો મનમાં લહેરે છે જ, પણ બંદાની કબૂલતે મનની એ લહર છલકીયે રહે છે. આ ચાર લીટી મધુર આબોહવા ખાસ્સી રચી દે છે. એમાં ‘સીમને સીમાડે અને ‘એકલ બપોરે’ના સ્થળકાળની સૂચકતા અને ‘જોઈજી’/‘ખોઈજી ખોઈજી’–ની અવનવી જોડની હલકનો ખાસ ટેકો. આ આબોહવા અજબ ઘુંટાય છે હવે તરતઃ ‘આંબલાની હેઠ ગોઠ કીધી…’/‘હરખની મારી હું તો રોઈજી રોઈજી’ એ રાણીની જીવંત યાદમાં. ‘આંબલાની હેડ ગોઠ’માંનો આંબો ગરવાઈની ઓથ રચે છે, ત્યાં જ ‘હરખની મારી’ ‘રોઈજી રોઈજી’ની અનુભવયાદ કોઈ એવી કોમળ ગહરાઈ રેલે છે કે આપમેળે મન વારી જાય એમાં નવાઈ નહીં જ. નિસર્ગ, એના માંગલ્યમય મુક્ત રૂપે, એના અસલ કામણે અહીં નીંગળે છે. ‘હોઠની ધ્રુજારી તારી પીધી’ અને ‘હેતભીની આંખ… લોઈજી લોઈજી’માંની બંદાની, સ્ત્રીની કોમળ ગહરાઈને ધરાયેલી પુરુષની અંજલિ સુવાંગ આલેખાઈ છે. વર્ણસંગીત તો ‘કંઠમાં ગૂંથાણી મૂંગી વાણી’માંય તરત ચાલુ રહે છે. ‘નજરુંમાં નજર’ પ્રોવાય એ જો વાણી કંઈ કમ છે? એમાં એવા તો ‘વણબોલ્યા કોલ,’ કે ‘તાતણે બંધાયાં ઉર દોઈજી દોઈ જી’ની બંદાની ઉક્તિ વાત બરાબર રજૂ કરે છે. ‘દોઈ જી દોઈજી’માંની પ્રાસસૂઝે ‘દુબારા.’ આ ‘દોઈ જી’ની સભાનતામાં સુવર્ણમાં એકતંત બંધનની સુગંધ, ગીતા ભાવનું એ સૌંદર્ય એ ધન્યત્વ. એ સૌંદર્ય-ધન્યત્વને કવિસર્જ્યા ચિત્રે, સંગીનો આબાદ ઉઠાવ આપ્યો છે. પેલો આંબો! રાણી હૈયો એ ય કઈ રીતે ઝૂક્યો તે અનુભવીએ છીએ રાણીની ઉક્તિએઃ ‘આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા!’ અને અજવાળું ફરી વળે છે, કે એમ! બંદો રાણીહૈયે આમ છવાયો છે! આંબો… આપણી સંસ્કૃતિ…ના, ના; કહેનારો બંદો રાણીમય જ છે. રાણીની એણે હોઠધ્રુજારી પીધી છે, અને ‘હેતભીની આંખ… લોઈજી લોઈજી’ એ કંઈ અમથી નહીં. મોં ભારે થાય જ ક્યાંથી? બંદાની આ વાત, ‘ફેર ફેર મોહી તને જોઈજી જોઈજી’…એમ! આંબા જેમ એ ઝૂક્યો તે આ રીતે! રાણી જાતે ય ચિત્તે દુબારા—દુબારા ન કહે એવું કલ્પે ય કોણ? આ મદમસ્તી, આ ટહૂકો-ઘૂઘવાટ, આ એક છોળે આવતી-વધાવતી હળતી બીજી છોળ, આ જુગલગીતને કામણાગારું કર્યે જ જાય છે.

ત્યાં, ફરી ફરી મોહિત થઈને રાણીને જોયા કરતો બંદો જ મરમને જરાક અમથો ચીંધે છે, ‘ઉરધરકાર એકતાર મારી રાણી! અને રાણીહૈયે એ મરમના સંગીતને ધર્યું છે, ‘ઊઠતા એક સોઈજી સોઈજી!… સોઈજી સોઈજી.’ પેલી પહેલી ચિનગારી! પેલી ગૂમ થયેલી અક્કલપડીકી! પેલી આંબલાહેઠની ગોઠ! પેલી હરખમારી રોઈજીરોઈજીની કથની! પેલી હોઠધ્રુજારી પીધી ને હેતભીની આંખ લોઈ એ વાત! પેલું ફરી ફરી મોહિત ન્યાળવું! એ સર્વની પરિણિત તે ઉરધબકારનું એકતારત્વ! જુદાઈનું સાર્થક્ય! પણ, પણ એ પરિણતિનું ય સંગીત, એની કસ્તૂરીમ્હેંક? એ છે, પેલા ઝંકાર એકમાં: ‘સોઈજી સોઈજી!… સોઈજી સોઈજી’માં’સ્તો. આ જુગલગીતનો અમી ઉછાળ આ સોનલઝંકૃતિમાં; સમગ્ર અસ્તિત્વને અંદરથી નિતાંત ભરી દે એવો, દલેદલની સહજક્રમે ખુલાવટ, તો જ આ ઊંડા પરાગ અમૃતના ઉછાળાની ચોટ.

આપણે ત્યાં પદ્મરૂપક હજી વિરલ છે, નૃત્યરૂપકનો ય રૂઆબ નથી, અભિનયગીત કળાથી તો આઘું જ છે. એ સંદર્ભે આ સંવાદગીત ડ્રામેટિક લિરિકકણી જેવું ઠીક કાઠું કાઢે છે. પાત્રાનુરૂપ ભાવસંવાદની છટા, ખીલ્યે જતી સંકલના, ઉઠાવથી ઠેઠ લગી વાતાવરણને સજીવ કરતાં ચિત્રાંકનો, લયને જમાવતી પદ-પ્રાસયોજના, ઊગતો એવો જ વિકસતો-વિકસ્યે જતો અને પૂર્ણત્વે પહોંચતો ભાવાનુભવ, એમાંની સાહજિક સ્ફૂર્તિની સંતતિ, વાતાવરણમાંથી ઊગતાં લય-બાની-કલ્પન, એ સકલ સર્જે છે રૂપકત્વ, કોઈક લિરિક-યોગ્ય નાટ્યત્વ. ટૂંકી રચનાની મગદૂર આમ ખૂબ છે. બાલમુન્દે અહીં એ દર્શાવ્યું છે. આ રચના બાલમુકુન્દની જ, એમ તરત કહી દેવાય એવું એનું બાહ્યાન્તર છે એ વાત વધુ મુદ્દાની છે.

(ક્ષણો ચિરંજીવી)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book