બરકત વીરાણી ‘બેફામ’
વૃક્ષો ઊગાડે છે
જગતના બેદ ઢાંકે છે કોઈ, કોઈ ઉઘાડે છે;
સૌંદર્ય અને પ્રેમ આ બે વિભાવનાઓ વચ્ચેની ભેદરેખા ફારસી અને ઉર્દૂ કવિઓએ સરસ રીતે આંકી છેઃ સૌંદર્ય અસ્થાયી તત્ત્વ છે પ્રેમ શાશ્વત તત્ત્વ છે, અને પ્રેમ સૌન્દર્યને શાશ્વતના વાતાવરણમાં મૂકી શકે છે.
આ ગઝલની પહેલી જ કડીમાં સૌન્દર્ય અને પ્રેમ વચ્ચેનો સંઘર્ષ નિરૂપાયો છેઃ સૌન્દર્ય-હુશ્મના-ના અર્થમાં વિચારીએ ત્યારે એ કશુંક ગોપવે છે; જ્યારે પ્રેમમાં કોઈ રહસ્ય રહેતું નથી. પ્રેમ એ વાચાળ લાગણી છે; હોઠ બંધ રાખો તો ચહેરા પરથી રેખાઓ હૃદયની વાત કહી દે અને ચહેરાને પારદર્શક થતાં રોકો તો આંખની ભીનાશમાંથી પ્રેમ ડોકિયું કરી જ લે છે.
હુશ્ન સાથે પડદો અને મહોબ્બત સાથે દીવાનગી સંકળાયેલાં જ છેઃ લયલા અને એનો પડદો; તથા મજનૂ અને અંગ પરનાં વસ્ત્રોના લીરેલીલા કરી નાખતી એની દીવાનગી, એ બંને પાત્રોનો સંદર્ભ પણ આ શેર વાંચતાં યાદ આવી જાય છે. અને સંદર્ભ આ પંક્તિઓના સૌન્દર્યને ઔર ખીલવે છે.
‘મહોબ્બત વસ્ત્ર ફાડે છે’ એમ કવિ કહે છે ત્યારે જ એ સભાન છે કે પ્રેમમાં વેદના ભળેલી જ છે. પ્રેમની લાગણી સાથે જ દુઃખ ભળ્યા વિના રહેતું નથી. કારણ કે પ્રેમાળ માણસ હમેશાં સામા અંતિમેથી વિચારે છે. અને બીજા માણસના અંતિમેથી વિચારનારા બધા જ દુઃખી થાય છે. ઈસુ, બુદ્ધ કે ગાંધી એમનો પ્રેમ અને એમની કરુણા સાથે પારાવાર વ્યથા અને સંવેદનો ભળ્યાં છે.
પરંતુ પ્રેમની વેદના સૂક્ષ્મ પ્રકારની છેઃ જગતના દુઃખનો થાક લાગે છે. જગતનાં સ્થૂલ દુઃખો આપણેન ગ્લાનિ ઉપજાવે છે, જ્યારે પ્રેમનું દુઃખ વિશાળતા આપે છે એટલે જ આ ગઝલમાં કવિ અન્યત્ર કહે છે. ‘જગતના દુઃખથી થાક્યા હો તો દુઃખ રાખો મહોબ્બતનું.’
ગઝલના પ્રત્યેક શેરમાં એની આગવી સૃષ્ટિ હોય છે અને પ્રત્યેક સૃષ્ટિ એમાં લયલીન થવા પ્રેરે એવી હોય છે.
શ્વાસોચ્છવાસની પ્રક્રિયા તો જીવનના પાયામાં પડી છેઃ પરંતુ આ વસ્તુને કવિ કાવ્યાત્મક સંકેતથી સમજાવે છે. જીવન એ બોજો છે એમ તો સૌ કોઈને કહે છે પણ એટલા ખાતર એ બોજાને ઉતારી નાખવા કોઈ નથી ઇચ્છતું. એક તરફથી આ બોજાનો થાક અને બીજી તરફથી એ બોજા પ્રત્યેની આસક્તિઃ શ્વાસના સંકેત વડે કવિ આ જ વાત કહે છે.
કવિ અહીં જગતના દંભ પર, લોકોની જીવનને માણવાની અશક્તિ પર કટાક્ષ કરી લે છે. લોકો જીવે છે પણ જીવનેન માણતા નથી. જીવનરસથી ભરેલો પ્યાલો તેઓ હોઠ સુધી તો લાવે છે પણ એ ગટગટાવી જનારા વિરલ હોય છે કારણ કે જીવનરસ એ માત્ર મિષ્ટ નથી—મિષ્ટતમ અને કટુતમનો કોઈક એવો સમન્વય એમાં હોય છે, જે બહુ થોડા જીરવી શકે છે.
છેલ્લે કવિ વ્યવહારજગત પર પણ કટાક્ષ કરી લે છે જે જીવતી વ્યક્તિને મૂલવતું નથી અને મૃત્યુ પછી એની કબરો પર વૃક્ષો ઉગાડે છે.
આ રચના આમ વાતાવરણ લઈને આવે છે.
(કવિ અને કવિતા)