થાક છે
હરીન્દ્ર દવે
મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે,
કાવ્યપ્રકૃતિના આસ્વાદની પ્રથમ શરત હોય — રચનાનું સંપૂર્ણ પઠન પરિપૂર્ણ પાઠ પછી ભાવકચેતનામાં, પઠન સાથેસાથે રસાસ્વાદ નિસ્પંદિત થાય.
કાફિયાવિહોણી ગઝલ એવી આ કૃતિમાં રદીફ ‘થાક છે થાક છે’ પ્રકારનું ‘હેમરિંગ’ કર્યા કરે છે. છતાં કવિતાકળાની ખૂબ જુઓ થાકની રચના માણી શકાય અને થાક સુધ્ધાં ન લાગે! મોટામાં મોટો થાક રસશાસ્ત્રમાં હોય તો, કોઈની કૃતિ કંટાળો આપે, ‘બોર’ કરે તે છે. આવી રચના શું કરે? માર્શલ મક્લુહાનની માફક બ્રિટિશ મ્યુઝિશિયન બ્રીઆન ઈનો કહે છે તેઃ
Remember — the tedium is the message.
તેવા સંયોગમાં શબ્દનું ‘મિડિયમ’ ‘ટિડિયમ’નો ‘મૅસેજ’ બની બેસે!
જ્યારે અહીં ‘થાક છે’નું મથાળું ભરપ્રેરક પાટિયું મૂકવાનું સાહસ કરીને પ્રથમ શેરમાં થાકનું વ્યાપક પરિણામ ચીંધી દીધુંઃ મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે.
વ્યક્તિબદ્ધ થાકની વાત ઓછી ને મસમોટા મેળાના થાકની મોટાઈ વર્ણવી અનુગામી પંક્તિમાં અન્ય પાત્રને (‘તમને’) જે આભાસ થયો એની વિગત મૂકી આપી; ‘તમને થયું કે આપણી દુનિયાનો થાક છે.’
સુજ્ઞ ભાવકની દૃષ્ટિમાં સ્પષ્ટ થઈ જાય એવું છે કે ‘મને’ જે થયું એનાથી જુદું ‘તમને’ થવાની બહુવિધ શક્યતા છે. અહીં કાવ્યનાયકને ‘મેળાનો થાક’ અનુભવાયો તો પ્રતિપાત્રને લાગ્યું ‘આપણી દુનિયાનો’ થાક છે. હવે આપણી દુનિયામાં તો મને-તમે, અને દુનિયાના સૌ લોકના થાકની વાત વણાઈ ગઈ. ‘એવરીબડી ઇઝ એ પેશન્ટ ઑફ ફટિગ’! શકીલ બદાયૂનીએ મેળાના થાકનો કંટાળો એમના નાયકમુખે આમ ગવડાવેલોઃ
યે જિન્દગી કે મેલે, યે જિન્દગી કે મેલે
દુનિયા મેં કમ ન હોંગે… અફસોસ હમ ન હોંગે…
પ્રસ્તુત કૃતિમાં ‘તમને’ અને ‘તને’ સાર્થ સંકલિત પંક્તિઓ અને ‘મારા’ તથા ‘મારી’ સંલગ્ન પંક્તિઓ અલગ વાંચી જુઓ, એક જુદી જાતનો જાયકો સાંપડશે.
ગઝલપ્રકારમાં પ્રત્યેક શેરની સ્વ-તંત્રતા હોય છે, સ્વયં-સંપૂર્ણતા હોય છે. અત્રે બીજા શ્લોક-શેરમાં, પ્રથમ શેરમાં આવતો ‘તમને’ બીજામાં ‘તને’નો રૂપવેશ ધરી આવે છેઃ જેવું તને મેં જોયું ત્યાં ભાગી પડ્યો મરણ! મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
નાયકની નિખાલસ પ્રામાણિક કબૂલાત સ્પર્શી જાય. મરણને ભાળતાં જ ભાંગી પડાયું. (છેક ૧૯૭૨માં હરીન્દ્ર પણ આગાહી ભાખી શકેલા!) બીજી કડી વિશિષ્ટ છે ‘મંજિલ મળી’ એમ નાયકને લાગ્યું તો તેમની મુકામ-મંજિલ શું મૃત્યુ હશે? સૌ કોઈને મંઝિલ મળતી નથી અને મંજિલનો મોકો મળી જાય ત્યારે મોકાનો પણ થાક હોય એવું વિલક્ષણ પર્સેપ્શન અહીં રજૂ થયું છે. વળી ગમે કે ના ગમે હરેક મનુષ્યની અંતિમ મંજિલ મૃત્યુ નથી તો બીજું શું છે. કુંડળીમાં જન્મ સાથે જ મૃત્યુનો અફર અડગ ગ્રહ ડેરા તાણીને બેઠો હોય છે!
શકીલ બદાયૂની ગાયનપંક્તિમાં ‘અફસોસ હમ ન હોંગે’ ભલે આવે પણ અહીં ત્રીજા શેરમાં નાયક સામેના પાત્રની વ્યાકુળતા અને પોતાની ચિંતાતુર દશાને આશ્વાસનની દિશા દર્શાવે છે.
મારા વદનના ભારથી વ્યાકુળ બનો નહીં,
હમણાં જ ઊતરી જશે રસ્તાનો થાક છે.
આકુળવ્યાકુળ થનાર પાત્ર કેટલું આત્મીય હશે જે નાયકના ચિંતાતુર ચહેરાથી આરંજિત થયું. રસ્તાનો થાક ઊતરી જશે એવું આશ્વાસન. મંજિલે-મક્સૂદ પાર પડ્યા પૂર્વે કહેવાનું પણ નાયકની આત્મયતા સૂચવે.
એકદા મરણ ભાળી ભાંગી પડેલો નાયક કૂણો પડે, મૃદુતાપસંદ બને પણ અહીં તો નાયિકા સમા પાત્રને શીખ આપે છે, મુલાયમ થશો નહીં.
અનુવર્તી પંક્તિ, થાકનું એક અવનવું અવૈષ્ણવી ચરિત્ર પણ ઊપસાવે છે; રહીને સુંવાળા સૌને દૂભવ્યાનો થાક છે. સુંવાળું હોય તે કોઈને દૂભવે ખરું? પણ કવિની શબ્દ-કોતરણી નાજુક નકશીકામની યાદ આપે. સુંવાળા છે નહિ, પણ સુંવાળા ‘રહીને’, તાત્પર્ય કે સભાનપણે સુંવાળા દેખાઈને સૌને દૂભવ્યાનો થાક છે! શેરની પ્રથમ બોધક કડીમાં મુલાયમ સંવાળા ના થવાનો દાવો છે, અને બીજીમાં દલીલ છે કે સુંવાળા રહી સૌને દુભાવાથી થાક પણ લાગે, માટે મુલાયમ થશો નહિ!
અંતિમ શ્લોક, છેલ્લો શેર થાકના આયામની વિસ્તારિત વ્યાપનશીલતા તો પ્રગટ કરે જ છે પણ કવિશ્રી હરીન્દ્ર દવેની ગતિશીલ કલ્પન અભિવ્યક્ત કરવાની સરાહનીય ક્ષમતા પણ દર્શાવે છેઃ
નદીઓ તો સામટી મળી ધોયાં કરે ચરણ,
પણ ક્યાંથી ઊતરે કે જે દરિયાનો થાક છે.
પરિશ્રમિત પગનો થાક ઉતારવા એના પર પાણી રેડવાના રોજિંદા ક્રમને નદીઓ સાથે સાંકળી, દરિયાનો થાક ઊતરવાની અશક્યતા ઝળકાવતી પંક્તિઓ સ્મરણીય છે. પ્રથમ શેરમાં ડોકાયેલો દુનિયાનો થાક અહીં દરિયાનો થાકબની અવ-તર્યો લાગે.
(ભમરો વાત વહે ગુંજનમાં)