પરિભાષા વિના – ઉત્પલ ભાયાણી

જાણીબૂજીને

હરીન્દ્ર દવે

જાણીબૂજીને અમે અળગાં ચાલ્યાં

ધારો કે યુવકનું નામ રમેશ છે અને યુવતીનું રમા. નામનો ખાસ આગ્રહ નથી. રમેશ અને રમાના સ્થાને પચાસેક વર્ષ પહેલાં સંતાનોને અપાતું કોઈ નામ મૂકવાની છૂટ છે.

રમેશ અને રમા વચ્ચે ઓળખાણ છે. વાતચીતનો વ્યવહાર છે. એ બંને જ નોંધી શકે એવી સંખ્યાબંધ સુંવાળી ઘટનાઓનાં અસંખ્ય મધુર સ્મરણોથી બંને ભરેલાં છે. ટૂંકમાં સાહેબ, રમેશ અને રમા પ્રેમમાં છે.

પણ હજી પ્રેમનો એકરાર થયો નથી. સાચું પૂછો તો જાહેર એકરાર થયો નથી. બંને છે કે બંને એકમેકના પ્રેમમાં છે. કારણ ગમે તે હોય પણ હજી બધું છાનું ને છપનું છે.

હરીન્દ્રભાઈના આ કાવ્યનો ઉપાડ કે ઉઘાડ આ અવસ્થાનો છે. પ્રેમની આ અવસ્થા માણવાની મજા અનેરી હોય છે. આખરે તો પ્રેમ કે પ્રેમી બંનેને ભલે છુપાવી શકાતાં ન હોય પણ એ છુપાવવાના નિષ્ફળ નીવડતા પ્રયાસોનો રોમાંચ, એ માટેના કાવાદાવા, સાહસ-દુઃસાહસના સંકેતો કવિ અહીં એકદમ સરળ ભાષામાં, વાતચીતની ભાષામાં રજૂ કરે છે. પરંતુ એની ગોઠવણી એટલી સરસ રીતે થઈ છે કે કથનને બદલે કવિતા સિદ્ધ થઈ જાય.

વિવેચનના સિદ્ધાંત કે પરિભાષા વિના, રમેશ અને રમાના ઉદાહરણથી વર્ણવેલી પ્રેમની અવસ્થાની કાવ્યાત્મક અભિવ્યક્તિનો આનંદ જ વ્યક્ત કરવાનો ઉદ્દેશ અને ઉપક્રમ છે.

દિવ્ય, ભવ્ય કે પવિત્ર જેવાં વિશેષણો પ્રેમની આગળ મુકાતાં રહે છે, મુકાવાં જ જોઈએ. સાથોસાથ જગતની કેટલીક ઉત્તમ સાહિત્ય અને કલાકૃતિઓ જેની સાક્ષી પૂરે છે એ તથ્ય પણ સ્વીકારવું રહ્યું કે પ્રેમને નબળાઈઓ અને અવગુણો સાથે પણ એવો જ પાક્કો સંબંધ રહ્યો છે. દલીલ ખાતર કોઈ એને પ્રેમ નહિ પણ જાતીય આવેગ, ઉન્માદ, વાસના કે કાચી લાગણીઓ જેવું કોઈ પણ નામ સૂચવી શકે પરંતુ જુઠ્ઠાણાં, ભ્રમણા, રિસામણાં, મનામણાં જેવી કંઈક રમણાઓ પણ પ્રેમ સાથે સંકળાયેલી છે. કરવાં ગમે એવાં આ તોફાનોનું આ કાવ્ય છે.

પ્રથમ જ પંક્તિઓમાં આ કાવ્ય એનું લક્ષ્ય પાર પાડે છે. અળગા ચાલવા અને જાણીબૂજીને અળગા ચાલવામાં કેટલો ફરક છે! અને અળગા ચાલ્યાનો દાવો હોવા છતાં થવાનું તો થઈ જ ગયું છે. સંયમ તૂટવાની વાત કવિ અહીં અદ્ભુત સંયમથી કરે છે.

શરીરના સ્પર્શને અહીં પ્રશ્ન જ નથી, માત્ર પાલવ અડકવાનો જ મામલો છે અને એનો પણ પાછો વહેમ છે. પાલવ પડકવા જેટલા દૂર ચાલવાની ઔપચારિકતા જાળવી હોવા છતાં અનૌપચારિક રીતે નિકટ આવી ગયાનો ઇસારો અહીં કેટલો અસરકારક છે.

કોઈને મળીએ ત્યારે કેમ છો કરતાં પહેલાં સામસામે હોવાની ક્ષણો તો કેટલી હોય પણ કવિની સૂક્ષ્મ દૃષ્ટિ એના પર જ ઠરી છે.

પ્રેમમાં તો મૌનનો મહિમા અનેરો છે. કેટલીક વાર તો મૌન, વાણી કરતાં પણ વધારે બોલકું લાગે છે. અને પ્રેમમાં તો મનમાં હોય એના કરતાં વિપરીત બોલવાની વૃત્તિ પણ સહજ હોય છે. પ્રેમની તરબતર અવસ્થાને છાપરા વિનાના ઘર પર વરસતા વરસાદમાં પાણીથી લથબથ થઈ ગયેલા વીંટાનું કલ્પન સર્જકતાથી ભર્યુંભર્યું લાગે છે.

અને આટઆટલું થયા પછી પણ પ્રેમની આગળ ‘જરા’નું વિશેષણ જે રીતે અર્થહીન લાગે છે એમાં જ આ કાવ્યની કલાત્મકતા છે. શરમાળ પ્રકૃતિનો સર્જક, શરમ-સંકોચનું આવરણ જાળવીને પણ કેવી ઉત્કટ અભિવ્યક્તિ કરી શકે છે એનું આ મનગમતું દૃષ્ટાંત છે.

(ભમરો વાત વહે ગુંજનમાં)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book