ચન્દ્રકાન્ત ટોપીવાલા
પ્રાર્થના
અકસ્માતે અથડાતાં કૂટાતાં
‘પ્રાર્થના’ સાદાસીધા સોંસરા ગદ્યમાં રચાયેલ ‘ફેબલ’ – બોધકથા – કક્ષાનું કાવ્ય છે. ચાર પથ્થરો એકઠા થઈ પોતે જે સલામત સ્થિતિમાં (ચણાયેલા) હતા એ સૌ મુસ્લિમ – હિન્દુ – ખ્રિસ્તી – હિન્દુમુસ્લિમ- મિશ્ર ટોળાંઓએ ધર્મસ્થાનોમાં તોડફોડ કરી છૂટા પાડી નાખ્યા એની દારુણ કથની પરસ્પર કહે છે. ત્યાં તો, કુદરતકૃત વાવાઝોડું આવે છે એટલે ચારે પથ્થરિયાં પાત્રોને નિકટ આવવાની ફરજ પડે છે. ‘આફતમાં સૌ એક’ના ન્યાયે પથ્થરમાં કુશળ કર્તાએ પ્રાણપ્રતિષ્ઠા કરી છે! કેવી? તે ભાગ આસ્વાદ્ય ઊતર્યો છે: ‘ચારે સહેજસાજ હાલ્યા. હાલતાં હાલતાં વધુ નજીક આવ્યા.’ ‘હાલતાં હાલતાં’ પ્રયોગ નોંધપાત્ર. ‘ચાલતાં ચાલતાં’ લખ્યું હોત તો ‘હાલતાં હાલતાં’ જેટલી જીવંતતા ના વરતાત. ‘ચારે સહેજસાજ હાલ્યા’ના વર્ણનથી પાષાણોમાં શનૈર્શનૈ પ્રાણસંચારનો અનુભવ સાધારણીકરણ પામ્યો. અન્તિમ ત્રણ લીટી વાવાઝોડું આવ્યા પછીની પ્રાર્થના છે જે એલિયટના કેથેડ્રલ–કોરસની યાદ આપે એવી સ–ચોટ અને સૂચક છે:
ખભેખભા મિલાવી તેમણે પ્રાર્થના કરી:
‘જોઈએ તો કોઈ ચક્રવાતમાં અમને દળી નાખજો
પણ અમને કોઈ ઝનૂની ટોળાંઓને હાથ ન ચઢવા દેશો.’
વાવાઝોડું ‘થયું’ પ્રયોગ સુભગ નથી લાગ્યો જેટલો ‘ચક્રવાતમાં અમને દળી નાખજો.’ ‘દળી’ નાખજોના પ્રયોગચક્રવાત પોતે –– મહાકાળનું ઘંટીચક્ર હોય એવો સદ્ય અહેસાસ કરાવે છે.
ઝનૂની ટોળાં કોઈ એક કોમનો ઇજારો નથી એ પ્રસ્તુત કૃતિનો મેસેજ છે! ક્રમશઃ ઘાતક કૃત્યો કોમાનુસાર આમ છે. મુસ્લિમ, હિન્દુ, હિન્દુમુસ્લિમએકત્રિત, અને છેલ્લે ખ્રિસ્તી. ટોળાંઓનું ઉત્પ્રેરક પરિબળ ઝનૂન છે. ઝનૂન કોમો વચ્ચે વિભાજન કરે છે, વિચ્છિન્ન કરે છે, વિભક્ત કરે છે જ્યારે વાવાઝોડા જેવી કૅલેમિટી પથ્થરોને પણ ખભેખભા મિલાવી પ્રાર્થનાઅભિમુખ કરે છે! જેમનામાં હિંસાભર્યું નરાતાર ઝનૂન હતું તે બધી કોમો પથરા જેવી જડ થઈ ગઈ હતી એટલે એમના બદલે આ પથ્થરોએ દળીને રાખ થઈ જવાનું પસંદ કર્યું પણ કોમોનાં ઝનૂની ટોળાંઓને હાથે ચઢી તોડફોડ માટે ફેંકાવાનું તદ્દન ના–પસંદ કર્યું.
અત્યાધુનિક કવિ, સમકાલીન બળબળતી સમસ્યાઓ તરફ ઉપેક્ષા કરે છે કે ઉદાસીન રહે છે એનો તાજો સબળ સૂચક ઉત્તર ચન્દ્રકાન્તની આ ‘પ્રાર્થના’ કૃતિમાં પણ ધ્યાનાર્હ છે. કવિએ અહીં શલ્યા–પથ્થરોને અહલ્યાની જીવંતતા બક્ષી છે!
‘પથ્થર થરથર ધ્રૂજે’ કવિશ્રી નિરંજન ભગતની પ્રખ્યાત કૃતિ યાદ આવે છે જે બાઇબલકથાને અનુસરી એક પ્રકારનું દ્રવ્યપરિવર્તન (transubstantiation) હતું, જ્યારે ચન્દ્રકાન્તની રચનાના પથ્થર ‘છિન્નભિન્ન છું’ની રાડ પાડી અન્તે ‘પ્રાર્થના’માં ભાવૈક્ય સાધી શક્યા છે. મૂળ બાઇબલકથામાં જેમ બધા જ પાપી હતા, તેમ અહીં સઘળી કોમો ઝનૂન ઝેરના પાપથી વ્યાવૃત્ત છે. ત્યાં પથ્થર થરથર ધ્રૂજતા હતા, જ્યારે અહીંયે પથ્થર થરથર ધ્રૂજી તો ઊઠ્યા પણ છેવટે આર્તનાદમાં પસંદીદા વિકલ્પ – અમને ઝનૂની ટોળાંઓને હાથ ન ચઢવા દેશો – પ્રોપોઝ કરી સૂચવી શક્યા.
મનુષ્યજાતિને સમૂહ – ટોળામાં ‘હર્ટ કરવાનું, જમ્મુ કરવાનું મન કેમ થાય છે? એવી વૃત્તિનું નિદાન બ્રિટિશ વૈજ્ઞાનિક જેકબ બ્રૉનોવ્સ્કીએ વર્ણવ્યું છે:
‘The wish to hurt; the momentary intoxication with pain, is the loophole through which the pervert climbs into the mind of ordinary men.’
(‘The Face of Violence’, ૧૯૫૪)
– દુઃખ, વેદનાથી ક્ષણોનો પણ એક ક્ષણિક નશો હોય છે અને એના કેફમાં ઈજાજખ્મ પહોંચાડવાની છટકબારી મારફત હિંસાની વિકૃતિ સામાન્ય લોકના મગજ પર સ્વાર થઈ જાય છે.
આવું સામાન્ય લોક સમ્–કૃતિ રચી જ શકે અને નશામાં ટોળા રૂપે વિકૃતિનો શિકાર પણ થઈ શકે. ચન્દ્રકાન્ત ટોપીવાળાના ચતુર્ભુજ પથ્થરની ‘પ્રાર્થના’ ચતુર્વર્ણો, ચા૨ કોમો સુધી પહોંચશે? ભલે ‘વિશફુલ થિન્કિંગ વસ્તુકૃતિ લાગે પણ એક કવિનું પૉઝિટિવ થિન્કિંગ કાવ્યરૂપમાં ઢળી વહ્યું એ સંસ્કૃત જગતની જાગૃતિ ચીંધે છે.
(રચનાને રસ્તે)