શી-ઈ-ઈ-ઈ-!
લાભશંકર ઠાકર
શી-ઈ-ઈ-ઈ-!
વસંતના દિવસો છે. અવનવાં પંખીઓના ચહેકાટથી સવારનું મારું આંગણું આકાશ બની ફરફરતું રહે છે. ત્યાં, આ કવિ લાભશંકર ઠાકરના ઓન થયેલા કૅમેરામાંથી એક કલધ્વનિ મારાં કાન-ભાનને ઝણઝણાવતો આવી પહોંચે છે. :
‘શી-ઈ-ઈ-ઈ-!’
ધ્વનિ, અવાજ. કેવળ હવામાં તરતો અવાજ. બધા જ કોલાહલોને શમાવી શાંત પળોમાં નિમજ્જન કરાવતો પંખી-સ્વર. શી-ઈ-ઈ-ઈના સ્વર-હિલ્લોળ સાથે જાણે ઝૂમી ઊઠ્યું છે આખું વાતાવરણ.
ક્લિક કરી સ્થગિત ચિત્રો આપતો આ કોઈ યાંત્રિક કૅમેરા નથી. આ તો છે કવિનો કૅમેરા. પંચેન્દ્રિયોના રસકોષોમાં રસબસતો કૅમેરા.
શી-ઈ-ઈ-ઈના આલાપમાં સંગોપાઈ ગયું છે બધું. એની તાનમાંથી જ સૌપ્રથમ થાય છે સ્પર્શાનુભૂતિ અને સાથે સાથે જ આસ્વાદ્ય દૃશ્યાનુભૂતિ.
‘શીતલ પવનની પીઠ પરેથી લસરે છે
લીંબુરંગનો તડકો’
સ્પર્શના રોમાંચ સાથે દૃશ્ય ઊઘડતું જાય છે. પવનની પીઠ પરથી લસરતો લીંબુરંગનો તડકો. અરે ભાઈ! આ તો દેહ વિનાનો પવન પણ દેખાયો અને આપણે તો લસર્યા આ ખટમધુરા તડકામાં સરરર… (પ્રિય કવિ, તડકાને તો તમે કેટકેટલા રૂપે જોયો છે! અને કેટકેટલી રીતે તમે ઝીલ્યો છે અવાજને!) — હજુ આપણે આ તસતસતા સ્વાદુ તડકાથી મોહિત થઈ અંગુલિ એના તરફ લંબાવીએ એટલામાં તો પ્રત્યક્ષ થાય છે ઘટાદાર બોરસલી. સંકોરો જરા તમારી નાસિકાને, શ્વેત સુગંધી પુષ્પોની સુવાસથી છલછલી ઊઠશે તમારી ઘ્રાણેન્દ્રિય. પણ નજર કરો, ત્યાં શ્વેત પુષ્પોથી લચેલી ડાળી પર તો પ્રગટ થઈ શ્યામ રંગની ચળકતી પૂંછડી. અને આ શ્વેત-શ્યામના સંયોજનમાં રેલાતો જ રહ્યો, રેલાતો જ રહ્યો એક સ્વર –
‘શી-ઈ-ઈ-ઈ-!’
આમ આંખ, કાન, નાક, જીભ અને રૂંવેરૂંવેથી જોતાં જોતાં કૅમેરા તો કરતો રહ્યો ક્લિક્ ક્લિક્. અને સામે દેખાયું –
‘શુભ્ર પતાસા જેવું પેટ, દૈયડ…’
રંગ, રૂપ ને સ્વાદ કેવાં એકરસ થઈ જાય છે! ‘શુભ્ર પતાસા જેવું પેટ…’ (કેવી રસભરી ઉપમા!) અને જીભ સહસા ઉચ્ચારે છે, ‘દૈયડ’ અને પછી દૈયડનું અંગ્રેજી નામ પેગપાઈ રોબિન પણ પાછળ પાછળ સરકી આવે છે. સ્વરને હવે દેહ મળે છે. આમ નામ તો છેક હવે આવે છે. (નામમાં શું?) — આવકારો આપવા નામ તો જોઈએ ને?
બાહુ પ્રસારી કવિ આમંત્રે છે દૈયડને — ‘આવ –’. કવિતા વાંચતાં વાંચતાં મારા કાન ઘડીક દૈયડના સ્વરમાં ઝૂમે છે તો ઘડીક કવિતાના ઝીણા લયમાં લીન થાય છે. અને કવિ પણ હજુ તો અવાજના જ નશામાં છે ને!
‘તારા અવાજમાં ઘૂંટાયા છે, લીંબુરંગી સુખોષ્ણ તડકો…’
વસંતનો ખરો પરિચય તો આ પંખીઓ જ કરાવે છે ને! પંખીઓ અને પુષ્પો ન હોય તો આપણને કદાચ વસંતના આગમનની ખબર જ ન પડે. અને આ તો પાછું દૈયડ. વસંત આવતાં જ એનો અવાજ ખૂલી જાય, ખીલી ઊઠે. જોયું? પેલો લીંબુરંગનો તડકો હવે સુખોષ્ણ બની ગયો. ઉષ્ણ છતાં સુખ આપે તેવો, હૂંફાળો. જરા ફરી સાંભળી લઈએ આ શબ્દો :
‘તારા અવાજમાં ઘૂંટાયા છે, લીંબુરંગી સુખોષ્ણ તડકો,
શીતલ પવન ને કામ. આવ–’
કેટકેટલું આવે છે આ પંખીના અવાજમાં ઘૂંટાઈ ઘૂંટાઈને. મસૃણ તડકા સાથે ગેલ કરતો વાયરો અને એની સંગે ઘૂંટાયો છે કામ. અનંગ. (બે અનંગની આ સહોપસ્થિતિ જોઈ!) આ તો પુષ્પધનુ લઈ શરસંધાન કરતો મદિર અવાજ.
કવિતામાં આમ હિલ્લોળા લેતાં લેતાં આપણને કદાચ એવું પણ થાય કે અરે! કવિએ દૈયડને જોયું કે પછી માત્ર એનો અવાજ જ સાંભળ્યો? શું અવાજમાંથી જ રચાઈ આ બધી લીલા — મન:ચક્ષુ સામે! કવિ તો દૈયડને બોલાવે છે અતીતમાંથી આ ક્ષણમાં — સામે. આ એક એવું બિંદુ છે જ્યાં વિગત અને આગત એકાકાર થઈ જાય છે. જે આચ્છાદિત છે તેને અનાવૃત્ત થવા જાણે સાદ પાડે છે કવિ. અને પાછા કહે છે –
‘હું તો બેઠો છું નિષ્કામ ને અનિચ્છ. આવ–’
નિષ્કામ સ્થિતિમાં તરંગાતી સકામ સ્મૃતિઓ. અનિચ્છ અવસ્થાના શાંત સરોવરમાં સ્પૃહાની લહરી. ઉદ્દીપન અને ઉપશમનું આ કેવું અનોખું સાયુજ્ય! વસંતના દિવસોમાં દૈયડનો સ્વર જાણે અતીતના સુખાનુભવોને નવપલ્લવિત કરવા આવી પહોંચ્યો. કવિ ઉલ્લાસપૂર્વક પોકારે છે — ‘આવ –’
‘તારા અવાજથી ઊઘડી છે મારી આંખ’
કવિતા વાંચતાં વાંચતાં પંક્તિએ પંક્તિએ પોરો ખાઈએ તો એમાં નવી નવી ખૂબીઓ આપણને દેખાય. મને થાય છે કે આ એક નાનકડા કાવ્યમાં શ્વેત-શ્યામનાં કેવાં કેવાં સંયોજનો કવિએ બાખૂબી તરતાં મૂક્યાં છે!
‘…ઊઘડી છે મારી આંખ.’ મળસકું છે. કવિ હજુ જાગ્યા જ છે. ભળભાંખળું… (અરે, સ્મૃતિમાં સળવળવા લાગે છે આ પંક્તિઓ — ‘પરોઢના ઝાકળમાં તડકો / પીગળે…’ અને ત્યાંય પાછું ‘બટેર બેઠું, બટેર બેઠું બટેર બેઠું…’ — પરોઢ અને પંખી જાણે કવિની ચેતનામાં અવિનાભાવે વણાઈ ગયા છે.) — આછું અંધારું અને શુભ્ર કિરણોના સથવારે ઊઘડતું સવાર. આ શ્વેત-શ્યામનું પહેલું દર્શન. એને ઝીલીએ ઝીલીએ ત્યાં દેખાય બોરસલીની ઘટામાં ડોકાતો શ્યામ અને ડાળી પર ઝૂલતો શ્વેત. એમાં પાછું આવ્યું આ દૈયડ. કાળો ચળકતો દેહ અને કવિ કહે છે તેવું, ‘સફેદ પતાસા જેવું પેટ.’ ફરરક કરતું ઊડે આ પંખી ત્યાં એની કાળી પાંખોમાં દેખાય સફેદ પટા. કેવી છે આ શ્વેત-શ્યામની રમણા!
ચાલો, ચાલો ફરી વાંચી લઈએ આ થોડી પંક્તિઓ :
‘તારા અવાજથી ઊઘડી છે મારી આંખ
તાકવા તને, મારી એકલતાની ડાળે
સ્મૃતિ શ્રુતિના ફળિયામાં સકામ કૅમેરાનાં
આંખ-કાનની સામે મિડ શોટમાં.’
આયુષ્યના અવશેષે કવિ બેઠા છે એકલતાની ડાળે. બધું જ સંકોડીને અનિચ્છ બેઠેલા કવિ ઇચ્છે છે — ‘તાકવા તને –’ દૈયડને? કેવળ દૈયડ તો નહીં. દૈયડ તો સંચારી છે. શી-ઈ-ઈ-ઈ કરતું પલમાં સરી જાય એવું. કૅમેરા તો મંડાયો છે સ્મૃતિ-શ્રુતિના ફળિયામાં. કામનાભર્યા — ઇચ્છાભર્યાં સકામ છે આંખ-કાન. કવિનાં. કૅમેરાનાં. કવિના કૅમેરાનાં. પંખી-સ્વરની શ્રુતિ આંધળોપાટો રમતી રમતી ખેંચી જાય છે છેક સ્મૃતિના ફળિયામાં. (અહીં સજીવારોપણ પણ ચિત્તને કેવો સહજ આંદોલિત કરે છે!)
કૅમેરા ઓન છે. સકામ આંખ-કાન સાથે. ગોઠવાયો છે ‘મિડ શોટ’માં. સામે તો ભાઈ પંખી! એને ક્લોઝઅપમાં ઝીલવું કપરું. અને લોંગ શોટમાં તો, એ ટપકું થઈને ઓસરી જાય. તેથી આ ‘મિડ શોટ’. (સમ્યક્ દર્શન) આ મિડ શોટની પણ પાછી જુદી જ મજા છે હોં. સુજ્ઞોને શું કહેવું!
અને કૅમેરા તો હજીય ઓન છે. અવિરત પ્રતીક્ષામાં આ પામવા કરતાં પ્રતીક્ષાની મજાય પાછી કંઈક ઔર…
‘શી-ઈ-ઈ-ઈ’ના સ્વર સાથે આરંભાતું અને એ સ્વરની ગુંજ સાથે જ વિરામ પામતું આ કાવ્ય આપણને અંદર-બહાર કેવા તરબતર કરી જાય છે નહીં!
હવે, ફરી એક વાર વાંચી લેજો આ કવિતા. સંભવ છે એમાં વિલસેલો પંખીસ્વર તમારા શ્રુતિ-સ્મૃતિના ફળિયામાં આવીને નવી દિશાઓ ખોલતો કદાચ રણકતો હોય તમારે આંગણે…
(પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ ૨૦૧૬)