નિશીથ — બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

સાક્ષર યુગની વિદ્યા પરંપરાના આ કવિ અને શ્રી મનઃસુખ ઝવેરી સારા પ્રતિનિધિ બની રહેશે એમાં શક નથી.

નિશીથ: (૧) મધરાત, (૨) રાત. પણ અહીં રાત્રિનો દેવ એવો અર્થ લીધો છે અને વેદના ઋષિઓએ ઈંદ્ર, પૃપન, આદિત્ય, મરુત્, અદિતિ, ઉષા આદિનાં સ્તોત્રો રચેલાં તેમ દેવ, દેવી શબ્દને પ્રાકૃતિક તત્ત્વ કે ભાવના અર્થમાં લઈને તથા નટરાજની કલ્પનાનો આશ્રય લઈ એને દેવાધિદેવનું અદ્વિતીય ગૌરવ સમર્પીને કવિએ આ રાત્રિસ્તોત્ર લખ્યું છે. અતિશયોક્તિ કે રોમાન્ટિક શબ્દ-લીલા લાગે તેને આ દૃષ્ટિએ ઘટાવી લેવું. મ્હને કવિતાનો આ પ્રકાર પ્રકૃતિ-સૌન્દર્યનું આવું કાલ્પનિક ઉદ્દીપન કાલગ્રસ્ત (ઑબ્સોલીટ) લાગે છે. અર્વાચીન બુદ્ધિકલ્પનાને એ અકૃત્રિમ લાગે ભાગ્યે. અદ્ભુતતા કરતાં કૃત્રિમતાની છાપ જ વધુ ઉપસે છે.

૫ તેજોમેઘઃ નિહારિકા. નિહારિકાઓના લાંબા પટ તે જાણે આ નટરાજના નૃત્ય ઝપટે ઊડતા અને ફરફરતા ખેરાના છેડા. ૬. પાટઃ દરબાર-મિજલસની ઠઠ ચારે બાજુ જામી હોય તેમાં વચ્ચે ખુલ્લી જગા, નટ, ગવૈયા, કવિ ભાટ, ગણિકા, આદિની પ્રવૃત્તિ માટેનો રંગ, મંચ. ૮ ગર્તઃ તારા વિહીન ખાલી અવકાશો, (એમ્પ્ટિ સ્પેસીઝ) ૯ ચકરાતીઃ ધરી ઉપર ચક્રગતિએ ફરતી. ૧૬ આખી સૃષ્ટિ ત્હારૂ વિરાટ દિવાનખાનું, વસુંધરા ત્હારી રંગભૂમિ, ત્હારું રંગભવન. ૧૯ તારા ને ગગનને ત્હારે સ્પર્શે સ્પર્શે થતા રોમાંચ. ૨૧ વિકારવંટોળઃ જુસ્સાભરી વિકૃતિઓ. વિકાર શબ્દ ઘણુંખરૂં બગાડ, અનીતિમયતા આદિ સૂચવે છે. અહીં શબ્દાર્થ જ લેવાનો છે. ત્હારી હૂંફે, ત્હારી ગોદમાં, પ્રીતિરતિના અનેકાનેક જુસ્સા મચી રહે છે.

અગસ્ત્યઃ ‘આર્ગો’ નક્ષત્રમાંનો સૌથી ચળકતો તારો ‘કેનોપસ.’ મૃગઃ મૃગશીર્ષ, ‘ઓરિયોન.’ ઉત્તરાયનનું પ્હેલું નક્ષત્ર. પ્હેલું માટે એને અગ્રહાયન પણ કહે છે. શ્વાનઃ આ વિશેષનામ અંગ્રેજ ‘ડૉગસ્ટાર’ અભિધાન ઉપરથી. એ તારાનું ખગોશશાસ્ત્રીય નામ ‘સીરિયસ’ છે. આપણા આકાશમાં સૌથી વધારે તેજસ્વી દેખાતો તારો. પુનર્વસુઃ આર્દ્રા પછીનું નક્ષત્ર. દેવયાની ‘લેડીઝ ચેયર’ એ અંગ્રેજી અભિધાન ઉપરથી. આપણા જ્યોતિઃશાસ્ત્રની પરિભાષામાં એને શર્નિષ્ટા કહે છે, તે ઉપરથી પણ પણ કવિને વધારે રોચક દેવયાની નામ આપવાનું સૂઝ્યું હોય. મઘા=દાતરડું. રાતે અગાસી પર કે ખુલ્લા મેદાનમાં નક્ષત્રો, તારા, સ્વર્ગંગા, સપ્તર્ષિ આદિ તર્ફ જોઈ રહેતાં કવિએ અહીં નિશાવ્યોમનાં દૃશ્યોનું કેવું તો કલ્પનામય ચિત્ર આલેખ્યું છે, તે આપોઆપ ઉગી આવશે. ૩૯ નવ્ય: યોગીઓ તો નામરૂપ આદિના મોહને દૂર રાખી, એ સર્વ પ્રતિ વેરાગ્ય જમાવીને તપશ્ચર્યા એક પછી એક સુંદર રૂપના અંબારને સ્પર્શી, સેવી, મ્હાલાવીને તું કર્યા કરે છે, એ ત્હારો યોગ અને તું બે ય ‘નવ્ય.’

મૌન, અગતિરૂપ શાંતિ, શૂન્યાકાર: લોકોત્તર રહસ્યમય ભવ્યતા. ૫૬ ભાલ અને કપોલ: તારાઓની પાછળ અતટ ઉંડાણ જેવો દેખાતો અંતરિક્ષનો પોલો ઘુમટ. ડીલ: આ ઘુનટ પછી તારાઓ, ચંદ્ર અને વાદળાં, એ જાણે નાચતાં નિશીતનાં મસ્તક, નેત્ર, કપાળ, મુખ, કંઠ… તે તળેનો છે પૃથ્વીની સપાટી લગીનો દૃશ્ય વિસ્તાર તે નિશીથનું જાણે બાકીનું ડીલ.

સુનિશ્ચલ: અતિસંસ્કૃત પ્રયોગ: કવિતામાં આ પ્રયોગ અતિશુષ્કતા, અમૂર્તતા આદિને લીધે વર્જ્ય. ૭૧ ભોળુડાં: કવિઓ પોતાની પ્રજા સાથે સહાનુભૂતિભેર એમ લખે, પણ હિંદુ લોકને ખાસ ભોળા કોણ કહે!

૭૫ દાસ્યને લીધે દુર્ભેદ્ય ૭૪-૭૯ એ છ લીટીનો ખંડક અતિમિતાક્ષર છે. મ્હારા ચિત્તની મૃત્યુધરીતમિસ્રા, મ્હારીતંદ્રા, મ્હારા-એટલે વ્યક્તિ વ્યક્તિના-વિષાદ આદિને દૂર કરવા કવિ નિશીથદેવ-નટરાજ-દેવાધિદેવને પ્રાર્થે છે, એ અત્ર એક વિષય છે. રક્તસ્રાત=આખી પ્રજાનો રક્તપ્રવાહ; આંહી=આ પ્રજામાં–એ તમિસ્રા, તંદ્રા, વિષાદાદિ છે, તે દૂર કરવા એ જ દેવને આજીજી, એ કવિનો બીજો વિષય છે. છેલ્લા ખંડકમાં આ બીજો વિષય છંટાઈ પ્હેલા વિષયને જ વળગીને કૃતિ સમાપ્ત થાય છે, તે ઉચિત જ થયું છે. પ્હેલો જનસાધારણ હોઈ તમામ દેશકાલના તમામ મનુષ્યોને લાગુ પડવા જેટલો વ્યાપક છે. વળી બીજા વિષયને જ લાગુ પડતું દાશ્યદુર્બેદા વિશેષણ પ્રાર્થનાની બીજા વિષય પૂરતી વ્યાપકતાને પણ વિશેષ ખંડિત કરે છે. દાશ્ય-ગુલામી-ગુલામી મનોદશા (સ્લેવ મેન્ટૅલિટી)-બંધાઈ જવાને લીધે દુર્ભેદ્ય. આ ગુલામી મનોદશા આપણામાં ક્યાંથી? જૂના લિબરલો-રાનડે, સર ફિરોઝશાહ, ગોખલે આદિના અનુયાયી નાગરિકો આ વિષે માને છે તેથી ટિળકપક્ષી અને કૉન્ગ્રેસપક્ષી જુદું જ માને છે. આ બેમાંથી વિશેષ સત્ય વા ઓછું અસત્ય કયા પક્ષમાં છે, તેનો નિર્ણય કરવાની ફરજ અહીં આપણે માથે આવતી નથી. ગુલામી માનસ સાથી ઉત્પન્ન થયું એ પ્રશ્નને કવિ-સુભાગ્યે-ગળી જ જાય છે. ગુલામી મનોદશાનું અસ્તિત્વ અને તેની બલવત્તા સ્વીકારતા બે ય પક્ષ આ કૃતિમાંની પ્રાર્થનામાં ભળી શકે એમ છે.

પ્રકૃતિનાં કોઈ તત્ત્વને દેવાધિદેવ કલ્પી તેને આવી કોઈ પ્રાર્થના આપણા અર્વાચીન માનસને હવે શક્ય ખરી? અર્વાચીન માનસ આવી પ્રાર્થના નિખાલશ ભાવે કરી શકે ખરું? અને પ્રાર્થના તો નિખાલસ જ હોવી જોઈએ ને.

૮૬ ઉષા અરુણોદય; આદિ આગામિ ઉન્નતિનાં ચિહ્ન કે પુરાવા લેખે વપરાય છે. હે નિશીથ; ઉષાના હે નેકી પુકારનાર!

૬૮ ખેલંદા એ શાંત તાંડવોનાઃ આ પ્રમાણે કોઈક પંક્તિમાં છંદનું માપ તૂટે છે, એવી પંક્તિઓ અત્યંત વિરલ જ ચલાવી લેવાય. હે ખેલંદા શાંત તાંડવોના-એ પણ કંઈ વધારે સારું ભાગ્યે.

(આપણી કવિતાસમૃદ્ધિ)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book