ચરણ રૂકે ત્યાં કાશી
હરીન્દ્ર દવે
જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી
પ્રવાસના પણ અનેક સંદર્ભો હોય છે. કાકાસાહેબે કહ્યું, પગથી ચાલે તે પ્રવાસ, હૃદયથી ચાલે તે યાત્રા અને સમૂહમાં ચાલે તે સમાજ. જન્મથી મૃત્યુ સુધીનો પણ એક પ્રવાસ હોય છે. એક હૃદયથી બીજા હૃદય સુધી પહોંચવું એ પણ પ્રવાસનો ઉત્તમ પ્રકાર છે. ‘તાજમહલ’ શબ્દ બોલતાંની સાથે પ્રેમના પ્રવાસનો અધ્યાસ કે કાશી શબ્દ બોલતાંની સાથે ધર્મયાત્રાનો ખ્યાલ આવે છે.
કવિએ અહીં પ્રવાસને જુદું પરિમાણ આપ્યું છે. ગંગા કે કાશી એ અમુક સ્થળમાં નથી, પણ મનુષ્યના અભિગમમાં છે. આપણાં જ્યાં ચરણ રોકાય છે, એ જ કાશી અને દૃષ્ટિની વિશાળતા ઝાકળના બિંદુમાં સમગ્ર ગંગાને પામી શકે. આપણાં ઊઠતાં કદમ એ રાજમાર્ગની રચના કરી શકે છે. જેમ સ્થળનાં અનેક બિંદુઓ હોય છે, તેમ મનુષ્યના મનમાં પણ અનેક બિંદુઓ છે. ક્યારેક એકમેકથી વિરોધી. પણ કવિએ અહીં વ્યક્ત અને અવ્યક્ત એવાં અનેક બિંદુઓનો પ્રવાસ કરાવ્યો છે. આપણી દિશા એ આપણી ગતિ છે પણ અહીં કોઈ સ્થૂળ ગતિની વાત નથી. મનુષ્ય વરદાન પણ માગે છે અને અયાચક પણ રહે છે. એના વિરોધ અને વિરોધાભાસની વચ્ચે આ કાવ્યની લયાત્મક ગતિનો પણ પ્રવાસ કરવા જેવો છે.
(ભમરો વાત વહે ગુંજનમાં)