દેવ ડગલાં ભરે કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

ભાલણ

દેવ ડગલાં ભરે

દેવ ડગલાં ભરે, પ્રભુ પગલાં ભરે.

મુનિ વશિષ્ઠ તો જાણે છે કે રામ સામાન્ય માનુષી બાળક નથી; પણ નરવેશે પૃથ્વી પર આવેલા નારાયણ છે. પણ દશરથ-કૌશલ્યાને મન એ પોતાનું બાળક જ છે. ને નારાયણે ભલે નરરૂપ ધારણ કર્યું હોય પણ નરરૂપ ધારણ કર્યું છે એટલે એ વર્તી પણ સામાન્ય સંસારી જનોના બાળક તરીકે જ રહ્યા છે.

બાળક રામચંદ્ર પા પા પગલી ભરતાં શીખી રહ્યા છે. ડગલાં ભરે તો છે પણ ભરતાં ભરતાં લથડે છે ને બીકમાં ને બીકમાં સિંહાસન પકડી લે છે. રાજા દશરથ પુત્રની બીક ઉડાડવાને તેને સિંહાસનનો ટેકો ન લેવાનું ને હાથ છૂટા રાખીને પા પા કરવાનું કહે છે. બાળક એમ કરે પણ છે. પણ એના પગ સ્થિર રહેતા નથી. એ થરથર ધ્રૂજવા લાગે છે ને સિંહાસન સુધી પહોંચી શકાય તેમ ન રહ્યું હોવાથી, હાથમાં જે આવે છે તે વસ્તુ પકડી લે છે. પિતા પોરસાવે છે એટલે બાળક કશાનો પણ ટેકો લીધા વિના પોતાની મેળે ઊભું થાય છે ને વળી પાછું એકાએક બેસી પણ જાય છે. એનાં તોફાનનો પણ પાર નથી. માતા એને હોંશભેર અલંકાર પહેરાવે છે. ડાહ્યુંડમરું થઈને પહેરે પણ છે. પણ ઘડીમાં જ, મનમાં આવે છે તો અલંકારો ફગાવી દે છે. કવિને, અલબત્ત, આ જોઈને નવાઈ નથી લાગતી. કારણ કે વશિષ્ઠ મુનિની જેમ એનેય ખબર છે કે બાળક રામચંદ્ર વિષ્ણુનો અવતાર છે. ને ખુદ લક્ષ્મીજી જેનાં અર્ધાંગી હોય તેને બીજાં આભૂષણો શાં શોભાવવાનાં હતાં? ક્યારેક, પોતાના બાંધવ લક્ષ્મણની સાથે બાળક રામચંદ્ર ગજગતિએ બરાબર ચાલે પણ છે. આમ, ડગડગ ડગલાં ભરવાની, પડવાની ને ઉઠવાની, બીવાની ને થરથરવાની, અલંકારો ફેંકી દેવાની આ રમત રામ માત્ર માતાપિતાના આનંદ માટે કરી રહ્યા છે. કવિને તો આ બાળલીલા કરતા કૌશલ્યાનંદન ખરેખર કોણ છે તેની ખબર જ છે.

(આપણાં ઊર્મિ-કાવ્યો)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book