દિવસ પડ્યો કાવ્ય વિશે – હસિત બૂચ

ગની દહીંવાળામધુરપ

દિવસ પડ્યો

સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો

ગઝલની એક આગવી અદા એ જાણીતી જ છેઃ તેનો દરેક શેર સ્વતંત્ર કાવ્યએકમ માતબર નીવડતો હોય છે. એવા જુદા જુદા શેર પરસ્પર સ્વતંત્રવત્ રહીને ય, એક કોઈ ભાવાનુભવ કેન્દ્રિત કરી રહે, તો આવી રચનાની અપીલ ઘનીભૂત પણ થાય. પરસ્પરના સ્વાતંત્ર્યની આ બાબતમાં હવે કલ્પન-ચિત્રાંકનની અવનવી વિવિધતા – અવલનવલ જુદાઈ વધુ ભળતી થઈ છે. અલબત્ત આખર એનુંય કામ તો ભાવકેન્દ્ર સુદૃઢ કરવાનું જ હોય છે. આ રચના એ દૃષ્ટિએ સારી થયેલી રચના કહી શકાય.

ગઝલ અહીં જે અપીલ જમાવે છે એમાં નવીન રજૂઆત તથા નવીન ભાવમુદ્રાનું અર્પણ તરત લક્ષ ખેંચે છે કવિકર્મ અહીં ધારદાર રહ્યું છે અને કવિની રીતે જ એમાં ઊંડાણ – ભાવસંયુક્ત ચિંતનનું ઊંડાણ સૂચક સ્વરૂપે અનુભવાય છે. ‘સૂરજના પક્વ ફળ થકી’ ‘રસ પડ્યો’ એમ નહિ, પણ ‘બેસ્વાદ’ એવો રસ પડ્યો, એ પહેલી લીટી કાને પડતાં જ ભાવકનું મન આ  વાતે પ્રતીતિ કરે એમ છે. ‘દિવસ’ ‘ટપકી’ ‘પડ્યો’ એ ચીંધી, બીજી લીટીમાં ‘અતૃપ્ત જીવ’ને ‘જાગો’નું ઉદ્બોધન છે. આ આરંભકડી–‘મત્લઅ’ જોડે મેળવી લઈએ, અંતિમ કડી–‘મક્તઅ; અને, ‘જાગો’ તે બોધસૂચક ઉદ્બોધન નથી એમ કળી લેવાય છે. ‘અમે’, કવિ-ઊંડી નજરે સહૃદયતાની જોનાર માણસમાત્રમાં નિગૂઢ કવિ, ‘કોઈ અભાગી’ તરસ લઈને બહાર–કાંઠે પડ્યાનું, પોતે ઊંડે-તળિયે રહીને ય, કદાચ, તેથી જ, સાંભળી લે છે. તરસ શમાવવા તો તળિયે જવું રહ્યું; કાંઠો પકડે, એને તેથી જ ‘અભાગી’ રહેવાનું આવે છે.

જીવનનો આ મર્મ વચ્ચેના શેરોમાં, કાફિયાની સાર્થકતાથી તથા કલ્પનો – ચિત્રોનાં અવનવાં પાસાઓની રજૂઆતથી ખિલાવાયો છે.બીજા શેરની છબીમાં એ ઝલક નમણી અને વેધક રીતે ઊતરી છે. ઝાકળબુંદ તે પંખીઓ, પર્ણ પરથી એમનું ઝલાઈ જવું, એમને પકડનાર પારધી તે સૂરજકિરણો;–એ પારધીને આજે ‘ફરીથી’ પંખીઓને ફસાવવાનો ચડસ ચડ્યો છે! – આખો શેર રૂપકમઢાયો છતાં ભાવની અપીલ ધેરી કરનારો થયો છે. ચમકદાર-નાવીન્યમય તો છે હવેનો શેર. ‘બોલ્યા વિના બપોરનો પડઘો’ પડ્યો તે સરસ, એમ અહીં બીજી લીટીની ચમત્કૃતિ છે. પહેલી લીટી રણે ‘વાવ્યા વિના’ લણાએલા ઝાંઝવાની, ફસલની વાતમાં પણ એ છે જ, પણ બીજી લીટીનો ચમકારો ઊંડો ગણાય. મીંઢી બપોર, એ વાળ્યા વિના જ ઝાંઝવાંનો પાક લણે, – જીવનમાં પણ અધવચ, કશા કારણ વગર, આવું વીતે છે’સ્તો! પાછો એ સમયગાળો બોલનારો નહિ! સરસ ગહરો સ્પર્શ છે.

‘વરસોવરસ’ આંગણે વરસાદ તો પડ્યો જ છે, પણ એની માટીને ‘હજી’ ‘મહેકવાની ગતાગમ નથી!’ – આ નવા શૅરનું તાટસ્થ્ય અને આર્દ્રપણું કવિકર્મની ખૂબી છે. ‘બેસ્વાદ’, ‘ઝાંઝવાં,’ ‘પારધી,’ બધું ખરું. સાથે ‘વરસોવરસ’ – ‘વરસાદ આંગણાં મહીં’ પડ્યાનું યે ખરું જ. તેમ છતાં આંગણમાટીને મહેકવાની ગતાગમ નથી. જીવનની અબુધતા ફક્કડ રજૂ થઈ છે. પછીના શૅરમાં ચિત્રતત્ત્વ વધુ પ્રભાવક, તોયે સૂચક તો છે જ. બારી બહારથી આવું – આવું કરતો અંધાર, ઓરડાની ફરસ પર હાંફતો પીળો પ્રકાશ – પ્રકાશની હાંફ! જીવનનું રૂપ અહીં રજૂ થયું છે. એમાં આધુનિકત દૃષ્ટિ-છબી વણાઈ જાય છે. આ વીગતે પછીનો શૅર પણ ચોટીલો છે. નિશાએ – રાતટાણે ‘સૂરજના મનના મેલ’ ‘છતા થયા’ એ ઉક્તિવૈચિત્ર્યની ચોટ જુઓ, કે જુઓ ‘ઓજસનો ધોધ કાંખમાં લઈને’ પડતા ‘તમસ’નું તાદૃશ માર્મિક ચિત્રાંકન અહીં ‘તમસ’ શબ્દસંકેતે માણસની વૃત્તિનું નિશાન અચ્છું તકાઈ ચૂક્યું કહી શકાય. આખર, બાહ્યાનુભૂતિ તે વૃત્તિઅવલંબિત. તેથી જ, ‘મક્તબ’માંનો ‘કાંઠાનો સાદ’ સંભળાઈ રહ્યો છે ‘તળિયે’. ‘કોઈ અભાગી-જીવ’ તરસ સાથે માત્ર નહિ, ‘લઈને તરસ’ પડ્યાની વાત મર્મભરી અને ઊંડે જતી અનુભવાય છે. ગઝલ આખી સરળ, માર્મિક, બાની એવી જ, ઉપરાંત અવલનવલક કલ્પનલીલાથી પોતાના માંહ્યલાને સરસ સંકેતે છે.

(ક્ષણો ચિરંજીવી)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book