દળણાના દાણા : લોકસંસ્કારની સહજતાનું મેળવણ: ‘દળણાના દાણા’ — મનોહર ત્રિવેદી

પ્રિય ઉમાશંકર જનપદના છોેરું છે. ઇડરિયો ગઢ અને શામળાજીના મેળા, પન્નાલાલ પેઠે, એમની ચેતનામાંયે ધબકે છે. શિશુને પ્રથમ પોષણ માના ધાવણમાંથી મળે છે ને સાથોસાથ, માતાની વાણીના લયલહેકાના, હાલરડામાંથી નીતરતા નાદ અને તાલનાં ધાવણ પણ તેની સહજપ્રાપ્તિ બની રહેતી હોય છે.

સાબરકાંઠાનું અંતરિયાળ ગામ બામણા કવિની જન્મભૂમિ ઉપરાંત વિસ્મયભૂમિ પણ છે. પરિવાર તથા સમગ્ર જનપદ વચ્ચે એમનો ઉછેર થયો છે. ગ્રામીણોનાં રહનસહન, રીતરિવાજ, બોલીનું લોહીમાં રસાયેલું લાલિત્ય, એમના ગમા-અણગમા, સરળતા અને ખંધાઈ, રાગ સાથે જ દ્વેષ, એમાંથી જ પરિપ્લાવિત-સંમાર્જિત થયેલો પરિશુદ્ધ પ્રેમ — એ સહુને બાલચિત્તે બરાબર, પૂરી ઉત્કંઠાથી ઝીલ્યાં છે. આસપાસની વનશ્રીનું આકંઠ પાન કર્યું છે. ‘સાપના ભારા’ જેવાં એકાંકીઓ, ‘શ્રાવણી મેળો’ જેવી વારતાઓ વાંચનારને, પન્નાલાલના સહાધ્યાયી જ નહીં, સમોવડિયા ગદ્યસર્જકનોયે પરિચય મળી રહેવાનો. બોલીનો સમજભર્યો અનુભવ ઉમાશંકરની અનેકવિધ ગદ્યકૃતિઓમાંથી પણ મળી રહેવાનો.

આ બીજ તેમની આંતરભોંયમાં ઢબુરાયાં ન હોત તો લોકગીતની પરંપરાને અનુસરતી ‘દળણાના દાણા’ જેવી રચના કવિની કલમમાંથી શી રીતે ઊતરી હોત?

ઉપરની રચના વાંચીને તરત જાગેલો આટલો પ્રતિભાવ.

કવિતાની પ્રથમ પંક્તિ આંખ-હોઠ-કાન-જીભને અડકે કે તત્ક્ષણ ભાવક લોકગીતના પ્રદેશમાં પ્રવેશી જાય છે. આ ડોસીમા! અજાણેય બાળપણથી ઓળખીએ છીએ એને. થાય છે: આપણી જ પડોશમાં હતું દેશી ઘાટનું તેનું જાહલ ખોરડું! ગીત સાથે ઉમાશંકરનું નામ ન હોત તો, સંશય નહીં, ખાતરી થઈ જાત કે તળના માનવીઓનું આ એક સમૂહસર્જન છે, લોકગીત.

ગીત તરફ વળીએ:

ખરો બપોર છે. દાણા કાઢવા ડોસીમા ઊંડી કોઠીમાં પેસે છે. છેક બુંધે — તળિયે બેસીને ‘ભૂંસી-લૂછીને દાણા’ કાઢ્યા છે. કોઠીને તળિયાથી એકાદ હાથ ઊંચેના ભાગે સાણું-છિદ્ર હોય છે. એમાંથી દાણા નીકળી ન જાય એટલે લૂગડાનો દાટો રાખવામાં આવે છે. જરૂર પડ્યે દાટો કાઢી સુંડલી — બે સુંડલી અનાજ ભરી લેવાનું. ભાવક અહીં પોતાની રીતે સૂચન મેળવી લે છે: વરસ કાઠું છે. સાણાથીયે નીચે, છેક તળિયે અનાજ પહોંચી ગયું છે. ના-છૂટકે કોઠીમાં ઊતરવું પડ્યું છે. ‘સાઠ-સાઠ વર્ષ લગી કોઠી… ઠાલવી’ છતાં ‘પેટની કોઠી’ ભરાતી નથી. જીવનની આ વરવી વાસ્તવિકતા છે. લૂછીગાછીને દાણા કાઢવા પડ્યા છે તેથી તે રજોટાયેલા જ હોવાના. ઝાડકી-ઝૂટકીને એને તડકે સૂકવવા પડે તેમ છે. સૂકવ્યા, પણ આ એક જ કામ થોડું છે? બીજાં પણ હોવાનાં. આગમણ પાસે બેસીને એણે ચૂલો સળગાવ્યો. માંડ એકાદ ઢેબરું થાય એટલો લોટ બચ્યો છે, જઠરાગ્નિને ઠારવાનું એ પણ એક ભ્રામક આશ્વાસન છે. ઢેબરું એક ને મા-દીકરો બે. ડોસી નિરુપાય છે.

કવિ બીજા પરિદૃશ્ય ભણી ભાવકને હવે વાળે છે: આંગણામાં ઊગેલી ગલકીના વેલામાંથી ચુપચાપ આવ્યાં ખલુડીબાઈ… ખિસકોલી, ને ખોરડાના કરામાં રમી રહેલાં કબૂતર. હજી અરધોક ખોબો ચણ ખાધી હશે એમણે, ત્યાં તો કોણ જાણે ક્યાંથી વણનોતર્યે પહોંચી ગઈ મીંઢી — હરાઈ ગાય! ડોસી તો રોટલાના ટપાકા બોલાવવામાં પરોવાયેલાં, એને ફળિયામાં શું બની રહ્યું છે એની સરત જ નથી. રાંડી પુતર શાહજાદો — કહેવતની યાદ અપાવતો દીકરો તો ખાટલીમાં ઘોંટી રહ્યો છે. ગાયને હાંકલો કોણ કરે? છે. છેને હાંકલો કરનાર! હાજરાહજૂર, પડોશમાં રહેતા રામા રાવળનો ટીપુડો કૂતરો! ડોસીને મન તો એ દેવ! બાઉકારા સાંભળી ગયેલી ડોસીએ બહાર હડી કાઢી. આવીને સીધી જ ‘મેંઢી ગાય’ને મારવા લાગી. દુ:ખ એક જ દિશામાંથી, કહીને થોડાં આવે છે? ક્યારની તાકી રહેલી મીનીબાઈએ ચપ દઈને રોટલો લઈ લીધો ને થઈ ચાલતી! ડોસીમાના દેવતાથી મીનીબાઈનાં આ કારસ્તાન શેં જિરવાય? અત્યાર લગી નિષ્ઠાથી કરેલી નોકરી એ આમ એળે ઓછી જવા દે? આજે સાચ્ચે જ એની વફાદારી ફળી… છેલ્લું ઢેબરું કૂતરો તાણી ગયો તે શેષ રહ્યું પાશેર દરણું!

આ તાશીરા સામે એને કોઈ ફરિયાદ નથી. હા. ઘડીભર ગાય સામે ક્રોધ પ્રગટ્યો’તો ખરો, પણ તેય ઘડીભર. તે જાતને વારે છે: માંડ બચેલા પાશેર અનાજનોય મોહ શા માટે? ભલે એ પણ પંખીડાં ચણી જાય, મારી પછવાડે નખાવજો! કોઠી ભાંગી ચૂલા બનાવજો. આંધણ મુકાવજો. ઘર વેચીસાટીને નીપજેલાં નાણાંમાંથી મારી કારજક્રિયા ભલે આટોપાય.

પ્રાણીમાત્રમાં ભૂખ કેન્દ્રસ્થાને છે. ડોસીની પહેલી પ્રતિક્રિયા રોષની હોવા છતાં શમન તો થાય છે કરુણામાં. ભૂખ કેવળ મારામાં નથી, સૌમાં છે. છેવટની ચિત્તગતિ ઉપનિષદના ઋષિની યાદ અપાવે તેવી છે. ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્, યત્કિંચિત્ જગત્યાંજગત; ત્યેન ત્યકતેન્ ભુંજીથા: મા ગૃધ: કશ્યશ્વિધનમ્—નું અનુસંધાન આ ગ્રામનારીની ચેતનામાં શી રીતે પોષાયું હશે? ભારતીય સંસ્કારના તંતુ સર્વવ્યાપક છે. વ્યક્તિગત અને સમૂહગત વારસો છે. જન્મજાત જ્ઞાનને ઉછીઉધારાની જરૂર નથી. શું સાક્ષર? શું નિરક્ષર? સંચિત કરવાની મનુષ્યની નિર્બળ વૃત્તિએ જ વળગણો ઊભાં કર્યાં. માણસે ગાયના દૂધનો સંચય નહોતો કર્યો ત્યારે ક્યાં બિલાડી દૂધ પી જતી? યુગોથી આનાં પરિણામો અને પીડાઓ આપણે વેઠીએ છીએ.

વીસમી સદીના પૂર્વાર્ધે ગાંધીએ કેવળ ભૌતિક-ભૌગોલિક કે રાજકીય પ્રવેશ નહોતો કર્યો આ દેશમાં, ચિંતકો — સાહિત્યકારો — બૌદ્ધિકોનાં હૃદયમાં પણ સૂક્ષ્મ પ્રવેશ કર્યો હતો. ઉમાશંકર-સુન્દરમ્ જેવા તેમના સમકાલીનોનાં હૈયાંમાં ગાંધીનો પદસંચાર તેમની કવિતામાં ન ઝિલાય તે કેમ બને? ગાંધીની સરળ વૈચારિકતામાં લોકસંસ્કારની સહજતાના મેળવણવાળું આ ગીત સૌને થોડા સંવેદનશીલ બનાવ્યા વગર નહીં છોડે.

(આત્માની માતૃભાષા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book