થાક લાગે વિશે – નૂતન જાની

થાક લાગે

હરીન્દ્ર દવે

ન, ના, નહીં આવું, મેળે નહીં આવું,

હરીન્દ્ર દવેએ પ્રેમની અનુભૂતિનાં અનેક કાવ્યો આપ્યાં છે. પ્રેમની પ્રસન્નતાનો અંત અને વિફળતાની વ્યથાનો આરંભ આ ગીતનો વિષય છે. અભાવનું આલેખન હરીન્દ્રની ઝાઝા ભાગની કવિતામાં જોવા મળે છે. પ્રેમસભરતાની ક્ષણિકતા અને પ્રલંબ પટ પર ફેલાયેલી રિક્તતા આ નાનકડા ગીતમાં અંકિત થઈ છે. હરીન્દ્ર દવે નજાકતના કવિ છે. પ્રેમ અને મૃત્યુ બે તત્ત્વો એમની કવિતામાં અનેક વેળા આલેખાયાં છે. ‘થાક લાગે’ ગીતમાં પ્રેમનું વિરહસંતપ્ત રૂપ પ્રગટ્યું છે. મિલનનો આનંદ ઓસરી ગયો છે. ‘ના, ના, નહીં આવું.’ પંક્તિના નકારાત્મક વલણમાં થાક લાગ્યાની ઉદાસીનતા કે કંટાળો નહિ પણ થાકના કારણનું ભારણ વર્તાય છે. મેળો – જે મિલનનું સ્થળ હતો તે જ જાણે કે વિચ્છેદની વ્યાપકતા દર્શાવે છે. ચેતનાને ઝંકોરતું પ્રેમનું તત્ત્વ ક્યાંક ગુમાઈ ગયું છે.

થાકની સ્થિતિ શ્રમનો મહિમા વર્ણવે પણ અહીં થાક પ્રેમની વિફળતાનો મહિમા વર્ણવે છે. આ થાક શરીરનો નહિ મનનો છે, હૃદયનો છે. પ્રેમ સ્થિર થયો હોત તો એક વાત હતી, પણ અહીં તો પ્રેમ સ્થગિત થઈ ગયાની પીડા છે. ક્ષણમાં સધાયેલો વિયોગ સનાતન થઈ વ્યાપી વળ્યો છે. ચિત્તને ક્યાંય ચેન પડતું નથી. મેળો ઉલ્લાસનું પ્રતીક મનાય છે, અહીં મેળો ઉલ્લાસના પૂરના શમનને સૂચવે છે, આનંદની સાથે પરોક્ષ રીતે, સૂક્ષ્મપણે જોડાયેલી વ્યથાને સૂચવે છે. ગીતમાં અજંપાનું, બેચેનીનું, વ્યાકુળતાનું, અસહાયતાનું વાતાવરણ નિર્માયું છે. હરીન્દ્ર દવેની કવિતા સંવેદનસાપેક્ષ કવિતા છે. ગીતમાં શબ્દોના નાદલય દ્વારા ભાવનું વહન કરવામાં હરીન્દ્રની સર્જક સમર્થતાનો ખ્યાલ મળે છે. પ્રેમની વસંતનો અસ્ત થઈ ચૂક્યો છે. પ્રેમની પાનખરનો થાક આખાય ગીતમાં પ્રસરી ચૂકેલો છે. ગતની સ્મૃતિમાં સાંપ્રતને જીરવવાની નિયતનું આ ગીત ગતની ક્ષણોમાં જ રત રહે છે. જે મેળામાં પ્રિય વ્યક્તિ વગર સૂનો લાગે છે. લોકોની વચ્ચે અનુભવાતી એકલતાના થાકને કારણેશબ્દ અને સૂર બંને ઉદાસીને ઘૂંટે છે. જે મેળામાં પ્રિયજન સાથે પ્રેમનાં ગીતો લલકાર્યાં હતાં, પ્રેમગોષ્ઠિ માણી હતી તે હવે દોહ્યલું બની ગયું છે. મેળાના પ્રતિરૂપ સાથે સંગતિ ધરાવતાં પાવાનો સૂર, કેસરિયો સાફો, હોઠનો મરોડ જેવાં દૃશ્યશ્રાવ્ય પ્રતિરૂપો આનંદના અવસરનું સ્મરણ તાજું કરાવે છે.

હરીન્દ્ર રંગરાગી વલણ ધરાવતા કવિ છે. શબ્દનો ઉત્સવ ઊજવવાની કરામત તેમને હાથવગી છે. આ ગીતમાં જિવાઈ ગયેલા જીવનની સમૃદ્ધ સ્મૃતિ અને જિવાતા જીવનનો શૂન્ય ખાલીપો બંનેની પ્રતીતિ એકીસાથે મળી રહે છે. આનંદના અંત પછીના વિષાદમાંથી પ્રગટેલા આ ગીતમાં સ્થળ અને સમય બંનેનું આલેખન પ્રેમની પ્રામાણિક અભિવ્યક્તિ અર્થે થયું છે. સ્નેહસંબંધના અંત પછી પણ કાળના વહેણમાં વહેતી ક્ષણને કવિએ અખિલાઈ સાથે જોડી આપી છે. મેળામાં જ જવાની ઉદાસીનતા વેદનાગ્રસ્ત વર્તમાનની જાણ કરે છે. મનને મનાવવાનું, જાતને સમજાવવાનું કામ અતિ કપરું છે. સખીના સંબોધનરૂપે કાવ્યનાયિકા જાણે કે સ્વમનને ફોસલાવે છે. મિલન થકી ઉલ્લાસિત થયેલ મેળો પ્રિય વ્યક્તિની ગેરહાજરીથી મ્લાન ભાસે છે. પ્રિયના સંગ વગરની એકલતા ભરચક મેળામાંય વેરાનનો અનુભવ કરાવે છે.

અપેક્ષિત પ્રેમની નિષ્ફળતાનો થાક મેળાના મહેરામણમાંય કરુણતાને ફેલાવે છે. આંખ એની એ જ છે પણ દૃશ્ય બદલાઈ ગયું છે. હૃદય એનું એ જ છે પણ સમય બદલાઈ ગયો છે. ગઈ કાલના સ્મિતની જગા આજે આંસુઓએ લઈ લીધી છે. આંસુના વહેણમાં ગઈ કાલની મધુરપ અધૂરપ બની વહી રહી છે. શબ્દની સ્વસ્થતા ભીતરની અસ્વસ્થ અવસ્થાને આકારવામાં સફળ રહી છે. ગીતમાં પ્રણયનો વિલય શાંત છતાં સઘન રૂપમાં પ્રગટ્યો છે. ખોવાઈ ગયેલી પ્રણયસમૃદ્ધિ પાછી મળશે કે નહીં. તેનો કોઈ ખ્યાલ નથી તેથી જ આવતી કાલનાં મિલન માટેનાં સપનાં ગૂંથવાં કવિને ગમતાં નહિ હોય.

મેળામાં અરણ્યના અનુભવનો થાક વર્તાય છે તે આ ક્ષણનો છે. ગઈ કાલની, ગઈ ક્ષણની ઘટનાનો ભાર આ ક્ષણ પર ફેલાઈ ગયો છે. આવતી ક્ષણને માટે જાણે કે કોઈ અવકાશ જ બાકી રહેતો નથી. હૃદયના ઊંડાણમાં અનુભવાતા થાકનો વિસ્તાર ચોમેર વ્યાપી વળ્યો છે. જીવનના અજવાળા પર ફેલાઈ ગયેલા અંધારાના ગીતમાં ક્યાંય આશાનું કિરણ દેખાતું નથી. જીવનનો માર્ગ અટવાઈ ગયો છે ત્યાં મેળામાં અટવાવાનો શો અર્થ? જીવનમાં પ્રણયભંગ દ્વારા થયેલ નિરર્થકતા થકી આરંભાતું આ ગીત નિરર્થકતાના વર્તુળ થકી જ અંત પામે છે. હરીન્દ્ર દવેની સંવેદનશીલતાનો અનુભવ કરાવતું આ ગીત પ્રેમભંગની પીડાને પ્રગટાવવામાં સફળ રહ્યું છે.

(ભમરો વાત વહે ગુંજનમાં)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book