"

તરણા ઓથે કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

ધીરો

તરણા ઓથે

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં;

જેમ સિંહનું બચ્ચું જન્મથી જ બકરાંઓના બચ્ચાંની વચ્ચે ઊછરે ને બકરાં જ્યારે બેં બેં કરતાં હોય ત્યારે એ ભલે કરતું હોય ગર્જના, પણ એને જેમ પોતાના સાચા સ્વરૂપનું ભાન હોય નહિ, તેમ સિંહ જેવો જીવાત્મા અવિદ્યા અને માયામાં બંધાઈ રહ્યો હોવાને લીધે પોતાના શુદ્ધ. બુદ્ધ અને મુક્ત સ્વરૂપને ભૂલી ગયો છે.

સિંહને જે ઘડીએ ભાન થાય કે પોતે સિંહ છે, બકરું નથી, ત્યારે એ જેમ સિંહની માફક વર્તવા લાગે છે તેમ જીવાત્માને જે ઘડીએ ભાન થાય કે પોતે અસત્ય, અંધકાર અને મૃત્યુમાં અટવાતું અલ્પ અને અસહાય પ્રાણી નથી, પણ સત્, ચિત્ અને આનંદ-સ્વરૂપ પરમાત્મા પોતે છે ત્યારે એ એ રીતે વર્તવા લાગે છે.

એ પરમાત્મા એવો છે જેને મનથી કળી શકાતો નથી, બુદ્ધિથી સમજી શકાતો નથી, વાણીથી વર્ણવી શકાતો નથી. એ પરમાત્મા જ અત્ર, તત્ર ને સર્વત્ર સભરે ભર્યો છે. તેના વિના અણુ જેટલી જગ્યા પણ ખાલી નથી.

મૂળ વાત છે જીવાત્માને પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય તે. અને એ ભાન સૌથી વિશેષ સરળ અને નિર્વિઘ્ન રીતે થાય સદ્ગુરુની કૃપાથી.

શમ, દમ, યમ, નિયમ, વ્રત, ઉપવાસ આદિ સાધનો દ્વારા પણ સ્વરૂપનું ભાન થઈ શકે અવશ્ય; પણ સ્વ-સ્વરૂપનું ભાન કરવા માટે સાધનોનો માર્ગ જ્યારે લાંબો અને કપરો છે ત્યારે સદ્ગુરુની કૃપાનો માર્ગ સરળ અને સુગમ છે. એટલે ધીરો ભગત એ માર્ગનો મહિમા ગાય છે.

(આપણાં ઊર્મિ-કાવ્યો)