તમે અને અમે કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

રાજે

તમે અને અમે

મોહનજી તમે મોરલા, હું વારી રે,

શરદ પૂનમની રાત છે. જમાનાના તટ પર, વૃન્દાવનમાં કૃષ્ણ બંસી બજાવે છે. ગોકુલની ગોપવનિતાઓ એનો સૂર સાંભળીને પાગલ બને છે ને પોતપોતાનાં ઘરનાં ને કુટુંબનાં વ્યાવહારિક કામકાજ પડતાં મૂકીને પહોંચે છે વૃન્દાવનમાં.

રાસની ધૂમ મચે છે ને સાનભાન ભૂલીને ગોપીઓ તન્મય બની જાય છે. ત્યાં કોણ જાણે શું યે થાય છે ને કૃષ્ણ એકાએક અદૃશ્ય થઈ જાય છે.

પ્રીતિથી પાંગળી બની ગયેલી ગોપીઓથી આ રસભંગ સહન નથી થતો. કૃષ્ણને શોધવા માટે એ વનેવનમાં ભમે છે. એમને કૃષ્ણની બંસરીના સૂરના ભણકારા વાગે છે. ને પ્રેમપાગલ ગોપીઓ હૈયું હાથ ન રહેતાં, એ દિશામાં દોડે છે. બંસીધર કૃષ્ણ, જાણે કે, ગોપીઓને આવતી જોઈને, બીજે નાસે છે ને ત્યાંથી બંસી બજાવે છે. ગોપીઓ આવરીબાવરી થઈને એ દિશામાં દોડે છે. ને આમ સંતાકૂકડી રમાય છે.

કૃષ્ણ જો અલૌકિક રૂપ લઈને મૃત્યુલોકમાં આવેલો કળાયેલ મોરલો છે તો એની પાછળ પાગલ બનેલી ગોપીઓ છે ઢળકતી ઢેલ જેવી. મોરલો તો માયા સગાડીને અદૃશ્ય થઈ ગયો છે. ને ઢેલનું આખું જીવન આવીને વસ્યું છે માત્ર કાનમાં. જ્યાં જ્યાંથી એને મોરલાના ટહુકા સંભળાય છે ત્યાં ત્યાં એ બધી દોડે છે. પણ પોતાનો મનમોહન મોર એમને ક્યાં નજરે પડતો નથી.

ઢેલડીઓ આકુળવ્યાકુળ થઈને દોડાદોડ કરે છે. ટહુકા તેમને સ્થળે સ્થળેથી સંભળાયા કરે છે પણ ટહુકા કરી કરીને એમનાં હૈયાં વલોવી નાખનારો મોર ક્યાંય દેખાતો નથી. એ તો નાસતો જ ફરે છે.

ઢેલડીઓને ઘડીક એમ પણ લાગે છે કે પોતે ઢેલ નથી, મોરનાં પીછાં છે; મોરથી સ્વતંત્ર અસ્તિત્વવાળી વ્યક્તિઓ નથી; મોરના દેહની સાથે સંલગ્ન પદાર્થો જ છે. મોરપીંછ સુંદર ખરાં; પણ એ રઢિયાળાં લાગે મોરના કલાપમાં હોય ત્યાં સુધી જ. મોરે એક વાર એને ખેરવી નાંખ્યાં કે તરત એ બની જતાં હોય છે સુંદરતોયે વરવાં ને નિર્જીવ. વનેવનમાં સ્થળે સ્થળ ભમતી કૃષ્ણવિહોણી ગોપાંગનાઓ છે. જ્યાં ત્યાં વેરાયેલા મોરપીંછ જેવી, સુંદર પણ સ્થાનભ્રષ્ટ અને નિશ્ચેષ્ટ, જેનો મહિમા આથમી ગયો છે તેવી.

ઢેલે મોરને જોયો જ નથી. માત્ર કલ્પ્યો જ છે, એવું નથી. એણે એને જોવો છે ને એ તેના મનમોહન રૂપ પર જ નહિ, તેને ટહુકે ટહુકે અભિવ્યક્ત થતી તેની આત્મકલા પર પણ વારી ગઈ છે. પણ ઘડીક ઝાંખી કરાવીને મોર તેને પોતાના નિરુપયોગી પીંછાની જેમ ખેરવીને ચાલ્યો ગયો છે. તેથી એ વિરહવિધુરી બની છે. ને મોર તેના અંતરને જાણતો હોવાથી, પ્રીતિથી પ્રેરાઈની નહિ તો આ સંસારમાં એના વિના ઢેલનું હવે કોઈ રહ્યું નથી એ જોઈને દયાથી પ્રેરાઈને એ ક્યારેક પણ આવ્યા વિના રહેવાનો નથી એ આશાએ એ જીવન ટકાવી રહી છે.

નારીહૃદયના તલસાટને આવી મનોરમ રીતે વ્યક્ત કરતાં કાવ્યો આપણી ભાષામાં ઝાઝાં નથી.

(આપણાં ઊર્મિ-કાવ્યો)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book