કાનજી પટેલ
ડચૂરો
સાંજના ગાડામાં
જાડા કણબીના ગાડામાં બધું સમાય. ગાડાંને ખેંચનાર અને ગાડું હાંકનાર બેઉ બળિયા. એની બળૂકી બાથમાં બધું જ સમાય. કણબીનું ચાલે તો આખેઆખું ચોમાસું ગાડે ભરી છાલવી દે પોતાને ખેતર. કણબીના કોઠારની ભૂખ કદી ન ઓલવાય. એની ભૂખ એની એકલાની થોડી હોય છે? મહેનતુ હાથ માટે કશું જ અશક્ય નથી. કવિતામાં ઓછું બોલીને વધુ કહેવાનું વલણ રહ્યું છે. ઘણી વાર તો કોઈ ચિત્રકારની પીંછીના લસરકા પછી લસરકામાં ઉપસ્યે જતાં ચિત્રની જેમ કાવ્ય મંડાયું હોય છે. અને છૂટીછવાઈ રેખાઓમાં કશું ન પમાય એમ બને. તો વળી બદું સામટું થઈને કોઈ આકારમાં ઉપસે એમ પણ બને. કદી તત્કાળ, કદી મોડે, ક્યારેક એક જ વાંચને, ક્યારેક વાંચન પછીનાં વાંચનની ઘૂમરીઓય વિફળ થાય. આમ કરીને કવિ કે કવિતા કાંઈ ભાવકને ગૂંચવવા નથી ઇચ્છતા. ભાવકની સમજણને એમાં પડકાર છે, તો તેનો પૂરો સમાદર પણ એ કરે છે.
સાંજના ગાડાંમાં ઠસોઠસ ભરાઈને શિયાળો આવી રહ્યો છે આંગણે. ખેડુથી વધુ તો એનો થાક ગાડામાં જગ્યા રોકીને આડો પડ્યો છે. ગાડું ચાલી રહ્યું છે સીમની કરોડ જેવી ગાડાવાટ પર. ગામડાનાં શરીરની આ ધોરી નસ. કરોડરજ્જુ શરીરનો આધાર. જ્યાં આપણે ત્યાં જ ભૂમિનું કેન્દ્ર. કાવ્યઘટના જ્યાં બની રહી છે તે જ છે પૃથ્વીનું કેન્દ્ર. પૃથ્વીની કરોડ પર ભરપૂર શિયાળો આખેઆખો લાદીને કચૂડકચૂડ કરતું ગાડું આવી રહ્યું છે. એ દેખાય…
ધૂળિયે મારગ કેવું મનોહર દૃશ્ય રચાયું છે. ગાડાનો કચૂડાટ અને ઘૂઘરીનો રણકાર. ઊડતી ધૂળનો એક એક કણ સો ટચનાં સોનામાં રૂપાંતરિત થઈ રહ્યો છે. સાંજનો સમય, થાકને વિસરવાનો સમય. ગાડાબંધ શિયાળો. નિરાંતવું ગાડું ખભા ખખડ થતું આપણી ચેતનામાં પ્રવેશી રહ્યું છે. રાત જેવી રાતનું અવતરણ કવિએ કેટલી સિફતથી પીંછીના એક લસરકે કેવી ત્વરાથી ઉપસાવ્યું છે તે માણો. ‘સૂરજ કાળા ઘડામાં પૂરાય.’ કવિનો સંયમ અને કૃપણતા પણ કેવું ઊંચું પરિણામ નીપજાવે છે. સૂરજને કાળા ઘડામાં પૂરી દીધો કે ઊતરી આવી રાત.
હજીય જંગલ પર લબકારા લેતા કુહાડાની ભૂખ શમી નથી. કુહાડાનાં ફળાં પર આથમતા સૂર્યનો રાતો રંગ લબકારા લેતો હોય એમ ચળકે છે. કરોડ પર ઘસાઈને ચાલતું ગાડું અને તોળાયેલા કુહાડાની ધાર. વેદનાનો ડંખ ધીમે રહી આપણને પીડવા માંડે છે. સાવ સગી સીમને ક્ષણે ક્ષણે મરતી જોનાર ખેડુની વ્યથા બહુ નિર્મમપણે ‘ઢળી પડે સીમ’ જેવી સાદી પંક્તિમાં સંભરી શકાઈ છે. આવતી કાલે પણ કુહાડાના ઘા પડવાના જ છે. ઘા પડ્યા જ કરવાના છે, પડ્યા જ કરવાના છે કદીએ શમવાના નથી ઘા.
કંઈ ન કરી શકવાની અસમર્થતા, અંદરથી પીડતી અસહાયતા પછી ડચૂરો બનીને ગળે વળગી જાય. છેક કરોડરજ્જુમાં પેસીને વાગે છે એની કરકરી ધારનો કારમો ડંખ. નસેનસમાં તડતડે કોઈ તાપણું, અગ્નિનો ભડભડાટ શેકી રહ્યો હોત ધીમી આંચે. ડચકારા બોલાવતાં બોલાવતાં ગાડું હાંક્યે જતાં ખેડુનાં રળિયામણાં ચિત્રને આપણે માણતાં આવ્યાં છીએ. અહીં છાતીમાં બળતી પીડાને સંઘરીને જતો એક ખેડુ સીમની કરોડ પર ગાડું હાંકી રહ્યો છે. એ ધીમે ધીમે કોરાઈ રહ્યો છે આપણાં ભાવ-ફલક પર. અંધારિયા પેટાળમાં આગિયાનાં ઝરણ વચ્ચોવચ કવિ આપણને ચૂપચાપ મૂકી દે છે. આ રહ્યું છાપરું. બહુ દૂર નથી. અંદર ને અંદર ઉકળતા લાવા સહિત, ડંખ અને પીડા સહિત, નાનાંમોટાં સુખની સુરક્ષિત ભૂમિમાં સંતાઈ જવાની પૂરી સવલત છે. ભ્રાંતિના મુલકની સફર કરાવતો હુક્કો અને કાનને અતિ ગમતો ચૂડલાનો રણઝણાટ રાહ જોઈ રહ્યા છે. ભર્યે ડચૂરે ઝટ પેસી જવાનું છે કરાંઠીના સુખદ્ ચળકાટમાં. પીડાઓને ઘડીક છેટે હડસેલીને, ઘડીભર બધું ભૂલીને સુખને હવાલે થવાનું છે – કાલનો કુહાડો ભલે દૂર ન હોય.
(સંગત)