બિંબને
ડૉ. કિશોર મોદી
બિંબને સ્પર્શી શકાતું હોત તો?
જર્મન સાક્ષર હર્મન હેસ કહે છે તેમ ‘ભાવકને પક્ષે ભાવનું સંક્રમણ સધાવું ક્યારે અટકી જાય છે અને ગેરસમજણો ઊભી ક્યારે થતી હોય છે તેનો નિર્ણય કરવાનું લેખક માટે મહદંશે શક્ય નથી હોતું.’ જેમ સર્જક માટે, તેમ જ સમગ્ર માનવજીવન માટે, આ કથન સાચું છે. જીવનનાં સાચાં કે આભાસી પાસાંઓના સત્યને પામવા માટે માણસે ખરેખર તો નિત્શેની ‘સહનશીલતા માટેની અપાર્થિવ અને ભયજનક’ કક્ષા સુધીની શક્તિ ધરાવવી પડે. આ પરિસ્થિતિનું સાચું કારણ જેટલું જગતમાં છે તેથીયે વધુ માણસના મનમાં છે. ઉમાશંકર જોશી કહે છે તેમ ‘નથી એની ઝંખના જાગે આજે મોરે મંદિરે.’ નથી તેને માટે ઝૂરવાનું ઝૂરણ-વરદાન મનુષ્યનું મન પામ્યું છે.
જે ‘નથી’ તેની વાસ્તવિકતામાંથી પ્રસ્તુત કાવ્યનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે: ‘જો હોત તો?’ આ જગત માટેની મૂળ બિંબ કે પ્રતિબિંબની આપણા ધર્મગ્રંથોની વિટંબણામાં પડ્યા વગર પણ માણસ જેવો છે તેવો જ પામી શકાય છે? સાચા માણસને આપણે સ્પર્શી કે પામી નથી શકતા એ વ્યથામાંથી એક મૃતપ્રાય આશાને ખણતો પ્રશ્ન લોભાવે છે: માણસને નહીં તો છેવટે તેના બિંબને સુધ્ધાં જો સ્પર્શી શકાય તો? ઝાંઝવાં પાણી નથી છતાં પાણીનો આભાસ તો છે જ. આ ઝાંઝવાં જો પી શકાતાં હોત તો? તો પણ તરસને છિપાવવાનો આભાસ પણ આપણે રચી શકીએ છીએ? પરિણામ કદાચ વધુ વિપરીત આવે. તરસ વધુ ને વધુ બહેકે!
આપણોશબ્દ એ તો માત્ર સપાટી છે, તળિયું તો કોઈક બીજું જ છે. શબ્દ તો પરિઘ છે, કેન્દ્ર નથી. કેન્દ્રમાં તો મૌન છે. એક વાર મૌનને પામો પછી શબ્દ એના અર્થ, અર્થરહિતતા કે અનર્થ સાથે હેતુવિહીન બની જાય છે. બધા જ શબ્દો નકામા નીવડે એવું મૌન પામી શકાય અને એ નિઃશબ્દતામાંથી જે (અને જો) શબ્દ નીખરે તો તે શબ્દ કદાચ એનાં સાચાં ઊંડાણોને પ્રમાણતો શબ્દ હોઈ શકે! બાકી, શબ્દના ઊંડાણને પામી તો ઠીક પણ ભાળી શકવાનુંય ક્યાં સહેલું પડ્યું છે?
પ્રત્યેક ક્ષણ યુગાન્તરોની વેદનાઓને સંભારી (!) બેઠી હોય છે. એટલે પ્રત્યેક ક્ષણનું વજન એટલું બેસુમાર હોય છે કે જીવનમાંથી એકાદ ક્ષણ લઈને ‘ભાગી’ શકવું શક્ય નથી. કારણ પ્રત્યેક ક્ષણના વજનથી પગ ઊપડતા નથી. હું માણસ નથી, ચાડિયો માત્ર છું. મારે મૂંગા મૂંગા રક્ષણ કરવાનું: તે પણ કોનું? લીલું લહેરાતા નગરનું નહીં – પણ, meaningless અનર્થોના નગરનું. અર્થ હોત તો તો કદાચ રક્ષણ કરી શકું. પણ આ અર્થ-કાણા નગરમાં તો શું જોવું, શું ન જોવું! અને છતાં આ બધું જોવું પડે છે. આ દૃશ્યોને જોવાતાં અટકાવી શકાય તો?
સ્વપ્નાં પાંપણની અંદર પુરાયેલાં છે પણ પાંપણની બહાર કોઈ ટહુકે છે. બંધ પાંપણોને બહારથી ટપારતો આ ટહુકો તે જ સાચું સ્વપ્ન? એ તો આ રાતને પૂછવું રહ્યું! પણ રાતને પૂછી શકવા જેટલી જો જાગૃતિ હોય તો સ્વપ્ન તો સરી પડે! પરિણામે સ્વપ્ન ‘જોવાતું’ નથી, જીવન જોગવાતું નથી પણ રાત… एवं – આમ ને આમ વહી જાય છે.
આપણે ત્યાં ગીત-ગઝલનાં સ્વરૂપોને ખેડતી અનેક નવી કલમો આવી છે તેમાં કિશોર મોદીમાં પણ સફાઈનો હાથ વરતાઈ આવે છે. એમણે અહીં પૂછેલો પ્રશ્ન પ્રત્યેક કલાકારને માર્ગદર્શક થઈ પડે તેવો છે: ‘મૌનને પામી શકાતું હોત તો?’
(એકાંતની સભા)