બાલમુકુન્દ દવે
જૂનું ઘર ખાલી કરતાં
ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
સત્ત્વશીલ અને શુદ્ધ કવિતાના સર્જક સદ્ગત કવિશ્રી બાલમુકુન્દ દવેનું આ ખૂબ જાણીતું સૉનેટ છે. ગુજરાતનાં ઉત્તમ સૉનેટોમાં આ રચનાનું મજબૂત સ્થાન છે. આ કાવ્ય ધીર-શાન્ત મન્દાક્રાન્તાના લયમાં વહે છે, જે કવિની સંવેદનાને સર્વથા અનુકૂળ હોવાનું પ્રતીત થાય છે. કવિએ આ સૉનેટમાં બે ષટ્ક અને છેલ્લે એક દ્વિક-યુગ્ન એમ ત્રણ ખંડકો આપ્યા છે. આ સૉનેટ પૅટ્રાર્ક તેમ જ શેક્સપિયર – એ બંનેની સૉનેટ રચનારીતિઓના સુભગ સમન્વયરૂપ છે. કવિની લયપ્રભુતાને પ્રાસપ્રભુતા સાદ્યંત પ્રતીત થાય છે. એ પ્રભુતાના કારણે જ આ કાવ્ય સુઘડ ને પ્રાસાદિક થયું છે. આ કાવ્યની ભાષા પણ રોજબરોજના જીવનનો સ્વાદ આપે એવી સ્વાભાવિક ને સુગમ છે.
કવિએ આ કાવ્યમાં જે સંવેદન રજૂ કર્યું છે તે અનન્ય છે. પ્રસંગ છે જૂનું ઘર ખાલી કરવાનો. જૂનું ઘર ખાલી કરતાં કવિહૃદય પિતાને (અને માતાને પણ) કેવી લાગણી થાય છે એનું વાસ્તવિક અને માર્મિક નિરૂપણ અહીં છે.
આ આખું કાવ્ય કવિના – કાવ્યનાયકના ઉદ્ગારરૂપે રજૂ થયું છે. જૂનું ઘર ખાલી કરનાર કવિ કાવ્યનો આરંભ કરે છે `ફંફોસ્યું’ ક્રિયાના નિર્દેશથી. કવિ આ ફંફોસવાની ક્રિયા ફરી ફરીને કરે છે તે પણ ધ્યાનમાં લેવા જેવું છે. કવિ ઝીણી નજરના અને ચીવટવાળા છે, નાની-શી વસ્તુયે છોડી દઈને જાય એવા નથી જ. તેથી તો જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, લક્સ સાબુની ગોટી, બોખી (મોં વગરની-તૂટેલી) શીશી, ટિનનું ડબલું અને પડખેથી કાણી થયેલી ડોલ, તૂટેલાં ચશ્માં, ક્લિપ, બટન, ટાંકણીને સોયો-દોરા પણ ઘરવખરી સાથે લઈ જવાનું ચૂકતા નથી. કેટલાક તો ઝાડુ કે સાબુ જેવી ચીજવસ્તુઓ અપશુકનના ખ્યાલે ઘર ખાલી કરતાં પોતાની સાથે ન લઈ જાય; આ કવિ તો એવી વસ્તુઓ પણ લઈ જાય છે! કવિ માલેતુજાર નથી; સામાન્ય આર્થિક સ્થિતિના ગૃહસ્થ છે. એક દસકો તો આ જૂના ઘરમાં (ભાડે?) રહીને વિતાવ્યો છે. માંડ માંડ નવું ઘર કરવાનો જોગ થયો જણાય છે; તેથી આ કવિ જૂના ઘરના માલસામાનને લારી દ્વારા નવા ઘરમાં ખસેડવાની ગોઠવણ કરે છે. સામાન ઝાઝો નથી; સંભવત; એકાદ લારી જેટલો જ હસે. એમાં તેઓ તૂટેલી શીશી ને કાણી ડોલ પણ લઈ જવાનું ભૂલતા નથી! બટનને સોયદોરા જેવી તુચ્છ લાગતી ચીજવસ્તુઓ પણ કદિ યાદ કરીને લઈ લે છે. ઘરમાંની ચીજવસ્તુઓ તો ખરી જ પણ ઘરબહારની પોતાના નામના પાટિયા જેવી વસ્તુ પણ લઈ જવાનું ભૂલતા નથી. ઘર ખરેખરા અર્થમાં તેઓ ખાલી કરી દે છે. ઘરનો બધો માલસામાન લારીમાં ભરાઈ ગયો હોય છે અને તેથી તેને તેઓ નવા ઘરે વિદાય કરે છે. અહીં આટલી વાત આગળ કવિ પહેલો સૉનેટ-ખંડક પૂરો કરે છે.
બીજા સૉનેટ-ખંડકમાં ઘર ખાલી કરી દીધા, ઘરવખરી ભરેલ લારીને વિદાય કરી દીધા પછી કવિકંપતીને ઊપડવાની તૈયારી કરતાં શું થાય છે તેની રજૂઆત છે. પહેલા ખંડકમાં ઘરવખરીની સ્થૂળ વિગતો છે; તુચ્છ-નાની ચીજવસ્તુઓની યાદી છે; પણ એ યાદી બીજા ખંડકના ભાવસંદર્ભમાં મહત્ત્વની છે. કવિ સિંહાવલોકનની રીતે હવે જૂનું ઘર છોડવા જતાં એને આંખ ભરને જોઈ લેવાની વૃત્તિ રોકી શકતી નથી. જેમ પત્ની સાથેનું તેમ આ જૂના ઘર સાથેનું સાહચર્ય પણ કવિનું પ્રગાઢ છે. જ્યાં પરણ્યા પછીના પહેલા દસ વર્ષનો દાંપત્યજીવનનો રસમય સમય વીત્યો એ જગાને – એ ઘરને કેમ ભુલાય? વળી આ જ ઘરમાં સદ્ભાગ્યે, દાંપત્યજીવનના ઇષ્ટ અને મિષ્ટ ફળરૂપે એમને દેવોના ઉત્તમ વરદાનરૂપ પનોતો પુત્ર સાંપડ્યો હતો અને કમભાગ્યે, આ જ ઘરમાં એ પુત્રનું અકાલે અવસાન થતાં તેને હૃદય મક્કમ કરીને અગ્નિના ખોળે પધરાવવાનું કપરું કાર્ય પણ કરવાનું થયેલું. આ રીતે આ જૂના ઘર સાથે કવિના દાંપત્યજીવનની કેટલીક મહત્ત્વની ઘટનાઓ પણ સંકળાયેલી હતી, જે કવિને એ ઘર ખાલી કરીને જતાં યાદ આવવા માંડે છે અને ત્યારે એ સ્મૃતિ સાહચર્યે તેમને એમ થાય છે કે ખાલી કરેલા ઘરમાં હજુ `કોઈક’ રહ્યું છે અને તે અન્ય કોઈ નહીં પણ પોતાનો દિવંગત પુત્ર હોવાનું લાગે છે. જાણે કે એ પુત્ર ખાલી થયેલા ઘરના એક ખૂણામાંથી એકાએક બોલી ઊઠતો ન હોય! – એવો ભાવ, એવો ભણકાર કવિ અનુભવે છે! એ જાણે કવિને અને તેમનાં પત્નીને એમ કહે છે કે, `બા-બાપુજી! તમે આમ તો કશુંયે ભૂલી ગયાં નથી; માત્ર મને જ ભૂલી ગયાં ને?’
કવિ ને તેમનાં પત્ની, ભૂલવા માગે તોય આ જૂના ઘરમાં જન્મેલા પુત્રને ભૂલી શકે એમ છે ખરાં? પુત્ર ઘરના એક ખૂણામાં બોલતો હોય એવો ભાસ કવિને ભલે થયો હોય, વસ્તુત: તો એ પુત્ર એમના અંતરમાંથી જ બોલ્યો છે!
કવિના સ્મૃતિસદનમાં એ પુત્ર હજુયે ઉપસ્થિત છે. જૂના ઘરની વિદાય લેતાં, દિવંગત પુત્રની સ્મૃતિ કવિને કેવી વિલક્ષણ અનુભૂતિ કરાવી રહે છે તે આ કાવ્યમાંથી સરસરીતે પામી શકાય છે.
આ દિવંગત પુત્રનું સ્મરણ થતાં જ, કવિની (સાથે એમનાં પત્નીની પણ) આંખો ભરાઈ આવે છે. એ આંખોમાં જાણે કાચની કણિકાઓ ન ખૂંચતી હોય એવી વેદના થાય છે. વળી એમના ચરણ પર આ જૂનું ઘર ખાલી કરીને જતાં ઊપડતા નથી. સદ્ગત પુત્રના સ્મરણે જાણે લોઢાના મણિયાનો ભાર એમના ચરણો પર આવી પડ્યો ન હોય એવો ભાવકવિને થાય છે. આમ જૂનું ઘર સ્થૂળ રીતે તો ખાલી કરી શકાય છે. પણ એ ઘર સાથે વળગીને રહેલાં સારાં-માઠાં સ્મરણોને ત્યાંથી ઉતરડીને લઈ જવાં શક્ય નથી. કવિ એ વેદનાની વાત લાઘવથી, વિશદ રીતે ને કલાત્મક વેધકતાથી અહીં રજૂ કરી શક્યા છે. સ્વજનો સાથે સંલગ્ન સ્થળ-સમયની સ્મૃતિઓ પણ માનવહૃદયને કેવાં કેવાં સંવેદનવલયો જગાવે છે, એને કેવું હચમચાવે છે તેનો આ સૉનેટ પ્રભાવક રીતે ખ્યાલ આપે છે. કૂખકાણી બાદલીયે લઈ જવાનું નહીં ભૂલી શકનાર કવિને પનોતા પુત્ર વિના જવાનું થાય છે એ વેદના જ અહીં કેવી અને કેટલી મર્મભેદક બની રહે છે. જૂના ઘરેથી નામના પાટિયા સાથેની ભરચક લારી તો જશે, પણ પોતાનું નામ રાખી શકે એવા પુત્ર વિના જતાં કવિને ભરેલી લારીયે `ખાલી’ હોવાનું ન લાગ્યું હોય તો જ નવાઈ! કવિને પોતાનું કશુંક મહત્ત્વનું, પોતાનું અતિઅંગત ને અંતરતમ અહીં છોડીને જવું પડે છે એ વેદના જ દારુણ છે. એ વેદનાનો ઘનીભૂત અનુભવ કરાવતું આ કાવ્ય કરુણ-વાત્સલ્યનું અનોખું ઉદાહરણ બની રહે છે. જૂનું ગર પણ ખાલી કરવા જતાં શું શું ભરાય છે ને શું શું છોડાય છે તે તો કવિહૃદય જ જાણી-પ્રમાણી શકે!
(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)