નર્મદ
જય! જય! ગરવી ગુજરાત!
જય! જય! ગરવી ગુજરાત!
પ્રસ્તુત કાવ્ય દ્વારા વીર નર્મદે રમતું મૂકેલું ‘ગરવી ગુજરાત’ પદ આપણા સૌના દિલ અને દિમાગમાં બરોબર ઘર કરી રહ્યું છે. ‘કૃષ્ણચંદ્રની કૌમુદી-ઊજળા ગુર્જરદેશ’નું સ્મરણ જેટલું ઊજળું છે તેટલું ‘ગરવી ગુજરાત’નું માતા તરીકેનું સ્મરણ-સ્તવન પણ ઊજળું છે; એટલું જ નહીં, ગુજરાતને ‘માતા’ કહેતાં, એના કોમળમધુર હૂંફાળા-વત્સલ વ્યક્તિત્વ સાથેનું આપણું નૈકટ્ય વધારે બળપૂર્વક – સારી રીતે પ્રગટ થાય છે. પિતાની ગોદ કરતાં માતાની ગોદ વધારે મીઠી લાગે એમાં નવાઈ નથી. માતાની ગોદમાં ક્ષોભ વિના, અધિકારપૂર્વક સુવાય-બેસાય ને ખેલાય. નર્મદે આ કાવ્યમાં ગુજરાતને માતારૂપે-દેવીશક્તિરૂપે નિરૂપી છે. આપણે સૌ ગુજરાતીઓ એનાં સંતાન – એની સંતતિ – એ ભાવ અહીં બરોબર રીતે ઘૂંટ્યો છે. ગરવી ગુજરાતનું જ વિસ્તરણ આપણામાં છે; ગરવી ગુજરાતનો જ વારસો આપણા લોહીમાં છે – એ ભાવ પણ ‘સંતતિ’ પદ દ્વારા વ્યંજિત થાય છે.
ગુજરાતી કવિતામાં ‘ગરવી ગુજરાત’ પદ આ રીતે રમતું મૂકનાર કવિ નર્મદ પહેલ પ્રથમ છે. આપણા લોકસાહિત્યમાં ગરવા ગિરનારની અને રૂડા ગુર્જરદેશની વાતો જરૂરી આવી છે, પરંતુ પ્રસ્તુત કાવ્યમાં ગુજરાતનું સાંસ્કૃતિક વ્યક્તિત્વ પસંદગીની પણ બળકટ શબ્દરેખામાં નર્મદે જે રીતે સાકાર કર્યું છે તે એક વિરલ ઘટના જ લેખાય.
કાવ્યનો સમ્યગ્ આરંભ-સમારંભ થાય છે ‘જય’ શબ્દથી – ‑‘જય’કારથી કાવ્યમાં સાદ્યંત ‘જય’કારનું પ્રભાવ-પ્રાબલ્ય વરતાય છે. એક વાર નહીં, પણ અનેક વાર ‘ગરવી ગુજરાત’ના સંદર્ભમાં યોજાતું ‘જય’ પદ નર્મદની ગુજરાત માટેની સદ્ભાવના, શુભાકાંક્ષા અને એની ઊજળા ભાવિદર્શનનું દ્યોતક છે. ગુજરાતનો ભૂતકાળ એનો વર્તમાન – ઉભય એવાં છે કે એનું ભવિષ્ય પણ જયકારવાળું – ઉજ્જ્વળ જ હોવાનું નિશ્ચિત છે. નર્મદનો ગુજરાતના સામર્થ્યશક્તિમાંનો બુલંદ વિશ્વાસ અહીં આખા કાવ્યમાં પડઘાતો, સાનુકૂળ લયબાનીમાં પડછંદાતો વરતાય છે. પ્રત્યેક કડીએ ‘જય! જય! ગરવી ગુજરાત!’ એવી ધ્રુવપંક્તિ આવે છે, જે નર્મદનાં માતા ગુજરાત માટેનાં શ્રદ્ધાવચનનું જ રૂપ દર્શાવે છે. ‘જય! જય! ગરવી ગુજરાત!’ કહેતાં નર્મદનું હૃદય ને મોં કેવાં તો ભરાઈ જાય છે તેનું આપણે અનુમાન કરી શકીએ એમ છીએ. માતા ગુજરાત માટેની ઊંડી શ્રદ્ધાભક્તિએ – શક્તિપ્રીતિએ રોમાંચિત થઈને નર્મદે ‘જય! જય! ગરવી ગુજરાત’ એવા ધ્રુવ ઉદ્ગાર કાઢ્યા જણાય છે. સ્વદેશપ્રીતિ ને સ્વદેશાભિમાનનો પ્રબળ ‘જોસ્સો’ એમાં વરતાય છે. એ રીતે અર્વાચીન ગુજરાતના અરુણોદયના વૈતાલિક નર્મદનું આ વીરત્વપ્રેરિત ઉદ્ગાન છે. ‘ગરવી ગુજરાત’ના સ્વપ્નદ્રષ્ટા ને કાન્તદ્રષ્ટા નર્મદનું દર્શન એમાં પણ ઊતર્યું છે; તેથી જ આ કાવ્ય ગુજરાતની અસ્મિતાનો વિધેયાત્મક સંકેત આપી રહે છે. આ કાવ્યમાં માત્ર ગુજરાત પ્રશસ્તિ નથી. ગુજરાત-દર્શન પણ છે. ગુજરાતનું ભૌગોલિક તેમ સાંસ્કૃતિક, સ્થૂળ તેમ જ સૂક્ષ્મ-ઉભય પ્રકારનું રૂપ અહીં પ્રત્યક્ષ થાય છે.
નર્મદની સામે ગુજરાતનું માતૃસ્વરૂપ છે તો સાથે એનો પ્રેમશૌર્યઅંકિત કસુંબી રંગે ઝળહળ ઉન્નત ધ્વજ પણ છે. નર્મદ જીવનમાં તેમ જ સાહિત્યમાં પ્રેમશૌર્યનો ઉત્કટ તરફદાર તેમ જ ‘કડખેદ’ (પ્રશસ્તિકાર) રહ્યો છે. હેમચંદ્રાચાર્યે ટાંકેલા અપભ્રંશ દુહાઓમાં જે પ્રેમશૌર્યનો ઝળહળાટ છે તે કોઈ ને કોઈ રીતે, કોઈ ને કોઈ રૂપે આજ દિન સુધી જળવાયેલો જોવા મળે છે. જોતાં આવડે તો ગાંધીજીમાંયે પ્રેમશૌર્યનું અવતરણ જોઈ શકાય. ઝવેરચંદ મેઘાણી કંઈ અમસ્તા કસુંબી રંગના ગાયક નહોતા થયા. એ કસુંબી રંગ જોવા-મૂલવવાનું નર્મદની સંવેદનશીલ કવિદૃષ્ટિ કેમ ચૂકે? એણે ગુર્જરમાતાના ધ્વજની આબાદ કલ્પના અહીં રજૂ કરી છે.
એમાં ગુજરાતનું હીર નર્મદે નિર્દેશ્યું છે. સાહસ, ત્યાગ, સમર્પણ જેવી કંઈ કંઈ બાબતો પ્રેમશૌર્યના અર્થવર્તુળમાં આવી જાય છે. હરિના મારગના શૂરવીર સંતો, શેણી વીજાણંદ જેવાં પ્રેમીયુગલો, સોરઠી બહારવટિયાઓ – આવી તો કંઈ કંઈ મહામન વિભૂતિઓ આપણને યાદ આવે છે. ગુજરાતનાં કચ્છ-સૌરાષ્ટ્રના ઇતિહાસનાં પાનાં આવાં અનેક ધીરવીર નવરત્નો ને નારીરત્નોથી, સાધુસંતો ને પીરફકીરોથી, સાગરખેડુઓ ને શ્રેષ્ઠીઓથી ઝળહળે છે. એ બધાંના પ્રેમ-પુરુષાર્થના બળે ગુજરાતનું દૈવત આજદિન સુધી આપણને પ્રેરતું-પોષતું ને માર્ગ ચીંધતું રહ્યું છે. ગુજરાત એક અને અનન્ય રહી શક્યું છે આ પ્રેમશૌર્યન નેજા હેઠળ.
નર્મદ પ્રથમ કડીમાં જ એ બાબતનો સંકેત કરી, માતા ગુર્જરીને પ્રેમભક્તિની રીત શીખવવા પ્રાર્થના કરે છે. ગુજરાત જે કંઈ છે તે આ ભૂમિમાં થઈ ગયેલા સંત-વીરો વગેરેના પુરુષાર્થને કારણે છે. ગુજરાતનું પોત ઘડવામાં ગીતાગાયક શ્રીકૃષ્ણથી માંડીને નરસિંહ-મીરાં, અખો-પ્રેમાનંદ-દયારામ આદિ અનેકોનો ફાળો રહ્યો છે. ઇતિહાસમાં-સંસ્કૃતિના રસિક અભ્યાસી નર્મદને તેની ખબર હોય જ. તેથી જ તે યોગ્ય રીતે હમણાં જણાવ્યું તેમાં માતા ગુર્જરી પાસે પ્રેમભક્તિની રીત શીખવાની તમન્ના વ્યક્ત કરે છે. નર્મદની પછીથી આવનાર ગાંધીજીએ તો એ પ્રેમભક્તિની રીત દ્વારા કેવા ચમત્કારો સર્જ્યા તે આપણે જાણીએ છીએ.
નર્મદની દૃષ્ટિએ માતા ગુર્જરીનું ખાનદાન – એની કુલપરંપરા જ ઉપર્યુક્ત અનેકાનેક વિભૂતિઓ દ્વારા પુષ્ટ ને પરિપક્વ થઈ હોઈ ઘણી ઉત્કૃષ્ટ છે. ગુજરાતની પ્રતિષ્ઠા હીનત્વ ને દીનત્વના પરિહારમાં છે. જે એ કરી શકે એનો જ જયકાર તો હોય.
નર્મદે ગુજરાતની સીમા-સરહદો જે રીતે આ કાવ્યમાં નિર્દેશી છે તે પણ એના ઉત્કૃષ્ટ સમજવિવેક ને કાવ્યત્વનું સૂચન કરે છે. ઉત્તરમાં અંબામાતા-અંબાજી, પૂર્વમાં કાળીમાતા-પાવાગઢ, દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ-દમણગંગા તરફનો વિસ્તાર અને પશ્ચિમમાં સોમનાથ ને દ્વારકેશ-સોમનાથ પાટણ ને દ્વારિકા – આ રીતે નર્મદે ગુજરાતનો એક નકશોયે આપણને આપ્યો છે, જે ન્હાનાલાલે દર્શાવેલી ગુજરાતની ‘લીલી’ તેમ જ ‘નીલી પાંખ’ને આવરી લે છે. ગુજરાત મજબૂત છે શિવ ને શક્તિ દ્વારા. શૈવ, વૈષ્ણવ ને શક્તિ ભક્તિનાં કેન્દ્રો નિર્દેશીને નર્મદે ગુજરાતના ધાર્મિક-આધ્યાત્મિક સત્ત્વની ગંગોત્રીઓ પણ કેવી છે તે દર્શાવ્યું છે. ગુર્જરમાતા ઉપર્યુક્ત દેવીદેવતાઓના તેજબળે જ સમર્થ અને પ્રભાવક છે. જેને આવા દેવીદેવતાઓનું પીઠબળ હોય – એથી ઉદ્બુદ્ધ જેનું આત્મબળ હોય એ ગુજરાતનો તો જયકાર જ હોય ને?!
આ ગુર્જરમાતાની નાડીઓ – ધોરી નસો છે તાપી, નર્મદા ને મહીસાગર જેવી નદીઓ ‘લોકમાતા’ઓ. આ નદીઓ ગુજરાતની ધરતીને અને એનાં સંતાનોને ઘણું ઘણું જીવવા ને ઝૂઝવા-જીતવા માટેનું સત્ત્વબળ પૂરું પાડ્યું છે. છેક પૌરાણિક કાળથી આજ પર્યન્ત આ સરિત્સંસ્કૃતિએ – રસિકલાલ છો. પરીખ કહે છે તેમ, સરોવર સંસ્કૃતિએ – સાગરસંસ્કૃતિએ ગુજરાતને ખરા અર્થમાં ‘પાણીદાર’ બનાવ્યું છે. ગુજરાતના ડુંગરે ડુંગરે કાદુ મકરાણીના ડાયરા જ નહીં, સંતો-પીરો-શક્તિઓ વગેરેના ડેરાયે રહેલા છે. તે સર્વ તરફથી ગુજરાતનું સતત સંસ્કારસંવર્ધન થતું રહ્યું છે. ગુજરાતના વિશાળ સાગરકાંઠાએ – શેઠ સોદાગરો ને સાગરખેડૂઓએ ગુજરાતને સમૃદ્ધિ અને શક્તિ આપ્યાં છે. નર્મદ ક્ષત્રિયજાયાઓનાં જુદ્ધરમણની અને સાગરસાહસોનો ઉલ્લેખ કર્યા વિના કેમ રહી શકે. ગુજરાતની જયશ્રી આ બધાં સાહસવીરોના પ્રતાપે હોવાનું નર્મદનું દર્શન છે. ગુજરાતને માટે તો સાગર ખરા અર્થે રત્નાકર જ રહ્યો છે.
નર્મદ યોગ્ય રીતે જ, કજિયાના કાળા મુખથી દૂર રહેનાર ગુજરાતની પ્રજાના સમુદાર ને સમાધાની શાંત ને વિનીત સ્વભાવનો સંકેત કરે છે. ગુજરાત તો કૃષ્ણના વારાથી સંધિ-સમાધાન-સુમેળ ને સંપમાં માનનારું. સંપક્ષ્મી ને સાહસ લક્ષ્મીની આ ‘વિવેકબૃહસ્પતિ’ એવા ગુજરાત પર કૃપા રહી છે ને તેથી જ તેનો જયધ્વજ અણનમ રીતે ફરકતો રહ્યાનું નર્મદનું દર્શન છે.
નર્મદની ઇતિહાસદૃષ્ટિ સરસ રીતે અણહિલવાડ પાટણનો-સિદ્ધરાજ જયસિંહનો નિર્દેશ કરે છે. સિદ્ધરાજ-કુમારપાળના જમાનામાં ગુજરાતમાં સુવર્ણયુગ પ્રવર્ત્યો જોઈ શકાય છે. ગુજરાત ત્યારે સત્તા, સંપત્તિ, સંસ્કાર-સર્વમાં અગ્રેસર હતું. ટોચે હતું. ગુજરાતની અસ્મિતાનો એક તબક્કો, ક. મા. મુનશી દર્શાવે છે તેમ, સોલંકીયુગમાં જોવા મળે છે. નર્મદ એ સુવર્ણયુગથીયે ચડિયાતો યુગ હવે આવનાર છે એવો પ્રબળ આશાવાદ, એવું કાન્તદર્શન, આ કાવ્યના અંતભાગમાં રજૂ કરે છે. અજ્ઞાનની-દાસત્વની રાત ચાલી ગઈ છે; નવા યુગનો અરુણોદય થઈ ચૂક્યો છે. નર્મદ પોતે જ એનો વધૈયો બનેલો છે. ગુજરાતના સરર્તોમુખી વિકાસનાં શુભ એંધાણ એની કવિદૃષ્ટિને વરતાય છે અને થી જ આબાદીનો મધ્યાહ્ન શોભશે એવું શ્રદ્ધાવચન તે ખુમારીથી ઉદ્ગારે છે. નર્મદ પોતાનામાં અને પોતાની આસપાસના સમસ્ત જનસમુદાયમાં નૂતન યુગનો જે પ્રાણસંચાર અનુભવે છે તે જ તેને ગુજરાતના ભાવિ જયકારની શ્રદ્ધા બંધાવે છે. જે ગુણબળે ગુર્જરમાતા ગરવી છે તે ગુણબળે જ તે સદાની જયશાલિની પણ રહેવાની છે.
નર્મદે કોઈ ધન્ય ક્ષણમાં આ કાવ્ય રચ્યું લાગે છે. કાવ્ય સાદ્યંત, સુશ્લિષ્ટ ને સઘન છે. નર્મદે જે રીતે અહીં ઉત્સાહભરી છંદોવાણીમાં પ્રાસપદાવલીમાં ગુજરાતના આત્મગૌરવ ને સંસ્કારગૌરવને પ્રગટાવી ઉપસાવી આપ્યું છે તે વસ્તુદૃષ્ટિએ તેમ અભિવ્યક્તિની દૃષ્ટિએ અપૂર્વ ને અનન્ય છે. ગુજરાત વિશે નર્મદ પછીયે અનેકાનેક કાવ્યો રચ્યાં, પરંતુ કોઈ કાવ્ય નર્મદના આ કાવ્યનો વિકલ્પ થઈ શક્યું નથી. ગુજરાતનું આ સર્વસ્વીકૃત વતનગીત છે. ગુજરાતના અંતરંગ ને બહિરંગને અહીં કલામય પ્રત્યક્ષતા પ્રાપ્ત થઈ છે એ આહ્લાદક ને ઉત્સાહવર્ધક ઘટના છે. નર્મદની જોસ્સાસભર ને વિચક્ષણ સર્જકવ્યક્તિત્વનું પોત આ કાવ્યમાં ખૂબ ઉપકારક નીવડ્યું છે. જ્યાં સુધી ગુજરાત છે ત્યાં સુધી આ કાવ્ય પણ રહેશે જ. આ કાવ્યનો પૂરો ઉઘાડ તો એના ઉદ્ગારને જ પમાય એ સુજ્ઞ રસિકોને જણાવવાનું હોય કે?
(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)