જનની કાવ્ય વિશે – ચંદ્રકાન્ત શેઠ

દામોદર મુ. બોટાદકર

જનની

મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,

ગુજરાતને કેટલાંક એવાં ગીતો મળ્યાં છે, જે પેઢી-દર-પેઢી ગવાતાં આજ દિન સુધી લોકહૃદયમાં વસી રહ્યાં છે. એવાં ગીતોમાંનું એક આ `જનની’; એના કવિ કરતાંયે તે સવિશેષ જાણીતું!

કવિઓના જે કેટલાક પ્રિય વિષયો છે, તેમાંનો એક તે માતાનો. `માતૃકાવ્યો’નો દળદાર સંચય થાય એટલાં કાવ્યો ગુજરાતીમાં છે. એ કાવ્યોમાંયે જે પહેલી હરોળમાંનું લેખાય તેવું ગીતકાવ્ય તે `જનની’. આખું કાવ્ય સખીને સંબોધીને રજૂ થયું છે. એમાં માતૃમહિમાનું ગાન છે. આ પણ માતૃવંદનાનો જ એક પ્રકાર લેખાય. આ કાવ્યમાં કવિએ ઉપાડની પંક્તિ જ મોંએ ચડી જાય એવી માધુર્યસભર આપી છે. જીવનમાં અનેક ઠેકાણે મીઠપ-મીઠાશ-માધુર્ય-માધુરી જોવા મળે છે. મધુ-મધની મીઠા તો સૌને પથ્ય ને પ્રસન્નકર જ હોય. એવી જ મીઠાશ મેહુલાની. એક કહેવતમાંયે આવે છે કે `આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં.’ મેહુલાના જળની મીઠાશને પણ કોઈ ન પહોંચે; પરંતુ આપણા કવિ બોટાદકર તો માતાની મીઠાશને મધ કે મેહુલા કરતાંયે ચડિયાતી લેખે છે! એવી ચડિયાતી મીઠાશના કારણે જ માતા અજોડ છે. કવિએ સાભિપ્રાય અહીં `માતા’ માટે `જનની’ શબ્દ પ્રયોજ્યો છે જન્મ આપે તે જનની—જનેતા. એવી જનની કે જનેતાનો કોઈ વિકલ્પ હોઈ જ ન શકે. આ માતામાં જ કવિ પરમાત્માના પ્રેમનું, દર્શન કરે છે. માતા તો પરમાત્મપ્રેમની જ સાક્ષાત્ મૂર્તિ – પ્રતિમા; એનું તો દર્શન જ અનોખું. કશીક અપાર્થિવતા-દિવ્યતા એમાં ન લાગે તો જ નવાઈ. એની આંખ તો સદાય વાત્સલ્યના અમી-અમૃતે ચમકતી ને છલકતી જ લાગે. માનાં વેણ જ વહાલ-ભરેલાં. એના વાત્સલ્યનો ટહુકો જ નિરાળો! માતાનો હાથ પણ અમિયલ લાગે. માતાનો કરસ્પર્શ હીરના-રેશમના સ્પર્શ જેવો સુંવાળો ને શીળો લાગે. એનું હૈયું હેમંતની હેલ જેવું, શીળાં-મીઠાં સ્નેહજલે સદાયે છલકતું લાગે. જે એની નિકટ જાય એના તાપ-સંતાપ તો હરે જ; એની તૃષાયે હરે ને એને ટાઢક પણ આપે. માતાનું સાનિધ્ય જ શીળાછાંટડા જેવું – ઠારે એવું. એટલે તો એની સોડમાં ચાંદનીની શીતળ મધુરીનો અનુભવ થાય છે. માતાની છાતીનાં દૂધ સ્વર્ગના અમૃતથીયે ચડિયાતાં. દેવોનેય દુર્લભ. આ માતાનું સ્તન્યપાન તો અમૃતપાનથીયે વધારે ઉત્કૃષ્ટ. જે એનું પાન કરી શકે તે તો દેવથીયે વધારે સદ્ભાગી લેખાય!

આવી માતા સમગ્ર સંસારનું કેન્દ્રબિન્દુ—આધારબિન્દુ છે. આ સંસાર જે ફાલ્યોફૂલ્યો એના મૂળમાં માતા જ છે. માતાનું વર્ચસ્ – એનું તેજ સમગ્ર સંસારને ઉજમાળો કરનારું છે. `જે હાથ ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’ – એવી ઉક્તિ બહુ યોગ્ય રીતે માતાનું મહત્ત્વ દર્શાવે છે. માતાના દિલપમાં સંતાન માટે થઈઈને કેટલો બધો ઉમંગ હોય છે! કેટકેટલા કોડ હોય છે! સંતાન માટે થઈને એ કેટકેટલું વેઠે છે. સંતાનની ચિંતા એના ચિત્તના ચાકડે ઘૂમતી હોય છે. સંતાનને જ માટે એનો જીવ અધીરો થતો હોય છે. સંતાનના જ સુખમાં – એના જ ભલામાં એ પોતાનું સુખ ને પોતાની ભલાઈ જોતી હોય છે. માતાના હૃદયમાંથી તો હંમેશાં સંતાન માટેની શુભ લાગણી – આશિષ જ વરસતી હોય છે. આ માતા ક્યારેક તો માભોમથીયે ચડિયાતી લાગે છે. ભૂકંપે ધરતી ધ્રૂજતી લાગે, પણ મા તો અડીખમ; પોતાના સંતાન આગળ આડી દીવાલ થઈને ઊભી રહે છે. આફતો વચ્ચે પોતાના સંતાન માટે તે અડગ રહી એની ઢાલ થઈ ઘણા આઘાત ઘણી ઝીંક ઝીલી રહે છે. એ રીતે તે ધૈર્ય ને શ્રદ્ધાની અચળ મૂર્તિ લાગે. ગંગાની જળમાં વધ-ઘટ થતી રહે પણ માતાનો સ્નેહ તો એકસરખો સતત વહેતો જ રહેતો હોય છે. ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે માતાની સંતાન પ્રત્યેની પ્રીતિ અકબંધ જળવાઈ રહે છે. આકાશમાં ચડી આવતાં વાદળ ઘડીક વરસીને વિરમી જાય એમ બને પણ માતાનો સ્નેહ તો બધી ઋતુઓમાં – બધી પરિસ્થિતિઓમાં – જીવનભર પોતાના સંતાન માથે સતત વરસતો જ રહે છે. એના સ્નેહમાં ઊણપક કે અવરોધ જોવા મળતાં નથી. ચંદ્રની ચાંદની હમેશાં એકસરખી ન મળે ભલે, માતાના સ્નેહની ચાંદની – એનો ઉજાસ તો એકસરખો સંતાનોને સતત અનુભવવા મળતો હોય છે ને તેથી જ માતા અજોડ છે, અનન્ય છે, અદ્વિતીય છે.

કવિએ અહીં પરાપરાગત શબ્દાલંકારો થતા અર્થાલંકારોની મદદથી માતાના સ્નેહસૌન્દર્યને અને એના સત્ત્વભાવને અદકેરો ઓપ આપીને રજૂ કર્યાં છે. स्वर्गादपि गरीवसी – સ્વર્ગથી પણ ચડિયાતી એવી માતૃપ્રતિભાનું અહીં મધુર-તેજસ્વી દર્શન છે. આ સૃષ્ટિ – આ સંસાર સુંદર છે, પણ એમાંય માતૃસત્ત્વ ઉમેરાતાં તેની સુંદરતા અમૃતમયતામાં રૂપાંતરિત થયેલી પ્રતીત થાય છે. કવિના માતા પ્રત્યેનો સ્નેહભાવ – આદરભાવ આ સૃષ્ટિના સર્વોત્તમ માધુર્યરૂપે માતાને – એના માતૃત્વને શબ્દાંકિત – ચિત્રાંકિત કરીને રહે છે. પરંપરાગત ભાવકથન પણ અંતરની સચ્ચાઈ અને શ્રદ્ધાથી જ્યારે અભિવ્યક્ત થાય છે ત્યારે તેનો કેવો તો પ્રભાવ હોય છે તેનું આ કાવ્ય સરસ નિદર્શન છે. કાવ્યનો ઢાળ પણ તેને સુગંધ બનાવવા સાથે વધુ મધુર – વધુ આસ્વાદ્ય બનાવી રહે છે. શબ્દાર્થનું, ભાવ-લયનું સખ્ય-સાયુજ્ય અહીં ઉલ્લેખનીય છે.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book