રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
છોડીને આવ તું
તારું કશું ન હોય તો છોડીને આવ તું,
શ્રી સુન્દરમ્ના એક કાવ્યનું મુખડું છેઃ ‘મેરે પિયા મૈં કછુ નહીં જાનૂં, મૈં તો ચુપચુપ ચાહ રહી.’ માત્ર આટલા જ શબ્દો કાને પડે ત્યાં આપણે પારખી લઈએ કે આવું તો મીરાં જ કહી શકે. આ નાનકડું પદ સર્જકના પરકાયાપ્રવેશનું એક ઉત્તમ નિદર્શન પૂરું પાડે છે. કૃષ્ણ અને મીરાં બન્ને થઈ ગયા અલગ અલગ સમયમાં પણ પોતાની સાહત થકી આપણી મનભૂમિમાં જે મીરાં ચિતરાયાં છે તે એવાં લાગે કે જાણે તેઓ કૃષ્ણના સમયમાં જ થયાં હશે, કૃષ્ણ સંગાથે મહાલ્યાં હશે. કૃષ્ણપ્રેમની વર્ષામાં મૂંગી મૂંગી ન્હાયાં કરતી આ બડભાગી નારીએ પોતાનાં ચરિત્ર થકી સમજાવ્યું છે કે ચાહત કોને કહેવાય! ચાહવું એટલે ચાહવું. પોતાના સમગ્ર અસ્તિત્વથી કોઈના પર ન્યોછાવર થવું. મીરાંની ચાહતે કાળના અંતરને છેદી નાખ્યું છે. ચાહતમાં આમ ઓગળી જઈને ન્યાલ થવાનો મહિમા છે. ચાહત એવું રસાયણ છે કે તેને જે પીવે તે એને ખાય તે એમ બન્ને ન્યાય ન્યાલ થઈ જાય છે. ચાહતના મામલામાં સ્ત્રી સવાઈ સાબિત થઈ છે. સ્ત્રીને ચાહતાં આવડે છે. ચાહતમાં સવાઈ નિવડીને સ્ત્રી પોતાના શરીરની નિર્બળતાને માત કરે છે. અબળા લેખાતી સ્ત્રી ઘરનું કેન્દ્ર બની શકે છે. પુરુષ બસ એને ઝંખ્યા કરે. વર્ષાઋતુમાં ટહુકતા મોરની જેમ કે આલાપરત દેડકાની જેમ એને માત્ર પ્રેમના પોકાર પાડતા જ આવડે છે. ઘરને ઘર બનાવતી સ્ત્રીની ચાહત આ ચુપચુપ ચાહ રહી-બરની છે.
પ્રસ્તુત ગઝલનાં મત્લામાં મિસ્કીન જાણે ચાહતની વ્યાખ્યા બાંધે છે. જો તારું કશું ના હોય તો છોડીને આવ અને સમાઈ જા મારામાં. જો બધું જ તારું હોય તો એને છોડી બતાવ અને આવ. સમર્પણનો જ જયજયકાર છે ચાહતમાં. પરથમ પહેલાં મસ્તક મૂકી વળતાં લેવું નામ. ચાહતના ઉંબર પર મસ્તક પહેલાં મૂકવું પડે. આમાં તો વધેરાઈ જવાની વાત છે.
તારું નામ જ મારા માટે અજવાળું છે. દિવસે તારા નામનો સૂર્ય પ્રકાશે છે. રાત્રે તારા નામનો જ ચન્દ્ર ખીલે છે ને તારાઓમાં ટમટમે છે તારું નામ. તું આવે કે ન આવે, આ ઘરને તારું નામ મળ્યું છે. તારા નામમાં જ આ ઘર વસશે. અરે, તારું નામ જ મારું ઘર છે સમર્પણની ચરમસીમાએ એકત્વનો જયજયકાર હોય છે. એક જ રાગમાં બજતા ઘણાં બધાં વાદ્યો મળીને જે ઘોષ નિપજાવે એવાં અદ્ભુત ગુંજનમાં આ ચાહતગાન લહેરાઈ ઊઠે છે. તારા નામમાં જ વસુ છું. હવે તો તને જ પહેરું છું ને તને જ ઓઢું છું. આ સૂતાં-જાગતાં જે રટ લાગી છે એ હવે જીવવાની એક રીત બની ગઈ છે. તારા નામમાં થયો છે મારો વસવાટ. મારા દરેક શબ્દમાં હવે તું હોય છે. અરે, તું મારો સ્વભાવ છે! એક જ ખોળિયામાં હવે બે આત્મા વસે છે. આમ એક તરફ નિજત્વનો જ્યારે ક્ષય થઈ રહ્યો છે એ જ વખતે ઉદયમાન થઈ રહ્યું છે એક વિગલિત અસ્તિત્વ. તું અને હું, તારું અને મારું જેવાં દ્વન્દ્વો ઓગળી રહ્યા છે. સમતાના એક નવા ઉજાસમાં પોતાને નિહાળવાની આ પળ છે. અસ્તિત્વની અક્કડતા પ્રેમના રસમાં દ્રવ બને છે. જેને ઓગળતાં આવડે છે એ નવા રૂપને પામે છે. દૂધમાં ઓગળીને એકરસ થતા સાકરના કણનું રૂપક પારસીઓના ગુજરાત-કહો કે ભારતપ્રેવશ જેટલું સૂનું થયું છે. આ કૃતિના દ્રાવણમાં એ ભાવ પણ આવીને તંતોતત ઓગળી ગયો છે. તું ભલે છલકતો કટોરો મોકલાવહું એમાં ઓગળી બતાવીશ. એના એ જ પાત્રમાં હવે દૂધ અને સાકર બન્નેનું સહઅસ્તિત્વ છે. દેખાય છે દૂધ અને સ્વાદમાં સાક્ષાત છે સાકર! ઓગળવાની સાકરને મળી છે પ્રવાહિતા અને દૂધને મળ્યો છે સ્વાદ! પ્રાપ્તિ બન્ને તરફ છે.
આ પ્રેમ ક્યારેક સાવ સહજ મળે છે. કબીરને સાળ પર બેઠા બેઠા જ મળી ગયો. સમયોની આરપાર હજીય કેટલાંય હૈયાંઓને એ પ્રેમસ્પર્શ થાય છે. કબીર તો એમ જ કહી દેઃ ‘પ્રેમ ખિલનવા યહી સુભાવ, તું ચલિ આવકિ મોહિ બુલાવ. પ્રેમ ખિલનવા યહી બિસેખ, મૈં તોહિ દેખું તૂ મોહિ દેખ.’ એકમેકની સીમાઓ લાંધીને પ્રેમની અસીમતામાં સહજ ઊતરાણ કરવાનું હોય છે. ક્યારેક પ્રેમ કસોટી પણ કરે છે. લાખ માથાં પછાડો તોય એ પમાતો નથી. આંસુ અને ઉદાસી વળગણ બને છે. દિવસો બને છે કેદ અને રાત્રિ બને છે ભરપૂર વ્યગ્રતાને માણવાનો તકાદો. દુઃખના દરિયા એક હોય કે સાત એને પાર કરીને પ્રેમને પામવાની તલપ ઊપડે છે. એ રેખા હથેળીમાં ન હોય તો એને પડાવ અને પામી જા પ્રેમનાં પુષ્પોનો મઘમઘાટ!
(સંગત)