સ્વામી આનંદ
વાડીલાલ ડગલી
ગુલાબના ગુચ્છા જેવું મોં, ભીંતની આરપાર જોતી
કોઈ પણ સર્જક જે સભાનતાના ભાર વિનાની પણ સજાગતા રાખતો હોય તે પોતાના સર્જનના પોટેન્શિયલને પરમાણી શકતો હોય છે. ગદ્યકાર શ્રી વાડીભાઈએ સ્વામી આનંદ પર લેખ લખેલો. તે લેખમાં પ્રારંભમાં તેમણે સ્વામીજીનું એક કાવ્યમય શબ્દચિત્ર આપ્યું હતું. પરંતુ પછી કવિ વાડીભાઈએ એ લેખના આ ભાગનું એક સ્વતંત્ર અને આસ્વાદ્ય કાવ્ય તરીકેનું પોટેન્શિયલ ઓળખી લીધું, અને એ રીતે એમના કાવ્યસંગ્રહમાં આપણને આ નોખી બાનીનું એક સુંદર કાવ્ય પ્રાપ્ત થાય છે.
ચિત્ર અને શિલ્પનો એકસાથે આપણને અનુભવ થાય એવું આ કાવ્ય એના શબ્દસંયોજનથી તેમજ એની છાપવાની પદ્ધતિથી પણ એક સુખદ અનુભવ કરાવે છે. લગભગ શબ્દે શબ્દે અહીં સ્વામી આનંદનું વ્યક્તિત્વ કંડારાયેલું છે.
ગુલાબના ગુચ્છા જેવી તાજગીવાળું મોં અને ‘જળાળી’ કરુણાસભર આંખો – આ બન્નેની વચ્ચે ભીંતની અડીખમ નક્કરતા મૂકીને કવિ વ્યક્તિની આંખને નહીં પણ એની દૃષ્ટિને પારદર્શિતાની ધાર કાઢી આપે છે. જિંદગીના અસામાન્ય વાવાઝોડાથી કસાયેલું પ્રચંડ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવા છતાં કવિ સ્વામી આનંદના શરીર માટે ‘સોહામણું’ વિશેષણ યોજે છે. તમસ્ની દાઢ કાઢી લીધા પછીના રાજવી ઓજસના રંગો ચીતરવા માટે અહીં કવિની પીંછી બે શબ્દોને કેવી રીતે સંયોજે છે: ‘રિટાયર્ડ રાજવી!’ આ પ્રયોગની સાર્થકતા વધુ સ્ફુટ બને છે. પછીથી આવતા એમના વેશના ‘ન સાધુ, ન સંસારી’પણાની પડખે મૂકી જોવાથી. ગાડાં ભરેલાં ગોળની મીઠાશ અને કડિયાળી ડાંગની તીખાશ આ સ્વામીને જીભવગી! વાણીના સ્વામી અને સત્યના ભેરુ થયેલાને આ સરળતા અને આ સખત-તા વરેલી હોય તેમાં શી નવાઈ? ‘આ તે કયા લોકની માયા’ એવું આશ્ચર્ય (અને પ્રશ્ન) ઉપજાવનાર આ વ્યક્તિની બાહ્ય પોર્ટ્રેટ ‘ટીકી ટીકીને જોયા જ કરવાનું મન થાય’ એવી.
ત્યાર પછી હવે સ્વામીજીનાં એકમેકથી અભિન્ન એવાં વાણી ને વર્તનની વાત આવે છે. સ્વામી આનંદની ભાષા ‘લોકડિક્ષનરી’ના શબ્દોમાંથી ફૂટેલી ને ફાલેલી, સત્યના મલકની ને ભીતરના મલકની ને મૌનના મલકની ભાષા બોલનાર ‘સ્વામી’ બોલાયેલી અને લખાતી બંને ભાષાના સવ્યસાચી જ હોય ને!
એકાકી નહીં, પણ એકે હજારાં જેવો – आत्मन्येवारत्मना तुष्टः એવો — આ માણસ. પણ અહીં કવિ માણશનું ‘માણસ’ કરે છે અને આગળ સજળનું ‘જળાળી’ કરે છે: લોકબોલીના આ પ્રચલિત પ્રયોગને કવિ ક્યાંક ક્યાંક શુદ્ધ અંગ્રેજી અને બહુધા શિષ્ટ ભાષાના સંદર્ભમાં પ્રયોજે છે અને કોણ જાણે કેમ સ્વામીની ભાષાને અને વ્યક્તિત્વને કંઈક મીઠી પારદર્શકતા મળતી લાગે છે.
‘ગાંધીવાદ’ના કોઈ પણ ટોળકિયા કે જુલુસિયા ઘોંઘાટ વિનાના આ ગાંધીપ્રિય ગાંધીવાદી, કોઈ પણ બાહ્ય ભરમાર વગર, ‘મહાત્મા’ના નાટકને તાદૃશ કરી આપવાની ક્ષમતા ધરાવે… અને છેવટે ઓરડો છોડી જાય પછી મધુર સંગીતની જેમ, કોઈ ધબકતી ચેતનાનો અનુભવ કરાવી જાય એવું અલૌકિક વ્યક્તિત્વ. પરંતુ આ ચેતના ‘બાંયો ચડાવેલી’ ચેતના છે. અન્યાય અને અસત્ય સામે નીડરતાથી લડી લેનાર આ વ્યક્તિ છાણનું બાવલું ન હતી.
ગાંધીજીને ‘આત્મકથા’ લખવાની પ્રેરણા આપનાર આ સ્વામી આનંદ ખુદ ગદ્યના સ્વામી હતા. એવી એક જીવનપૂત વિભૂતિનું ચિત્રણ કરતાં આ અર્થશાસ્ત્રી-ગદ્યલેખક-કવિની કલમ પણ શબ્દો સંભાળી સંભાળીને વાપરે છે. વિશેષણોનો થડકલો કર્યા વગર પણ ભાષાનો ‘વિશેષ’ વિનિમય સાધી શકાયો છે. આ કાવ્યને આપણે શું કહીશું?… શબ્દચિત્ર કે શબ્દશિલ્પ? આપણને આવી મૂંઝવણ થાય છે એ જ તો કવિ વાડીભઈની સિદ્ધિ છે!
૧૩-૨-’૭૭
(એકાંતની સભા)