ચમત્કારોની દુનિયા – હરીન્દ્ર દવે

સુન્દરમ્

નૈં, નૈં, નૈં

દેખાતું નૈં તેથી નૈં,

એક નાસ્તિકે સંત પાસે જઈને કહ્યું: ‘હું ભગવાનમાં માનતો નથી. તમે મને ભગવાન દેખાડો તો માનું.’

સંત એ વેળા પૂજામાં હતા. પ્રસાદીમાંનું દૂધ એક ચમચી ભરીને એ માણસને આપ્યું અને પૂછ્યું, ‘દૂધ કેવું છે?’

‘ગળ્યું છે,’ પેલાએ ઉત્તર આપ્યો.

‘શા માટે ગળ્યું છે?’ સંતે પૂછ્યું.

‘તેમાં સાકર છે એ માટે.’

‘તેમાં સાકર છે?’ સંતે ફરી પૂછ્યું.

‘હા. એમાં વળી પૂછવાનું શું?’

‘તું આ દૂધમાંથી સાકર જુદી તારવી આપે તો હું માનું કે એમાં સાકર છે…’

‘પણ એ જુદી કેમ તરવાય? એ તો અનુભવી શકાય—’ નાસ્તિકે પ્રતિવાદ કર્યો.

અને સંતે કહ્યું: ‘હું એ જ તો કહું છું. પ્રભુ પણ આમ જ ઘટ ઘટમાં જ પથરાયેલો છે, એ દેખાતો નથી. અનુભવાય છે. છતાં જેમ લેબોરેટરીમાં જઈ તમે સાધના કરો તો દૂધ અને સાકર છૂટાં પડી પણ શકે એમ જીવનમાં સાધના કરો તો તમે ભગવાનનો સાક્ષાત્કાર કરી પણ શકો. ભગવાન દેખતા નથી એટલે જ નથી એ કહેવું યોગ્ય નથી.’

કવિ અહીં એ જ વાત કરે છે — જે ન દેખાય એ નથી જ — એવી જીદ પકડનારાઓને કવિ કહે છે કે એ વાત સૈ-સહી નથી. સાચી નથી. આવી વાતને કવિ પોતાની સહી આપવા તૈયાર નથી.

માણસ જોઈ જોઈને કેટલું જોઈ શકે? એક તો એની દૃષ્ટિને જ મર્યાદા છે. એમાં વળી જેટલું એ જુએ એટલું સમજી શકે એવું થોડું બને છે? વાંદરાના હાથમાં મોતી આપો તો એની પાઈની કિંમત પણ એ ન આંકે…

રણની રેતીએ દરિયો ક્યારેય જોયો નથી અને ઘુવડે ક્યારેય નથી જોયો સૂરજ! એટલા ખાતર દરિયો કે સૂરજ છે જ નહીં એમ કહીએ તો એ ઘુવડદૃષ્ટિ જ ઠરે ને?

દૃષ્ટિની મર્યાદા હોય છે—પણ દૃષ્ટિનું તેજ વધારી પણ શકાય છે. બાળકની આંખનું તેજ વધે એટલા ખાતર માતા એને આંજણ આંજે છે.

ગુરુ પણ આંજણ આંજતા હોય છે. એક વાર જો ગુરુનું આંજણ આંખે આંજવામાં આવે તો દેખવામાં ગજબનો ફેર પડી જાય છે. દેખાય એને જ સાચું માનવાનો દુરાગ્રહ છોડી એ શું અનુભવાય છે એની ખોજ કરતો થઈ જાય છે.

આપણે ક્ષણે ક્ષણે અનુભવના પ્રદેશોમાંથી પસાર થતા હોઈએ છીએ. છતાં એ અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. એ અનુભવને જુદો તારવીને તપાસતા નથી. એક વાર આપણે જો આ અનુભવનાં સાધનો વિશે સજાગ બનીએ તો ખ્યાલ આવે કે ક્ષણે ક્ષણે આપણી સમક્ષ ચમત્કારો થતા રહે છે. પહેલો કાલો શબ્દ ઉચ્ચારતું બાળક, જમીનમાંથી આપોઆપ ઊગી નીકળતું તરણું, રાઈ જેવડી બીજમાંથી પ્રકટ થતું વટવૃક્ષ, છોડ પર બેસતું ફૂલ, આકાશમાં દોરાતું મેઘધનુષ, સામે મળતો કોઈ અજાણ્યો ચહેરો—

આ બધા જ ચમત્કારો છે. માત્ર એ ચમત્કારો જોવા માટેની દૃષ્ટિ જોઈએ. આવી દૃષ્ટિ આપતું સદ્ગુરુનું આંજણ આંજી લેવાય તો આપણે પણ કવિની માફક કહીએ દેખાતું નથી એટલે નથી—એ વાત તો

ના સૈ, ના સૈ, મારા ભૈ.

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book