મુરલી ઠાકુર
પાંચ હાયકુઓ
ખોરડું નાનું
હાયકુ જાપાનમાંથી આપણે ત્યાં આવેલો કવિતાપ્રકાર છે. એમાં કવિએ સત્તર અક્ષરોમાં જ પોતાની લીલા પાથરીને સમેટી લેવાની હોય છે. આવી મર્યાદા ભાષાને ધાર આપવામાં મદદ કરે છે. સાચો કવિ જ્યારે આવી મર્યાદામાં રહી કામ કરે ત્યારે વાણીમાં મંત્રની શક્તિ પ્રગટી શકતો હોય છે. બીજી તરફથી કેટલીક વાર સત્તર અક્ષરોનો ખાલી ખખડાટ જ સંભળાતો હોય છે. એક જાપાનીઝ હાયકુમાં લખ્યું હતુંઃ ‘ચન્દ્રને દાંડી લગાડો, એટલે પંખો બની જાય…’ આ ચમત્કૃતિથી પંખો તો બનાવી લીધો, પણ કવિતા ક્યાં બની? એટલે હાયકુમાં આવી છેતરામણી ચમત્કૃતિમાં સરી જવાનો ભય રહેતો હોય છે.
બીજે પક્ષે હાયકુ વિશાળ અર્થછાયાઓ પણ વિસ્તારી શકે છે. આજે આપણે જે થોડાં હાયકુઓ સાથે વાંચીએ છીએ, તેમાંનું સૌપ્રથમ જ જોઈએઃ ‘આ કૈં ખોરડાની, સૂરજની કે આંગણાની જ વાત નથીઃ જીવન એ નાના ખોરડા જેવું અસ્થાયી અને નાનકડા ફલકવાળું હોય છે પણ એમાં કોઈકનો પ્રવેશ થાય ત્યારે અચાનક આંગણું વિસ્તાર પામે છેઃ જીવનમાં માણસને કુટિર ભલે નાની મળી હોય પણ આંગણું વિશાળ રાખવાની આવડત એનામાં હોવી જોઈએ આમ તો હૃદય કેટલી નાની જગ્યા શરીરમાં રોકે છે, પણ એનું ઔદાર્ય અપાર છે!’
બીજા હાયકુમાં આપણા માથે રહેલી અહંકારની ટોપી આપણને ઓ ધરતી સાથે એકત્વ પામતાં કેવી રીતે અટકાવે છે, તેનો સરસ અણસાર અપાયો છે.
ત્રીજા હાયકુ પાસે આપણે થોડી વાર રોકાઈશું. ગાંધીજીના મૃત્યુ વિશે બહુ થોડી છતાં ધારદાર કવિતાઓ આપણે ત્યાં લખાઈ છે. હસમુખ પાઠકે દોઢ પંક્તિમાં જ જે લખ્યું છે, એની વેદના આપણા હૃદયમાં શાશ્વતકાળ માટે વસી જાય એવી છેઃ
‘આટલાં ફૂલો નીચે
ને આટલાં વરસો સુધી
ગાંધી કદી સૂતા ન’તા.’
અહીં આ હાયકુમાં પણ રાજઘાટ પર ચડાવાતા પુષ્પગુચ્છો વિશે કવિ કટાક્ષ કરે છે; જે ગાંધીજીએ ફૂલનો હાર પહેરવાની ના પાડી, અને સ્વીકારવાની ના પાડી, અને સૂતરનો હાર જ સ્વીકારવાનું કહ્યું હતું, એમની સમાધિ પર મોંઘા ફૂલોના ઢગ પર ઢગ ખડકાય છે. પણ આ ફૂલને પણ વસવસો થાય છે. જે લોકો ગાંધીજીની પૂજા કરવા માટે આ ફૂલો ચડાવવા આવે છે, તેમનામાં ગાંધીવાદની સૌરભ ક્યાંય દેખાય છે ખરી?
રાજઘાટ પર પુષ્પો ઝૂરી રહ્યાં છે. પુષ્પો ઝૂરે એ જ વેદનાની એક અસહ્ય ક્ષણ છે. અને સત્તર અક્ષરોમાં જ કવિએ આ ક્ષણને અસરકારક રીતે ઉપસાવી છે.
ચોથા હાયકુમાં એક સરસ ચિત્ર છેઃ આકાશને કોઈકે ઊંધા કટોરા સાથે સરખાવ્યું હતું. એનું પ્રતિબિમ્બ જળમાં પડે ત્યારે આપણા આ કવિને તે તરાપા જેવું લાગે છે — અને તારાઓ તે તરાપામાં બેસી જળવિહાર કરતા દેખાય છે.
પાને પાને ને ફૂલે ફૂલે ઊડતાં પતંગિયાંઓ માટે તો પ્રત્યેક પાન અને પ્રત્યેક પુષ્પ પર પર્ણકુટી જ રચાઈ જતી હોય છે ને!
ટાગોરે ફૂલને સ્થિર પતંગિયું કહ્યું હતું અને પતંગિયાને ઊડતું ફૂલ કહ્યું હતું, એ વાત અહીં યાદ આવે છે. આ કવિએ અહીં પતંગિયાની ચંચલ ગતિને સ્થિરતાનું પરિમાણ આપ્યું છે. પતંગિયાના રંગને ફૂલોના સાંનિધ્યમાં જે મહેક મળી છે, એ તો પ્રકૃતિની જ દેણગી છે.
(કવિ અને કવિતા)