ગ્રામ્ય માતા
કલાપી
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં!
આ પંક્તિઓથી કલાપીના ખંડકાવ્ય ‘ગ્રામ્ય માતા’નો ઉઘાડ થાય છે. ‘સુરખી’ શબ્દ ફારસી ‘સુર્ખ’માંથી આવ્યો છે અને એનો અર્થ થાય છે ‘લાલી’. માગશર અને પોષ મહિનાની — શિયાળાની — ઋતુ તે હેમન્ત. ગ્રીષ્મનો વઢકણો સૂરજ હેમન્તમાં મળતાવડો લાગે. સૂડાપોપટ મીઠાંમધુરાં ગીતો ગાઈને સૂરજનું સામૈયું કરે છે. મળસકાના મંગળ મુહૂર્ત માટે કવિએ પસંદ કર્યો છે ‘ઉત્સાહને પ્રેરતો’ શાર્દૂલવિક્રીડિત છંદ, જેમાં મંગળાષ્ટક ગવાતાં હોય છે.
‘ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી’ — આ સ્વચ્છ વાતાવરણમાં એકાએક ધૂળની ડમરી ચડી આવવાની છે.
મધુર સમય તેવે ખેતરે શેલડીના,
રમત કૃષિવલોનાં બાલ ન્હાનાં કરે છે.
શેલડીના ખેતરમાંથી પસાર થઈ થઈને સમય ‘મધુર’ બન્યો છે. આ કાવ્ય સંસ્કૃત વૃત્તોમાં રચાયું છે, (શાર્દૂલવિક્રીડિત, માલિની, અનુષ્ટુપ, વસંતતિલકા, મંદાક્રાન્તા અને ઉપજાતિ), અને તેની પદાવલિ પણ સુ–સંસ્કૃત છે. (કવિ પોપટને ‘શુક’, બાપને ‘તાત’ અને ખેડૂતને ‘કૃષિવલ’ કહે છે.)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે!
કવિની દૃષ્ટિ આદરયુક્ત છે. તેઓ કાવ્યનાયિકાને ‘ઘરડી સ્ત્રી’ નહીં પરંતુ ‘વૃદ્ધ માતા’ તરીકે ઓળખાવે છે. જોડજોડે તાપતાં માતા અને તાતને હૂંફ શું કેવળ સગડીની હશે?
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે.
સ્વચ્છ વાતાવરણ હવે ધૂળિયું બને છે. આગંતુકના પગ ધરતી પર નથી, એ તો ઘોડે ચડીને આવે છે.
ટોળે વળી મુખ વકાસી ઊભાં રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં!
બાળકો મોં વકાસી આગંતુકને જોઈ રહે છે. (‘વકાસી’ શબ્દ ‘વિકાસી’ પરથી આવ્યો છે.) તેમણે આ પહેલાં અશ્વને જોયો પણ હશે કે કેમ.
‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને’ બોલીને
અશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાઓ જુએ
યુવાન દેવા નહીં પણ લેવા આવ્યો છે. આવતાંવેંત જલની માગણી કરે છે. યજમાન એવાં છે કે પાણી માગો ત્યાં દૂધ હાજર કરે! માતા કહે છે, ભાઈ, શેલડીનો મીઠો રસ પિવડાવું. શેલડી પીલવાની જરૂર પડતી નથી. ‘છૂરી વતી જરીક કાતળી એક કાપી, ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા…’ યુવાને કહ્યું, હજી તરસ્યો છું, બીજું પ્યાલું ભરી દે.
કાપી કાપી ફરી ફરી અરે! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસ તણું કેમ હાવાં પડે ના?
‘શું કોપ્યો છે પ્રભુ મુજ પરે?’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં
આ શું થયું? શેલડી કાં સુકાઈ ગઈ? માતાની ક્રિયાઓનું વર્ણન ફરી વાંચીએ : ‘કાપી કાપી ફરી ફરી અરે!’ ‘વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં’ માતા વડે શેલડી કપાય છે? કે રાજા વડે પ્રજાનું શોષણ કરાય છે?
‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહીં તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.
કેમ ધરાનાં ધાવણ સુકાઈ ગયાં? રાજા દયાહીન થયો? અશ્વ ઉપર ચડીને આવેલો નર પોતે જ રાજા હતો. તે પસ્તાઈને બોલી ઊઠ્યો :
‘એ હું જ છું નૃપ, મને કર માફ, બાઈ!
એ હું જ છું નૃપ, મને કર માફ, ઈશ!’
રાજાના હૈયામાં કેવું વલોણું ફર્યું, કયા તર્કવિતર્કો પછી તેનું હૃદયપરિવર્તન થયું, એનું આલેખન કલાપી કરતા નથી. તેમને તો બસ વાચકને રસક્ષતિ ન થાય તેમ વેગપૂર્વક વાર્તા કહેવી છે. કથાકાવ્યની આ શક્તિ છે અને મર્યાદા પણ. રાજા કબૂલે છે : મિષ્ટ રસ પીતાં મેં વિચારેલું કે આવા માલેતુજારો પાસેથી વધુ કર કાં ન લેવો? પરંતુ બાઈ, તમારી પાસેથી મારે માત્ર આશીર્વાદ જોઈએ. માતા પ્યાલું ઉપાડીને ફરી શેલડી પાસે જાય છે, છૂરી વતી જરીક કાતળી કાપે છે.
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો! છલકાવી પ્યાલું!
રસધાર છૂટે છે, માતાના હૈયામાંથી મમતાની, અને રાજાના હૈયામાંથી દયાની. લાભશંકર પુરોહિતે ‘ગ્રામ્ય માતા’ના વસ્તુ સંદર્ભની લગભગ સમાંતરે ચાલતી વાર્તા ‘જહાંગીરનામા’માંથી ટાંકી છે. બપોરની ગરમીના સમયે કોઈ બાદશાહ બગીચાના દરવાજે આવ્યો. એણે વૃદ્ધ બાગવાનને પૂછ્યું, દાડમ છે? બાગવાને પોતાની સુંદર દીકરીને દાડમના રસનો પ્યાલો લાવવાનું કહ્યું. બાદશાહ પીને સંતુષ્ટ થયા. પછી એમણે બાગવાનને પૂછ્યું: બગીચામાંથી દર વર્ષે કેટલી કમાણી થાય છે? દીવાનને શું ચૂકવો છો? બાદશાહે કરવેરો વધારવાનો મનોમન નિશ્ચય કર્યો. પછી એમણે કહ્યું, દાડમનો થોડો રસ હજી લાવો. પાંચ-છ દાડમ નિચોવવા છતાં રસ ન મળ્યો. બાગવાને ચોખવટ કરી કે પેદાશની અધિકતાનો આધાર બાદશાહની સાફ દાનત પર હોય છે. શું આપ પોતે જ બાદશાહ છો? બાદશાહે તરત નિર્ણય કર્યો કે કરવેરો વધારવો નથી. ત્યાર પછી પ્યાલો દાડમના રસથી છલકાઈ ગયો. બાદશાહે બાગવાનની પ્રશંસા કરી અને તેની પુત્રી સાથે શાદી કરી.
કથાવસ્તુ મૌલિક હોય એ કાવ્ય માટે જરૂરી નથી, માવજત મૌલિક હોય એટલું પૂરતું છે. ઈ. સ. ૧૮૯૫માં રચાયેલું ‘ગ્રામ્ય માતા’ આપણી ભાષાનાં ઉત્તમ કાવ્યોમાંનું એક છે.
(આમંત્રણ)