ગૃહત્યાગને અનુસરતો કરુણ ગીત–રાગ! – રાધેશ્યામ શર્મા

કેશુભાઈ દેસાઈ

વળશો ક્યારે

તમે ગયા ને અમેય જઈશું

આ ગીત ‘મોટા ભાઈના ગૃહત્યાગની પહેલી વરસીએ’ રચાયું છે. ગીતને શોકગીત કહો, કરુણપ્રશસ્તિ (Elegy) કહો કે કરુણિકા કહો – બધું નિર્વાહ્ય છે.

નિર્ઝર જેવું સહજ વહન, કરુણરસનું જે રીતિવિધિથી ચયન કરી ગતિ ગ્રહે છે એ ‘વળશો ક્યારે’નો અલંકાર છે.

પ્રથમ કડીથી અંતિમ પંક્તિ પર્યંતની ભાવનયાત્રા ચઢતા ક્રમે સોપાનમાલાની પરાકાષ્ઠામાં પરિણમે છે.

સંરચનની, સ્ટ્રક્ચરિંગની પ્રક્રિયામાં સાદગી એવી ગૂંથાઈ છે કે પંક્તિઓ લઈ લઈ સમજૂતી આપવી અપ્રસ્તુત બને. ગૃહત્યાગ કરનાર મોટા મોભ સમા ભાઈની કથાને પેલો ડ્રામાનો સ્પર્શ એમ અડાડ્યા વગર કર્તાએ બિનઅંગત, છતાં આત્મીયતાથી હર્યુંભર્યું નેરેશન અંકે કર્યું છે.

ગુજરાતી ભાષાની તળપદ તાકાત ગીતની લગભગ પ્રત્યેક કડીઓમાં, અંતરામાં પ્રસરી વળેલી અનુભવાશે. (દા.ત. કૌંસમાં સંકલિત થયેલો શબ્દ ‘વરઝોળા’ – જે જોડણીકોશમાં ‘વરજોળા’ છે.)

‘વળશો ક્યારે’ શીર્ષકમાં આરતભરી આશા છે અને (અહીં) ‘કોણ રહ્યું છે કાયમ?’ ‘પરપોટા જેવું જીવન’, ‘ખૂટશે આ શ્વાસોની મૂડી’ જેવા ઉદ્ગારોમાં ગૃહત્યાગ ભેળા જીવનત્યાગ સમા ભાવિ મૃત્યુનો ઇશારો છે.

‘તરછોડ્યું વનરાવન’ના ઉલ્લેખથી કૃષ્ણ ગોકુળ-વૃંદાવન છોડી મથુરા-દ્વારકા ગમન કરી ગયાનો રિમોટ દૂરવર્તી અધ્યાસ છે.

‘ગામ બધું બહુ યાદ કરે છે – વળશો ક્યારે વાલમ એનો ત્રિગુણી રસી જેવો ત્રણ વાર ઉપયોગ, વ્યક્તિથી આગળ આખા ગામને ઊંડળમાં લીધાનો ઇતિહ–આસ છે! (‘વાલમ’ શબ્દ બ્રાહ્મણોની એક જાતિને પણ સંકેતે જે અહીં તો વ્હાલપનો પર્યાય છે.)

ઘર છોડ્યાથી વળે કશું ના’માં ટકોરાબંધ બોધ છે.

ગીત એક અકબંધ કમલ જેવું અવતર્યું છે, એની પાંખડીઓ તોડી તોડી રસદર્શન કરાવવું અનુચિત છે. તોય એક પસંદીદા અંતરો મરતો મૂકું:

આંબે ઝૂલતી સાખ સમા, કૈં હતા હજારી ગોટા,
આંખોના તોરણિયે ટહુકે નિત્ય નવા તવ ફોટા
(
ઉમરના ઓવારે પ્હોંચી તે શી વરઝોળા!)

હજારી ગોટાને ગીતકવિએ આંબાની સાખ સાથે સરખાવી ઘર તજીને જનાર માટેની અભિલાષાઓ વ્યક્ત કરી છે –

એ તો ખરું પરંતુ ‘આંખોના તોરણિયે’ નિત્ય નવા ફોટા ટહુકતા સુણાવવા એમાં સર્જકની – ઑડિયો વિઝુઅલ દૃશ્યશ્રાવ્ય ઇમેજરિનું પ્રદાન છે.

ત્યાર પછીના અંતરામાં ‘ખેતર–શેઢાની પાછળ આવતી પંક્તિમાં ‘મૂક્યા ટોડલા રેઢા’નો પ્રાસ વાસ્તવ સાથે પરાણે મેળ બેસાડવો પડે એવો આ પળે લાગે છે.

ગીતનો અંતિમ અંતરો સાવધાન! ચેતવણી સાથે વાત્સલ્યમૂર્તિની સ્મૃતિ ઝંકૃત કરતો યાદગાર નીવડ્યો છે:

ખૂટશે શ્વાસોની મૂડી, નહીં બચે ઘરવાડી
યાદ આવશે હરહંમેશાં, જ્યાં સાંભરશે માડી..

ડૉ. કેશુભાઈ દેસાઈ નોંધપાત્ર ગદ્યસર્જક નવલકથાકાર તો છે જ, પણ આ કરુણપ્રશસ્તિની પૂર્ણાહુતિ આસ્વાદતાં તેઓ એક સક્ષમ ગીતકવિ પણ છે, એની પ્રતીતિ સુજ્ઞોને થશે.

ઘર પાદરની માયા છોડી જનાર માડીજાયાએ
વિશ્વતણી વિશાળતાભાળી હોય કે ના હોય
પણ કરુણરસિત અનુજ કવિ જરૂર કહી
શકે: મેરી પાસ માઁ હૈ (સ્મૃતિસ્થિત!)

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book