ગળતું જામ છે વિશે – ચંદ્રકાન્ત શેઠ

મરીઝ

ગળતું જામ છે

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,

જેમની ગઝલિયતનો જાદુ અનુભવીને કેટલાકને `ગુજરાતના ગાલિબ’ તરીકે ઓળખાવવાનું મન થયું તે શાયર-કવિ તે આ આપણા `મરીઝ’. આંસુના કવિ કલાપી, તો આ દર્દે દિલના કવિ. વેદના ને નશો એમાં એકરૂપ થતાં લાગે! એમની ગઝલમાં `મરીઝ’પણું સ્થાયીભાવ રૂપે અનુભવાય છે! એમની ગઝલમાંથી `મરીઝ’ને બાદ કરી ન શકાય. એમની બધી ગઝલોમાં `મરીઝ’ની દૃઢ મુદ્રા અંકિત થયેલી વરતાય છે.

પ્રસ્તુત ગઝલ એમની અત્યંત લોકપ્રિય અને લોકોત્તર ગઝલોમાંની એક છે. એમાં માશૂક ને ખુદા પરસ્પરમાં સંમીલિત છે! કહો કે, એકાકાર છે. એક કાવ્યાત્મક સંદિગ્ધતાનો અનોખો પરિવેશ આ ગઝલમાં સાદ્યંત અનુભવાય છે. અહીં `અંજામ’ છે, `કામ છે’ જેવા કાફિયા-રદીફ (અંત્ય પ્રાસ ને ધ્રુવપદ)નું ઊડીને આંખે વળગે એવું વૈચિત્ર્ય નથી, પરંતુ હૃદયને વીંધીને વળગે એવી એમની ચોટ જરૂર છે. આ કવિની ગઝલમાં અનુભવના આધાર અને અંદાજના સંદર્ભમાં જ શબ્દ પ્રયોજાતો હોઈ, એનાં વજન ને વેધકતા સદ્ય પ્રતીત થાય છે. કવિની વાણીની નિખાલસતાને સચ્ચાઈ, આર્દ્રતાને ઊંચાઈ હૃદયને સદ્ય સ્પર્શે છે.

કવિ શરૂઆતના શૅરમાં(મત્લામાં) જે વાત કરે છે તે એમની આત્મલક્ષી સંવેદનાથી પ્રેરિત છે. તેઓ કહે છે મારી આજની જે હાલત છે તે તારી (પરમાત્માની કરેને પ્રિયતમાની) તમન્ના ન રખાઈ કે કારણે છે. અંતરમાં પ્રિય પાત્ર માટે જે તીવ્ર આરજૂ-અભીપ્સા જોઈએ તે ન હોય તો જે અસલમાં જ પ્રેમી છે તેની હાલત કેટલી અસહ્ય થઈ જાય! પ્રેમની-ભક્તિની તમન્ના વિનાનું જીવન તો એટલું બોજલ બની જાય કે તેનો બોજ ખેંચાય જ નહીં. એકલતાની વેદના વેઠાય, પણ એકલતામાં પ્રિય પાત્રની તમન્ના પણ ગુમાવી બેસાય તો એવી જિંદગી તો અસહ્ય જ થઈ જાય. એ જિંદગી સહ્ય બને, જિવાય એવી હિંમત-હોંશ એમાં આવે તે માટે પ્રિય પાત્રની-પરમાત્માની-પ્રિયતમાની આવશ્યકતા રહે જ. પરમાત્મા કે પ્રિયતમાની ઉપસ્થિતિની ખરેખરી જરૂર કવિને કેટલી ઉત્કટ છે તેનો અંદાજ મત્લાના શૅરમાંથી પામી શકાય છે.

માનવજીવન – પછી તે સ્નેહજીવન હોય કે અધ્યાત્મજીવન – એમાં ક્યારકે સ્ખલનના પ્રસંગો ન બને એવું નથી. જે ચાલે થે ચેને જ ક્યારેક ઠોકર ખાવાનો પ્રસંગ આવે છે. માનવજીવનમાં જે સ્ખલનોના અનુભવ થાય છે તેમાં પોતાની પ્રકૃતિથી માંડીને અન્ય અનેક પરિબળો કારણભૂત હોઈ શકે છે. જેમ ચંદ્રમાં કલંક હોય તેમ જીવનમાં સ્ખલનના ડાઘા પડેલા હોય પણ ખરા; પરંતુ તેથી જેમ ચંદ્રનો મહિમા ઘટતો નથી તેમાં જીવનનોયે મહિમા ઘટવો ન જોઈએ. પરંતુ વાસ્તવ-વ્યવહારમાં એવું બને છે ખરું કે કોઈ માણસના બેતરણ સ્ખલનો કે લાંછનના પ્રસંગોને કારણે લોકો તેને પૂરો બદનામ લેખે. એનું અન્યથા (એનાં સ્ખલનો બાદ કર્યા પછીનું) જીવન ઘણું સદ્ગુણ સંપન્ન ને સુંદર હોઈ શકે છે.

જિંદગીમાં જેમ વગોવાવું પડે એવી ક્ષણો આવે છે તેમ ફરી ફરીને વખાણની ગમે, જીવવી ગમે એવી સ્મરણીય-રમણીય ક્ષણોયે આવતી હોય છે. સ્નેહજીવનમાં તો એવી ક્ષણોનો મનહર ને મનહર અનુભવ કરવાના અવસરો આવતા હોય છે. કવિને એવી, ખુદાને પણ ગમી જાય એવી – કણે કે, ખુદાઈ ક્ષણોને ફરી ફરીને, મન ભરીને ઊજવવાની ને એ રીતે જીવવાની અભીપ્સા થાય એ સ્વાભાવિક છે. સાચા સ્નેહીને-ને સાચા સ્નેહી હોવાથી જ અધ્યાત્મવીર એવા કવિને એવી ક્ષણોની-એવા પ્રસંગોની ઝંખના રહે છે. તે ખુદા પાસે એવી સુખદ-પ્રસન્નકર, સ્નેહાંકિત ને સત્ત્વસભર ક્ષણોનો અનુભવ આપતી જિંદગીને ફરીથી જીવી લેવાની-માણવાની અપેક્ષા વ્યક્ત કરે છે. સ્નેહ-મિલનનો-સાયુજ્યાનંદનો જે અનુભવ ભૂતકાળમાં લીધો છે એ ફરીથી લઈને કવિને જીવનના અ-મૃતત્વનો સાક્ષાત્કાર કરવો છે. જિંદગીનું-સાર્થક જિંદગીનું એટલે સ્તો કામ છે એટલે – એ સ્તો કામ છે.

જિંદગી એટલે ઝુરાપો – શું સ્નેહીજનો માટે કે શું ભક્તજનો માટે. સ્નેહમય જિંદગીનો જ પર્યાય છે વેદના. આ વેદનાને જીરવી જાણે તે જ જીવનની ખરી મસ્તીનો મર્મ પ્રીછી-પામી શકે. કવિને પોતાની પ્રિયતમાનો ઝુરાપો અસહ્ય થતાં, સંભવ છે કે, મજબૂર થઈને તે મદ્યપાન આદિ દ્વારાકૃતક નશામાં પોતાને હડસેલી દેવાના ત્રાગડા કરે. એને આરામનું નામ તો ન જ અપાય; અને ધારો કે પ્રિયતમા જ સામેથી ઊઠીને આવી નશાગ્રસ્ત હાલતને આરામની અવસ્થામાં ઘટાવે તો કવિને ઠરવાપણું ક્યાંથી લાધે? દુનિયા ભલે ગેરસમજ કરે, પરંતુ પ્રિયતમાએ તો એ રીતે ગેરસમજ ન કરવી જોઈએ ને? કવિએ પ્રિયતમાને ચાહવાનો રાહ પસંદ કરીને જ જીવનભરની જામે બેચેની ચહીને પોતાના માટે વહોલી લીધી હોય એવી પરિસ્થિતિ છે – એવી ભૂમિકા છે. એમાં કરુણા ને ક્ષમા, સમભાવ ને સહાનુભૂતિ જોઈએ; ગેરસમજ કે અનર્થઘટન તો હરગિજ નહીં. કવિને સ્નેહજીવનમાં – અધ્યાત્મજીવનમાંયે ગેરસમજને ભોગ થવાના કેમ આઘાતજનક અનુભવો થાય છે તેનો અહીં સંકેત છે.

આમ તો પ્રિયતમા કે પરમાત્માનું નામ પરમ સુખદાયી ને રાહતકારક જ હોઈ શકે. સૌથી પ્યારું નામ હોય તો પ્રિયતમાનું જ હોય ને? કવિ પણ એમ માને છે. આમ છતાં પ્રિયતમા સાથેના સંબંધમાં કંઈક એવું ઘટ્યું છે કે એ નામ સાંબળતાં કવિનું દબાયેલું દુઃખ ઊભરી આવે છે. પ્રિયતમાનું નામ શાતા દેવાને બદલે હૃદયને દારુણ આઘાત કે વેદના પહોંચાડે છે. જીવનમાં જે સર્વથા સુખદ હોવું જોઈએ તે સર્વથા દુઃખદ બની રહે એવુંયે બને છે. કવિ પોતાના જીવનના – પ્રણય કે અધ્યાત્મજીવનના વાસ્તવિક અનુભવની એક વેદના ને વૈષમ્યભરી તાસીર અહીં પ્રગટ કરે છે. જે પ્રિય પાત્રનું નામ કવિના હૈયે છે તે નામ સાંભળતાં જ એમને ઊપડતી વ્યથાના મૂળમાં પ્રિયતમા સાથેનો કેવો અનુભવકારણભૂત હશે તેનું તો અનુમાન જ કરવાનું રહે છે.

કવિ પોતાની પ્રિયતમા સાથેના સંબંધનું સ્વરૂપ હવે વર્ણવે છે. પોતાનો પ્રિયતમા સાથેનો સંબંધ એમ જ થઈ ગયો લાગે છે. આમ તો કવિનો પોતાના વિશેનો ખ્યાલ ગણો ઉદાત્ત ને ઊંચો છે. તેમની સ્વમાન ને આત્મગૌરવની લાગણીએ ઉત્કટ જ હશે. આમ છતાં સ્નેહના સોદામાં તો તેઓ સમર્પણભાવથી જ પ્રવર્ત્યા હોવાનું અનુમાન છે. પરમાત્મા પણ તેમના સ્નેહસોદાના ગવાહ ખરા જ. કવિએ સ્હને ખાતર પોતાનું સર્વસ્વ જતું કર્યાની ભાવ-ભાવના અહીં અભિવ્યક્ત કરી છે. સ્નેહમાં આત્મગૌરવ ને આત્મસમર્પણ બંનેય સાથે ચાલતું હોઈ તેના સંબંધ-સોદાનું સ્વરીપ અનોખું ને અનન્ય હોવાનું આ શૅર પરથી આપણને સમજાય છે.

છેલ્લે `મરીઝ’ પોતે જ પોતાને સંબોધન કરીને, જિંદગીના રસને-સ્નેહરસને પીવામાં ઉતાવળ કરવાની હિમાયત કરે છે; એ હિમાયત કરવાનાં બે કારણ છે : એક તો મદિરા સમા જિંદગીના રસનું મર્યાદિત પ્રમાણ અને બીજું, ગળતા જામ જેવી મનુષ્યના પંડની અવસ્થા. આમ તો આપણી અધ્યાત્મ-પરંપરામાં કાયા કાચી માટેનો કુંભ હોવાની કહેવત છે. આ શાયર એ કુંભને માટીના ગળતા જામમાં પલટાવીને રહે છે! મનુષ્યની જિંદગી ક્ષણભંગુર હોઈને મનુષ્યે તેમાં જે જે સુંદર છે, પથ્ય છે તે સર્વનો ભરપૂર અનુભવ કરી લેવામાં સચેતના અને સ્ફૂર્તિ રાખવાનાં રહે છે. જેમ `धर्मस्य त्वरिता गतिः’ કહેવાય છે તેમ જિંદગીના રસને માણવા માટેની ગતિ પણ મનુષ્યે ત્વરિત રાખવી જોઈએ.

કવિને જિંદગીની રસરૂપતાનું સાહજિક ને ઊંડું આકર્ષણ છે. જિંદગીમાં વેદના છે, કટુતા છે; તો એમાં આનંદ અને મધુરતા પણ છે. જેવી છે તેવી જિંદગી મદિરા જેવી જ આસ્વાદ્ય છે. આ જિંદગીને માણતાં આવડે તો એમાંથી ઊંડીં મસ્તીનો અનુભવ કવિ કરી શકે છે. કવિને માટે તો સુખની જેમ જ દુઃખ, આનંદની જેમ વેદનાયે આસ્વાદ્યને તેથી સર્વથા આવકાર્ય છે. સ્નેહ અને અધ્યાત્મમાં તો જિંદગીની પળેપળનો રસકસ મહત્ત્વનો છે. કવિ તેથી શરીરની ક્ષણભંગુરતાની, પોતાની દેહગત-પાત્રગત મર્યાદાની પરવા કર્યા વિના જ જિંદીના અસલી રસરૂપને જ સીધું તાકમાં લે છે. એક જીવનરસિક ઝિંદાદિલ કવિ જ કાઢી શકે એવા આ શૅરના ઉદ્ગારમાં કવિ આત્મસંબોધનથી પોતાને રસાભિમુખ-જીવનાભિમુખ કરીને રસ-જીવનનો-જીવન-રસનો ઉત્તમ ભોગ કરી લેવાની – એ રીતે ત્વરિત આનંદયોગ સાધી લેવાની આર્જપૂર્વક હિમાયત કરે છે.

ગુજરાતી ગઝલપરંપરામાં આ ગઝલ તેના પથ્ય ને પ્રસન્નકર અભિગમે આજદિન સુધી અનેક કાવ્યરસિકોની પ્રીતિભાજન બની છે.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book