હોઠ મલકે તો
હરીન્દ્ર દવે
હોઠ મલકે તો મોટી મહેરબાની
‘કવિતા’ના હરીન્દ્ર વિશેષાંક માટે હરીન્દ્રભાઈ, તેમની સાહિત્ય-સિદ્ધિ કે તેમના કોઈ કાવ્ય વિશે લખવાનું સુરેશે કહ્યું ત્યારે તરત જ હરીન્દ્રભાઈના સતત મલકતા હોઠ અને તેમનું ‘હોઠ મલકે તો’ કાવ્ય યાદ આવી ગયું. તે કાવ્ય અને તે નિમિત્તે હરીન્દ્રભાઈના સાહિત્ય વિશે લખવાનું મન થઈ આવ્યું.
કૌમુદી મુનશીએ એક વાર હરીન્દ્રભાઈને અને સુરેશને એક ભોજપુરી ગીતનું મુખડું સંભળાવ્યુંઃ
જારી, રતિયાં! તોરા ચન્દા ફીકો લાગે
નીકો લાગે, હમારો સૈયા…
તેના પરથી હરીન્દ્રભાઈને ‘હોઠ મલકે તો’નો ઉપાડ મળેલો. આ વાત સુરેશ પાસેથી સાંભળેલી. પણ જોઈ શકાય છે કે હરીન્દ્રભાઈએ પોતાની આગવી રીતે એક જુદા જ ભાવને નાજુક નમણા ગીતમાં ઢાળી દીધો છે.
હરીન્દ્રભાઈની સાહિત્ય-પ્રતિભા બહુમુખી હતી. તેમણે નવલકથાઓ લખી, આસ્વાદો કરાવ્યા, ધર્મ-ચિંતન કર્યું. નિબંધો આપ્યા. સમ-સામયિક લેખો લખ્યા. ખૂબીની વાત એ છે કે આ બધા ગદ્ય-વ્યાપારને તેમણે કાવ્યનો સ્પર્શ આપ્યો. એટલે સુધી કે છાપામાંના તેમના અગ્રલેખ કે કટારમાં પણ કવિતાનો ‘ટચ’ જોવા મળે. સંવેદનશીલતા અને કવિનું ભાષાકર્મ જોવા મળે. કવિતા તેમની સ્વાભાવિક નિજી અભિવ્યક્તિ હતી.
હરીન્દ્રભાઈની કવિતામાં પણ ખાસ્સું વૈવિધ્ય જોવા મળે છે. તેમણે છંદોબદ્ધ રચનાઓ, સૉનેટ, અછાંદસ કૃતિઓ, સાંપ્રત પરિસ્થિતિ પરનાં સુદીર્ઘ કાવ્યો, ગઝલ અને ગીતો આપ્યાં છે. પણ તેમનાં ગદ્યમાં જેમ કવિતાનો સ્પર્શ છે તેમ તેમના બધા કાવ્યપ્રકારમાં ગીતનો સ્પર્શ છે. ઊર્મિગીતની ઋજુતા, આર્દ્રતા અને મુલાયમતા તેમની બધી કાવ્યપ્રવૃત્તિને વળગેલી છે. ગઝલમાં પણ આવેશ, છાક ને મસ્તીને સ્થાને તેઓ ગીતની નાજુકાઈ, નમ્ર સલૂકાઈ અને શરમાળપણું લઈને આવ્યા. ગુજરાતી ગઝલમાં એ પ્રવાહ પછી ચાલ્યો ને ફાલ્યો. મુદ્દાની વાત એ છે કે તેમના બધા જ કાવ્યસર્જનમાં ગીતનાં માર્દવ અને મીઠાશ ગુંજ્યાં કરે છે.
હરીન્દ્રભાઈની કાવ્ય-પ્રતિભાને ગીત સૌથી અનુકૂળ છે. એમની ગીતનો ઉપાડ એવો હોય છે કે અ-ગાયક પણ ગાવાનું મન કરી બેસે. ‘હોઠ મલકે તો’ એ આવા ગીતનું સુંદર ઉદાહરણ છે. ‘મલકે’, ‘મહેરબાની’, ‘સાજન’, ‘મીઠો’, ‘મુલક’ અને ‘દીઠો’ જેવા ગળચટ્ટા શબ્દો અને ગીતનો મુલાયમ લય આપણને ગાતો કરી મૂકે છે.
‘સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ’ આ પંક્તિ આપણને પ્રિયજન સાથે હાથમાં પરોવી ચાલવાના અનુભવમાં ગરકાવ કરી દે છે. પ્રિય વ્યક્તિના ખભે હાથ મૂકી તેના પર ઢળતા, અટકતા-અટકતા ચાલવાનો ઇન્દ્રિયબોધ થાય છે. પ્રેમનો આ રસ્તો અજાણ્યો તો છે, પણ જાણે સપનામાં કે રમણામાં કે ભ્રમણામાં જોયેલો ને જાણેલો છે એવો ભીતરભીતર અણસાર થયા કરે છે. આ રીતે આવા રસ્તે ચાલવાનું મૂકી મંજિલે પહોંચવાની કોને ઉતાવળ હોય? રસ્તો એ જ મંજિલ.
મીઠો, દીઠો, અજીઠો, મજીઠો, એકધારો, કિનારો, લાલી, ઝાલી આ બધા unusual અનુપ્રાસ છે. ચોખ્ખી બોલચાલ, તળપદી બાની અને ગઝલની ગુફ્તેગોનું સુભગ સંમિશ્રણ છે. બધા શબ્દો સહજ રીતે લયમાં વહી ચાલ્યા છે. કોઈ શબ્દ તાણીતૂસીને કે કૃતક રીતે લાવેલો જણાતો નથી, ‘અજીઠો’ કે ‘મજીઠો’ જેવા રૂક્ષ શબ્દો પણ કવિ-સ્પર્શથી મૃદુ બનીને ગોઠવાઈ ગયા છે. ક્યાંય અયાસ નથી, પ્રયાસ નથી, માત્ર સહજ પ્રવાસ છે.
ગીતનો છેલ્લો અંતરો ભાવાસક્ત sensualityમાં તરબોળ કરે છે. ઉજાગરાની લાલી આંજેલો પુરુષ લથડતી ચાલે લડખડતી પ્રકૃતિ અને તેનો હાથ ઝાલી લેતી ફુલ્લ-પ્રફુલ્લિત છોડ-ઝાડની શાખા-પ્રશાખા! મસ્તીમાં મહાલતી હવા લથડાય છે અને ફૂલોએ તેનો હાથ ઝાલવો પડે છે તેમાં કંઈક સાંકેતિક વાત સંભળાય છે. એ બધા વચ્ચે થઈ આપણે ગુંજતા, ગુંજતા, ગુંજતા ચાલ્યા જતા હોઈએ તેવો અનુભવ થાય છે. એ વાતાવરણમાં જ રહેવાનું મન થાય છે… ઝડપથી ચાલવાની કોઈ ઇચ્છા થતી નથી,
અરણ્યનું એકાન્ત વટાવ્યું શરૂ થઈ સ્મશાનની સીમા
બહુ દૂર નથી હવે જનપદ ચરણ ઉપાડો જરા ધીમા.
(ભમરો વાત વહે ગુંજનમાં)