ખાલી મ્યાન જેવું વિશે – રમણીક અગ્રાવત

અદમ ટંકારવી

ખાલી મ્યાન જેવું

સ્મરણ લીલું કપૂરી પાન જેવું

લીલાં કપૂરી પાન-ચર્વણ મુહૂર્તમાં આ ગઝલની શરૂઆત થઈ છે, લીલા કપૂરી પાનને અને સ્મરણને આમનેસામને કરવામાં આવ્યાં છે. રસિકજનોને જાણ છે કે ગલોફામાં પડ્યું પડ્યું આ લીલું કપૂરી પાન શો જાદૂ કરે છે. પૂરી શક્યતા છે કે એ જાદુમાં પાનમાં સામેલ કાથો, ચૂનો, સોપારી, અન્ય રમ્ય રમ્ય તેજાનાઓ આ સઘળાંનો હિસ્સો હોય જ, પણ કપૂરી એ કપૂરી! લીલા જીવંત રંગનું સ્મરણ કવિએ અહીં ઊપસાવ્યું છે. જીભને ધન્ય ધન્ય કરતા સ્વાદ સાથે અહીં ગંધનું પણ અલૌકિક સાયુજ્ય રચાયું છે. હવામાં ચોતરફ વ્યાપી જતા લોબાન ધૂપ જેવા કોઈ સ્મરણ-જ્યારે ત્યારે-અંદરબહારથી ભરપૂર કરી શકે. સ્મરણને આ બે પંક્તિના સંપુટમાં ઢબૂરીને કવિએ આપણને જાણે હાથોહાથ આપ્યું છે!

ગઝલનો ઉઘાડ સ્મરણથી થયો છે તો બીજા જ શેરમાં પળવારમાં ગતિનો અનુભવ કરાવતું કલ્પન આવી મળે છે. એક છોકરીનું હાસ્ય-કદાચ એ હાસ્યનું સ્મરણ કોઈ યાન બનીને ક્યાંથી ક્યાં લઈ જાય છે. જ્યાં છીએ ત્યાં રહેતાં નથી. એ પલક વારમાં દરિયાપાર પણ લઈ જઈ શકે. સાંભરણમાં સદાય રહેતાં કોઈ સ્મિતનો એ જાદુ છે. જો કોઈ હાસ્ય આપણને કોઈક ક્ષણમાં હંમેશા ઊભા રાખી શકે તો એ જ હાસ્ય વિમાનની જેમ ઉડાડીને દરિયાની આ કે પેલે પાર ફંગોળી મૂકે તે વાત પણ માનવી પડે.

ક્યારેક એવું પણ બને કે ઉઘાડી આંખે હજી તો દૃશ્ય જોતાં હોઈએ ત્યાં સામેથી એ દૃશ્ય જ ગાયબ થઈ જાય. એ દૃશ્યમાંથી ખસીને એ જ વખતે ક્યાંય અન્યત્ર હોઈએ એમ પણ બની શકે. કે જોવાનો ભાવ ઓગળીને દૃશ્યમાં એકાકાર થઈ જાય એવું પણ થાય. ભલે તેનું સહજ ધ્યાન જેવું ભારેખમ નામકરણ ન કરીએ પણ એ ક્ષણ પછીથી ભૂલવી અશક્ય હોય. એથી જ તો ‘આંખ ભૂલી ગઈ આંખપણું, મેં આંગળીઓથી પીધી’ જેવું કશીક તન્મયતાવશ ગાઈ ઊઠતો હશે કવિમાણસ. સહજ ધ્યાનથી તાળીમાં આવો રણકાર બજી ઊઠે તો કેમ કાને ન પડે?

કાવ્યના સૌંદર્યમાં આપણે આ સહજ ધ્યાન જેમ જ આવ્યા છીએ, તો કંઈ ના કહેવાનો સંભવ આપોઆપ ટળી જાય છે. પરંતુ ક્યારેક કોઈ આપણાં ઉપર ઉપકાર કરતું હોય એમ ઉપરછલ્લા ખબરઅંતર પૂછે કે એક સો એકાવન ચાંદલાનાં લખાવીને ચાલતી પકડવા જેવો વ્યવહાર કરે તો તેને આપણી સહજતા જ રંગે હાથ પકડી બતાવે. પછી ભલે એને જોયું ન જોયું કરીએ એ અલગ વાત છે. ખેરાત અને દાનના ભાષાકુળનાં સહઅસ્તિત્વને પણ માણો. દાનમાં કરાતાં હોય એવાં સ્મિત-વ્યવિહારો તો સમયમાં આપોઆપ પરખાઈ આવે.

આપણે ઘણું ઘણું ધારતાં હોઈએ છીએ. બધી જ ધારણાંઓ યથાતથ સાબિત થતી નથી. ધારણાંઓય ક્યારેક ઊંધે માથે પડે છે. સ્વપ્નમાં જે રેશમ કે મલમલ જેવું લાગ્યું હોય તે જાગીને જોતાં કંતાન જેવું સાવ બરછટ હોઈ શકે છે. સંભાવનાના તાણાવાણા ઉકેલતા એ રમતવાત તો નથી. સઘળી સંકુલતાનું ઉદ્ગમ બિન્દુ કદાચ આ છે.

અને આંખ ચોળીને જોઈએ છીએ તો શ્વાસની ખીંટીએ લટકતાં જીવનની સાવ સમીપે કવિએ આપણને ગોઠવી દીધાં છે. શ્વાસ નથી તો જીવન નથી. પણ જીવતર શ્વાસની ખીંટીએ લટકતાં કોઈ ખાલી મ્યાન જેવું છે એવી સભાનતા આવી જાય તો? જો આવી કશીક સભાનતામાં આપણો વસવાટ થયો હોય તો શ્વાસની ખીંટીએ લટકતી એ ખાલી મ્યાન જેવી હયાતીને સ્વીકારવાની ખેલદિલી આપણામાં વિકસી ચૂકી હોય જ. ખાલી મ્યાનમાંથી ગેરહાજર તાતી તલવારનો ખાલીપો પરખાવો તો જોઈએ. એ સ્વીકારમાંથી પેદા થતી નવી ઊર્જા  વળી અનેક સંભાવનાઓમાં દોરી જઈ શકે.

સરળ સમીકરણોની ભાતમાં ગઠવાયે જતા ગઝલના શેર કશોક કોયડો ઉકેલ્યાનો આનંદ જરૂર આપી શકે. પરંતુ કોઈ સળંગ ભાવની સપ્રાણતામાં વિહરતો સૌંદર્યબોધ કશાંક સ્ફુરણ જેમ સ્મરણમાં અનાયાસ રહી શકે. સૌંદર્યની એક નાનકડી ક્ષણમાં ચિરંતના સાબિત થઈ શકવાનું દૈવત હોય છે. ગલોફામાં પડી રહીને કશોક જાદૂ કરતા લીલાં કપૂરી પાન જેવી એ મધુસિક્ત તો હોય જ છે.

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book