રમણીક સોમેશ્વર
ખારવણ હીબકાં ભરે
ખારવણ હીબકાં ભરે છે ને દરિયાની છાતી મૂંઝાય છે
ઉમરગામથી કોટેશ્વર સુધીનો અઢારસો પચાસ કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતના સાહિત્યમાં દરિયો એના પૂરા રૂપમાં ખીલ્યો નથી. ગરજ્યો નથી. એ એક તરત આંખે ચડે એવી ઊણપ છે. નવલકથાકાર શ્રી ગુણવંતરાય આચાર્ય અને વાર્તાકાર શ્રી ‘સુકાની’ પ્રત્યે ક્ષમાયાચના સાથે આવું વિધન થઈ શકે. એમ તો રણનો સન્નાટો કે ઝંઝાવાત પણ શ્રી જયંત ખત્રીના અપવાદ સિવાય ક્યાં ખાસ ઝિલાયા છે? સુખના હીંચકાની હેઠ પગ મૂકવો ગુજરાતના ટાઢા કોઠાને ગમ્યું નથી કે શું? પોતાની જ પીઠ પર મીઠું પાયેલા ચાબખાનો કારમો ફટકો ઝીકતા દરિયાના એક વિદારક રૂપને શ્રી રમણીક સોમેશ્વર આપણી સામે ખડુ કરે છે, જાણે આ મ્હેણું ભાંગતા હોય તેમ!
કાચની ખાલી બોટલો, પ્લાસ્ટિકના કેન-કોથળીઓ, નાળિયેરની કાચલીઓ, કોહવાતો કચરો, અડધાં ઠોલાયેલાં પંખી કે પ્રાણીનાં દેહ, સવાર-સાંજની પગમાં બૂટ ને કાને ઈયરફોન સહિતની સુખલટાર, ખાટી આમલીના ચસકામાં ઝબોળેલી ભેળ કે ખારી શીંગનું પડીકું, ઊંટઘોડાની અમથી સવારી, સુકવણીના થૂથૂ હારડા ને ખારીઊસ હવાના સૂસવાટા આટલામાં વીટો વાળીને દરિયાને ખૂણે મેલી દીધો હોય તોય દરિયો તો બાકીનો બાકી જ રહી જાય…
દરિયો દરિયાદેવ છે. દરિયો કેટકેટલાની રોજીરોટી છે. કેટલાંય ઘરનાં ચૂલા દરિયાના મોજે પ્રગટે છે. કેટલીય દીકરાઓના પીળા હાથ આ દરીયોદાદો કરે છે. દરિયો એક લીલું ખેતર છે. બસ એને કાયમ લણ્યાં જ કરો, લણ્યાં જ કરો. એ આપ્યે રાખે. દિવસ અને રાત બારે માસ એ નકરું દે દે જ કરે છે. એ સુખ આપે છે તો દુઃખ પણ આપે છે. ક્યારેક ખેપ લઈને દરિયે ગયેલાઓમાંથી કેટલાંક પાછાં ફરે છે. કોઈ કોઈ કમનસીબો ક્યારેય પાછાં આવતાં નથી. એ દરિયાખેડુઓના, એ ખારવા-કોળી-મરજિવાના કુટુંબીઓ સદાય એમની રાહ જોયા કરે છે. આશાનો તંતુ છૂટતો નથી. આજ આવશે, કાલ આવશે કરતાં કરતાં વરસવરસો વીતે છે. દરિયાને તો બધાં પોતાના. પોતાના સંતાનોના દુઃખથી કયો પિતા અળગો રહી શકે? સમદરપેટો એવો શબ્દ તો જ સંભવ્યો હશે ને? પોતાનાં પેટાળમાં આવાં કેટકેટલાંય દુઃખોને સંઘરીને દરિયો મોજાંઓનું સંગીત રેલાવતો રહે છે, કેમ કે એ દરિયો છે. દરિયાનાં સુખદુઃખ કેવાં છે એ કોઈ દરિયાખેડુની નિરાંતમાં જઈને કાન ધરીએ તો ખબર પડે.
આ કાવ્યના ઉઘાડમાં એક ખારવણ દરિયાકાંઠે આવીને ઊભી રહી ગઈ છે. સવાર બપોર સાંજ રોજ આવતી હશે. પોતાનાં કામ પડતાં મૂકી વારે વારે એ દરિયે આવી ઊભી રહી જાય છે. રાતવરતેય (સપનાં તો ક્યાંથી હોય!) ઘડી ઘડી ખડકી ખખડવાનાં ઓસાણે જાગતી પડી રહેતી હશે. એને આવતી જોઈ દરિયા જેવો દરિયો ફફડી ઊઠે છે. એ તો બાપ છેને? બધું સમજે. ખારવણનો ધણી કેદિ’નો ગયો છે દરિયો ખેડવા. એના કંઈ વાવડ નથી. મોજાં પછાડતો દરિયોય અસહાય છે. સબ્બાક! અવાજ સંભળાયોને? દરિયાએ પોતાની પીઠ પર વેઠેલો એ ચાબૂકનો ફટકો છે. માત્ર એક ધ્વનિ ‘સબ્બાક’ આળખીને કવિએ આ કમાલ કરી છે. ખારવણના તો સાતેય દરિયા ઉઝડી ગયા છે. રોજ આવીને રોજ વીલા મોઢે પાછી ફરતી ખારવણને દરિયો કયે મોઢે દિલાસો દ્યે? સબ્બાક, સબ્બાક ચાબૂકો વેઠતો ફીણ ઓકતો દરિયો માથાં પછાડે છે. કદાચ તૂટેલી હોડી પાછી ફરે છે. કદાચ સાવ જાણીતું હલેસું તરતું તરતું એકલું વહી આવ્યું છે. દરિયો કેમ છૂપાવે? દરિયો કશુંય સંઘરતો નથી. બધું જ પાછું સોંપી જાય છે. એ અસહાય છે રોજ આવીને જીવ ખાતી આ ખારવણ સામે. આટઆટલો ખારોઉસ દરિયો ખારવણના ખારાં આંસુને સહી શકતો નથી. સાચા આંસુને તો દરિયો પણ ઓળખે.
દરિયાનું જો ચાલે તો સાતમે પાતાળેથીય લાવીને હાજરી કરી દે. પણ એ જે લાવશે એ જોઈને તો ખારવણ હબકી જશે, માછલીઓએ ઠોલી ખાધેલા દેહના અવશેષો કે કોહવાટથી બિલકુલ ફરી ગયેલા દીદારવાળી ને તોય ઓળખાઈ જાતી કશીક ચીજવસ્તુ. કશાયથી નહીં ડરતો દરિયો ખારવણથી થથરી ગયો છે. દરિયાની અંદરના દરિયાઓય સુકાવા લાગ્યા છે…
એક હીબકે ચઢેલી તંત નહીં મૂકતી ખારવણના હીબકે હીબકે દરિયાની છાતી કાંઈ મૂંઝાય છે, કાંઈ મૂંઝાય છે…
(સંગત)