સરોદ
ક્હાનાનું કામ
મારું જીવતર ધન્ય ધન્ય કીધું
આપણા એક ઉત્તમ કવિ મનુભાઈ ત્રિભુવનદાસ ત્રિવેદી (`સરોદ’, `ગાફિલ’)નું આ એક સરલ સુંદર અને મનોવેધી કાવ્યગીત છે. ગીતની બધી શરતો આ કાવ્યમાં સાંગોપાંગ ઊતરી જણાશે.
પ્રસ્તુત ગીતમાં આધાર લીધો છે કૃષ્ણનો ને વાત છે કૃષ્ણભક્ત ગોપિકાની – ગોપિકાના ધન્યતર જીવતરની. એક જીવતર તો ભગવાન શ્રીકૃષ્ણની જ દેણગી છે. શ્રી કૃષણની ઇચ્છા અનુસાર એ ચાલે એમાં જ એની સાર્થકતા છે – વસે કોઈ છે. શ્રીકૃષ્ણે જે જીવતર આપ્યું છે તે કોઈ ને કોઈ રીતે ઉચિત ઉપયોગમાં આવવું જોઈએ. જીવનમાં એકલા જવાનું ભલે કહેવામાં આવે, પણ એકલપેટા થઈને ખાવાનું તો નથી જ. કોઈને ખવડાવીને જ ખવાય, કોઈની તરસ છિપાવીને જ પોતાની તરસ છિપાવાય. કોઈને ઉપયોગી થઈને જ જીવનમાં કૃતકૃત્યતાનો ખરો આનંદ લઈ શકાય.
આ ગીતમાં પહેલી કડીમાં જ કયું કામ કૃષ્ણ ભગવાન તરફથી ચીંધવામાં આવ્યું તેની વાત છે. શ્રીકૃષ્ણે ગોપિકાને પોતાનું નહીં પણ પોતાને અત્યંત પ્રિય એવી ગાયનું કાર્ય કરવાનું કામ ચીંધ્યું છે. શ્રીકૃષ્ણ `ગોપાલ’ છે ગાયોના પાલણહાર હોવાથી. એમની પ્રિય ભૂમિ છે ગોકુળ – ગાયોની નગરી. ગોકુળમાં કરવા જેવું મહત્ત્વનું ને મોટું કામ તો ગાયોના સંવર્ધનનું – સમુચિત લાલનપાલનનું છે. આવું કામ કરાવવું એ `ગોપાલ’ નામધારી શ્રીકૃષ્ણનું કર્તવ્ય છે તો આવું કામ ચાહીને, ઉમંગથી બરોબર કરવું ને પાર પાડવું એ `ગોપિકા’ પદધારી કૃષ્ણભક્ત વ્રજનારીનો સ્વધર્મ છે. શ્રીકૃષ્ણ તો અંતર્યામી છે, ગોપિકાના હિતને હેતના પર સંવર્ધક છે તેથી તેઓ ગોપિકાને જ, એ કરી શકે એવું અને એની શક્તિ-ભક્તિને ઝેબ આપે એવું આ કલ્યાણકારી – પવિત્રમંગળ ગૌસેવાનું કામ સોંપે છે. ગાયને પાણી-પૂળો નીરવાં તથા એને સુરક્ષિત રીતે ને આનંદમાં રાખવી એ કામ એમણે ગોપિકાને ચીંધ્યું. કામ આમ તો ઘણું સાદું-સીધું કહેવાય. પણ એ જ કામ ઘણું ઉમદા ને ઉત્તમ હોવાનુંયે અહીં આપણને પ્રતીત થાય છે. શ્રીકૃષ્ણ ભગવાને ગોપિકાને ગૌસેવા સોંપી, એ કાર્ય દ્વારા જ પોતાને પ્રેમ કરવાની અનોખી – એક નવી જ ભૂમિકા પૂરી પાડી. ગાયોને ચાહ્યા વિના ગોપાલભક્ત કેવી રીતે થવાય અને રહેવાય? કૃષ્ણના થવું એટલે કૃષ્ણની ગાયોના થવું અને કૃષ્ણની ગાયોના થવું એટલે કૃષ્ણના થવું! શ્રીકૃષ્ણે તો ગૌસેવા દ્વારા જ ગોપિકાને સાચી ને સૂક્ષ્મ કૃષ્ણભક્તિની દીક્ષા દીધી જણાય છે!
આ શ્રીકૃષ્ણે જે ગૌસેવા ચીંધી તેમાંયે કોઈ પ્રશઅનો નહોતા એવું નથી. શ્રીકૃષ્ણે જે ગાયની સેવા ગોપિકાને સોંપી એગાય અડિયલ હતી, ઊભી હોય ત્યાંતી ચસેખસે નહીં એવી જિદ્દી હતી. વળી એ મારકણી હતી, એના પડખે આવનારને ઢીંકે ચડાવીને ફંગોળે એવી શિંગડાભારે પણ હતી ને છતાં શ્રીકૃષ્ણને તેનું મૂલ્ય-મહત્ત્વ હતું, તેના પ્રતિ એમનું સ્નેહ-વાત્સલ્ય હતું તેથી તેને વત્સાની જેમ ડચકારી-બુચકારીને તેને બોલાવતા હતા ને પેલી ગાય પણ શ્રીકૃષ્ણના સ્નેહના અવાજને ઓળખી લઈ, એમની આજ્ઞા-આમન્યામાં રહીને શાંત થઈ જતી હતી. સ્નેહ-વાત્સલ્યમાં કોઈ પણ જીવને શાંત-પ્રસન્ન કરવાની અદ્ભુત શક્તિ હોય છે. શ્રીકૃષ્ણના વહાલભર્યા અવાજને માન આપી, એમની પ્રેરી પેલી ગાય પણ ગોપિકાની સેવા સ્વીકારવા તૈયાર થાય છે; શ્રીકૃષ્ણની જ પ્રેરી પેલી ગાય, ગોપિકાનું કહ્યું કરવા માંડે છે અને ગોપિકાની સૂચના અનુસાર, એના માટેનું જ જે યોગ્ય સ્થાન – ગમાણ – ત્યાં હોંશે હોંશે દોડીને પહોંચી જાય છે.
શ્રીકૃષ્ણની જ પ્રેરણા-સત્તાને વશવર્તતી ગાય, ગમાણમાં જઈને ઊભી રહી જાય છે ખીલા આગળ. ખીલાનું દોરડું ફૂલની માળાની જેમ એ ડોક નમાવીને સ્વીકારી લે છે. (શ્રીકૃષ્ણ પ્રત્યેના સ્નેહનું જ બંધન જાણે!) શ્રીકૃષ્ણના પ્રતાપે જ ગાય ગોપિકા દ્વારા ખીલે બંધાઈને રહે છે. તે ગોપિકાનું નીર્યું નીરણ ખાઈ લે છે; તે ગોપિકાનું પાયું પાણી હોંશથી પી લે છે; તે કોઈ રીતે ગોપિકા પ્રત્યે અવિનય કે દુર્વ્યવહરાર દાખવતી નથી; ઊલટું ગોપિકા દીધું – દાણખાણ ને પાણી પીધા પછી, સામે ચાલીને ગાય જ પોતાનું સત્ત્વહીર – પોતાનું દૂધ ગોપિકા માટે સુલભ કરી દે છે! ગાયને પોતાનું દૂધ ગોપિકાના કે ગોપિકા દ્વારા શ્રીકૃષ્ણના કામમાં આવે તો તેથી સાર્થકતા ને ધન્યતા લાગે એવી અહીં ભાવભૂમિકા બંધાયેલી પામી શકાય છે.
શ્રીકૃષ્ણની પ્રેરણાનો – એમનાં માર્ગદર્શન ને મદદનો લાભ જો ગાયને સાંપડ્યો છે તો ગોપિકાનેય ક્યાં ઓછો સાંપડ્યો છે? ગોપિકા પણ ગૌસેવા કરતા સ્વાભાવિક રીતે જ શ્રીકૃષ્ણસેવામાં લીન-તલ્લીન થઈ જાય છે. ગૌસેવાનો આનંદ ગાયનું દૂધ પામ્યાનો જ નહીં, જીવનનું પથ્યકર ને પ્રસન્નકર સત્ત્વામૃત પામ્યાનો આનંદ છે. એ આનંદ ગાય દ્વારા અને ગાયના નિમિત્તથી શ્રીકૃષ્ણ દ્વારા સાંપડેલા પ્રેમામૃતરૂપ છે. ગૌસેવા કરતાં, શ્રીકૃષ્ણનું પ્રેર્યું-ચીંધ્યું કામ તનમનથી ઉત્તમ રીતે સિદ્ધ કરતાં જ ગોપિકા શ્રીકૃષ્ણની પ્રસન્નતાનું વરિષ્ઠ વરદાન પામીને રહે છે. ભગવાન શ્રીકૃષ્ણનું જ ઇચ્છ્યું – બતાવ્યું કામ પોતાના થકી થઈ શક્યું એનો સાત્ત્વિક ભાવાનંદ જ ભારે છે. આ આનંદ-અમૃતના પાને ગોપિકાને તો ગાયની ગમાણ જ શ્રીકૃષ્ણની જ સ્નેહાળ સંનિધિનો સતત અનુભવ કરાવતી રહ્યાનું વરતાય છે.
કવિએ આ ગીતમાં `ક્હાનાએ મને કામ ચીંધ્યું’ એ ધ્રુવપંક્તિનું સ્મરણ-રટણ પ્રત્યેક કડીમાં કર્યું છે; તેથી કાવ્યના કેન્દ્રસ્થ ભાવને ઘૂંટામણ દ્વારા ભારે પ્રભાવ-બળ મળ્યનું લાગે છે. ગોપિકા તો ગાયની સેવા કરવાની ક્ષણેક્ષણને જ સમર્પણભાવે પ્રેમ કરવાની અનોખી ને અમોકી તક રૂપે માણતી – પ્રમાણતી હોવાનું જણાય છે. શ્રીકૃષ્ણ માટે તો ગાય ને ગોપિકા પોતાની સ્નેહલીલાનાં બે મજબૂત આલંબનો હોવાનું સમજાય છે. કવિએ સરલ-સહજ-સાદી-સીધી રજૂઆતરીતિ દ્વારા ગોપિકાના હૃદયઉછાળને કડી કડીએ જે રીતે રજૂ કર્યો છે તેનો આનંદ અનિર્વચનીય છે.
`સરોદ’માં રહેલા સાંઈનો ભાવ-સાક્ષાત્કાર આ ગીતના ઢાળામાં સાદ્યંત કામ કરી ગયાની પ્રસન્નકર લાગણી આપણને થાય છે. વળી આ સાદીસીધી ઘરાળુ અનુભવની રજૂઆતમાં આધ્યાત્મિકતાની ગહરાઈ ને સચ્ચાઈ અછતી રહેતી નથી. અહીં ગાયમાં ઇન્દ્રિયોનો, અને ગોપિકામાં કૃષ્ણાર્થી જીવનો સંકેત લેતાં આ કાવ્યના મર્મનાં વધારે ઊંડાણો આપણી પ્રત્યક્ષ ઊઘડતાં હોવાનો આહ્લાદક ભાવ થાય છે.
આપણું પ્રત્યેક કામ – આપણું રોજબરોજનું દરેક નાનુંમોટું કામ શ્રીકૃષ્ણ ભગવાનનું ચીંધેલું-સોંપેલું કામ છે એમ માનીને જો ચાલીએ અને એને સર્વથા ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ તો કેવી મોટી ભગવત્સેવા સિદ્ધ થઈ શકે એનો અંદાજ કાઢવો જોઈએ. આ ધરતીની ધેનુને દોહતાં પહેલાં એની જે કંઈ પરવરિશ – જે કંઈ ખાતરબરદાસ્ત કરવી જોઈએ તે આપણે કરીએ છીએ ખરા? જે શ્રીકૃષ્ણે આપણને મોટા ઉપાડે આ ધરતી પર મોકલ્યા તેનું ઇષ્ટ કામ આપણા થકી, વિના ચૂક, નિરંતર થાય છે ખરું? પ્રસ્તુત ગીત એ દિશામાં આપણને મીઠી રીતે સજાગ-સંચારિત કરવામાં ખૂબ જ પ્રેરક બનતું જણાય છે.
(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)