દયારામ
કોને કહીએ?
કાળજ કોર્યું તે કોને કહીએ રે
કાનુડો પણ ગજબનો છે! મુગ્ધ ગોપીજનના હૃદયની પ્રીતિને પાંગરાવીને એ મથુરા જઈને બેસી ગયો છે, ને નથી મોકલતો ખત કે નથી મોકલતો ખબર. માત્ર મોકલ્યા છે ઉદ્ધવને, તત્ત્વજ્ઞાનની બે વાત કરીને ગોપીઓના મનનું સમાધાન કરવાને.
વ્રજની વનિતાઓ અહીં વિરહથી સોરાય છે. ઉદ્ધવનું તત્ત્વનું ટૂંપણું એમને ગણે ઊતરતું નથી. ક્યાંથી ઊતરે? એમને જોઈએ છે એમનો હૃદયવલ્લભ, કામણગારો કાનુડો; ને ઉદ્ધવ બેઠા બેઠા વાતો કર્યા કરે છે શાનની ને વિજ્ઞાનની! ગોપીઓનું આકૂળ થઈ ગયું છે હૃદય ને ઉદ્ધવ મથે છે સંતોષવાને એમની બુદ્ધિને!
કાનુડાએ કેવી દશા કરી નાખી છે ગોપીના હૃદયની? એ બની ગયો છે પ્રાણવલ્લભ ને ભરાઈ બેઠો છે ગોપવનિતાના હૃદયમાં, અત્ર, તત્ર ને સર્વત્ર. ગોપવનિતાઓની સ્થિતિ થઈ ગઈ છે ન કહેવાય કે ન સહેવાય તેવી. એમની ભૂખતરસ ઊડી ગઈ છે, નીંદર નાસી ગઈ છે, જીવ બેબાકળો થઈ ગયો છે ને ચિત્ત કોઈ પણ વસ્તુમાં ઘડી પણ ચોંટતું નથી. કરવું શું તે તેમને સમજાતું નથી ને રાત કે દિવસ જોયા વિના એ ભમ્યા જ કરે છે બહાવરી બનીને.
ગોપીઓની અકળામણનો પાર નથી. એ એવી કાચીપોચી નથી કે કોઈ એને હેરાન કરે તો મોંમાં જીભ રાખીને બેસી રહે. આમ તો એ ભલભલાના દાંત ખાટા કરી નાખે એવી છે. પણ અહીં શું કરી શકે? જેને પોતે પ્રાણપ્રિય—ના, પ્રાણથી પણ અધિક—ગણ્યો એ ઊઠીને આમ સાત સાત પેઢીનો વેરી પણ ન કરે એવી દશા કરી મૂકે ત્યારે એને શું કહેવાય? પોતે જેને પોતાની નિર્મળ ને નિર્બંધ પ્રીતિનું અધિષ્ઠાન બનાવ્યો તે જ જો આમ સોડનો ઘા મારતો હોય તો તેની ફરિયાદ પણ કરવી કોની પાસે? ને સૌથી વિશેષ અસહ્ય તો એ છે કે પોતે ચતુર હોવા છતાં થાપ ખાઈ ગઈ ને તે પણ એક નાનકડા છોકરાને હાશે! આ અબુધ ને ભોળોભટાક લાગતો છૈયો એમની જેવા ડહાપણના ભંડારને બનાવી ગયો એ કંઈ ઓછી ભોંઠપની વાત છે? આ વાત કોઈને કહેવા જાય તો શોભે એવી છે?
ગોપીઓના જીવનની કરુણતા તો એ છે કે નથી તેમનાથી કૃષ્ણ કરી નાખી છે તે દશા જિરવાતી; ને તેમની આ દશા કરનાર કાનુડાની રઢ છોડી શકાતી.
આમ, આ કાવ્યમાં ગોપીઓની લાચારી ને ભોંઠપની ઓથે પણ આલેખન તો ગોપીઓના દુર્દમ પ્રીતિભાવનું જ થયું છે.
(આપણાં ઊર્મિ-કાવ્યો)