‘કોઈ માધવ લ્યો’ – હરીન્દ્ર દવે

મકરન્દ દવે

ગમતાંનો કરીએ ગુલાલ

ગમતું મળે તો અલ્યા, ગુંજે ભરીએ

સંગીતના કોઈ પણ સ્વરને છુટ્ટો માણી શકાતો નથી. બીજા સ્વરોના સંદર્ભમાં જ તેનો આસ્વાદ લઈ શકાય છે. કવિતાના શબ્દનું પણ આવું છે. એકલો શબ્દ કેવળ શબ્દકોષનો અર્થ આપે છે. અને આ અર્થછાયાઓ તો પેઢીએ પેઢીએ બદલાતી રહે છે. એટલે શબ્દ પણ પેઢીએ પેઢીએ મૃત્યુ પામી નવજન્મ ધારણ કરે છે. પરંતુ કવિતાનો શબ્દ અમરત્વ પામે છે—એના પર પ્રતિમાની સંજીવની છંટાતી હોય છે.

મકરન્દની કવિતામાં ‘ગુલાલ’ શબ્દ વપરાયો છે. જોડણીકોશની નવી આવૃત્તિના પૃ. ૨૬૩ પર એનો અર્થ અપાયો છેઃ ‘એક રાતા રંગનો સહેજ સુગંધીદાર ભૂકો.’ પણ ‘ગમતાનો કરીએ ગુલાલ’ એ કાવ્યપંક્તિ સમજવામાં કોશનો અર્થ કામે નહિ લાગે. ગમતી વસ્તુનો પરિગ્રહ કરીએ એટલે એનું દૈવત નાશ પામે છે. ફૂલ હવામાં ઝૂલતું હોય ત્યાં સુધી જ સૌરભ પ્રસારી શકે. તમે એને મુઠ્ઠીમાં બંધ કરી દો એટલે એની સૌરભ બીજાને મળતી બંધ થઈ જાય છે; એટલું જ નહિ, તમને પણ મળતી નથી.

અહીં કવિ એ જ કહે છે; ગમતી વસ્તુનો પરિગ્રહ ન કરો—એને છૂટે હાથે વહેંચો, વેરો, ઉપનિષદના કવિએ પણ આ જ કહ્યું હતું—‘तेन त्यक्तेन भूंजिथा’ ત્યાગ કરીને ભોગવો.’

પ્રકૃતિએ મુક્તિ આપી છે; આપણે સીમાડાઓ બાંધ્યા છે; રાજ્યોના, દેશોના. પણ માનવીએ બાંધેલા સીમાડાઓને અતિક્રમી જાય એવી અનુભૂતિઓ હોય છે. ઉદાહરણ તરીકે પ્રેમ. તમે વેરના સીમાડાઓ બાંધી શકો, પ્રેમના નહિ. પ્રેમ તો સમુદ્ર છે. મોતીઓની માળા સાંકળી શકાય પણ સમુદ્રના એક પછી એક ઘૂઘવતા જીવંત તરંગોને કોણ સાંકળી શકે? નાનું ખાબોચિયું હોય તો પાળ બાંધીને ‘આ પ્રદેશ મારો’ એમ તમે કહી શકોઃ પણ પ્રેમ તો વરસાદ જેવો છે. ભાષાના કે સીમાના ઝગડા થાય છે. વરસાદનો ઝગડો ક્યાંય સાંભળ્યો છે? ‘આટલો વરસાદ મારો’ એમ કોઈ નથી કહેતું: વરસાદ તો જે કોઈ ઝીલે તે સૌનો હોય છે.

વહેલી કે મોડી, પ્રત્યેક માણસને એક પસંદગી કરવાની આવે છે, ક્ષણે ક્ષણે સરી જતી જિંદગી એ મૃત્યુ જ છે. તમારે મૃત્યુના ઓછાયા હેઠળ જિવાતું જીવન જોઈએ છે કે એક સર્જકે કહ્યું હતું એવું ‘મૃત્યુ જેની સેવામાં’ રહે એવું જીવન? ફૂલને ફોરમતું રાખી એની સૌરભ માણવી અને માણવા દેવી છે કે પછી ફૂલને મુઠ્ઠીમાં બંધ કરી દેવું છે?

કમનસીબે આપણે મોટા ભાગના લોકો બીજો વિકલ્પ પસંદ કરીએ છીએ; પણ થોડાક વિરલાઓ ઝાઝેરી જાળવેલી આસક્તિઓને તજી દઈ શકે છે—વ્રજનારી, માધવને હૃદયથી વરી ચૂકેલી, માધવ વિના ક્ષણ પણ ન રહી શકે એવી વ્રજનારી ‘કોઈ માધવ લ્યો’ કહી કૃષ્ણને વેચવા નીકળે છે ત્યાંરે જ કૃષ્ણ એને મળે છે.

ગમતાનો ગુલાલ કરો તો એ ગુલાલ બીજાને રંગશે, તમને પણ રંગશે. ગુંજામાં ભરશો તો માત્ર ખિસ્સું જ બગડશે, કોઈને કશું નહિ મળે.

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book