રાજઘાટ પર
હસમુખ પાઠક
આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
કેટલાંક અત્યંત ટૂંકા કાવ્યો પ્રલંબ ચોટ મૂકી જાય છે; જ્યારે કેટલાંય દીર્ઘ કાવ્યો ઘણી વાર લઘુક ચોટ જ મૂકી જતાં હોય છે. અહીં આ દોઢ લીટીના કાવ્યમાં ‘આધુનિક ક્રિયાકાંડ’માં સરી પડેલી આપણી પ્રજાને એવો સજ્જડ ચાબખો છે કે આપણે પછેડી ખંખેરીને ઊભા જ થઈ જવું પડે. (આંખ લૂછવી પડે એવી સંવેદનશીલતા રહી છે જ ક્યાં?)
ગાંધીજીને અંજલિ આપતાં ઉમાશંકરે કહ્યું: ‘જન્મસ્થાન તમારું તે ન કોઈ નગરે, ગૃહે, મૃદુ માનવહૈયું તે જન્મસ્થાન તમારું છે.’ સુન્દરમ્ ગાંધીજીને ‘પ્રકટ ધરતીનાં રુદન શા’ કહે છે. બાલમુકન્દ તેમને માટે ‘રુધિરે રંગાયો હરિનો હંસલો’ કહે છે. ગાંધીજીનું જન્મસ્થાન સ્થૂળ રીતે ભલે પોરબંદર હોય પણ સૂક્ષ્મ રીતે તેમનું જન્મસ્થાન માનવહૈયાની મૃદુતામાં જ છે. ગાંધીજીનું જીવન તો આકારાતી માનવતામાં હોય, હિંસા અને અન્યાય જ્યાં પ્રતિકારાતાં હોય એવા કર્મયજ્ઞમાં હોય. દેહમાંથી ખસી ગયા પછી એમનો ‘દેહ’ કદાચ સમાધિ તળે હોય પણ ખરેખરો ગાંધી ખરેખર ત્યાં હોઈ શકે?
કેટલાક રાજકીય વ્યવહારો અર્થશૂન્ય બને છે. રાજઘાટ પર દેશી-પરદેશી રાજપુરુષો કૅલેન્ડરના ઇશારે ફૂલો મૂકે છે. પરંતુ જેણે ઈશુની જેમ આજીવન કાંટાળો તાજ પહેર્યો, ટાગોરના રેશમી બગીચામાં પણ જે ગાંધી ખાદીનો જ રહ્યો, તે ફૂલો નીચે તો દટાઈ જાય, કરમાઈ જાય. આપણે જ્યારે ફૂલ મૂકીએ છીએ ત્યારે મહત્ત્વ ફૂલનું કે ગાંધીનું નહીં, પણ મહત્ત્વ આપણી કાર્યદક્ષતાનું જ હોય છે! ફૂલોથી આપણે આપણો અહમ્ પ્રગટ કરીએ છીએ ‘હું’કાર વિનાના ગાંધી પાસે! જે પ્રત્યેક પળે જાગતો રહ્યો છે, જેણે સૂતેલાંને જગાડ્યાં છે. એવા યુગપુરુષને આપણે ફૂલો ઓઢાડી, ફૂલોમાં પોઢાડી, ઊંડે ઊંડે ઢબૂરી દઈએ છીએ; (અને ત્યાં જ રહે એવું ઊંડે ઊંડે ઇચ્છીએ છીએ?) આટલી બધી વખત ગાંધી તે સૂતો રહેતો હશે?
‘આદર્શનો અપભ્રંશ જ્યાં છે આરસ’ એવા જમાનામાં આ રાજઘાટને આપણે સત્યાગ્રહના કબ્રસ્તાનમાં ફેરવી નાખીએ છીએ એનું સચોટ સ્મરણ આ દોઢ પંક્તિ કરાવે છે.
હસમુખ પાઠકની કવિતા માર્મિક અને ક્યારેક તીખી વાણીમાં પ્રતીકો દ્વારા વાત કરી જાય છે. એમનું નાનકડું કાવ્ય ગાંધીજીના જીવન જેવું જ સીધું ને સોંસરવું છે!
૩૦-૧-’૭૭
(એકાંતની સભા)