પ્રકૃતિલીલા
નર્મદ
મૈત્રી માટે કુદરતતણી, લેણાદેણી મારે ઘણી;
‘ક્યાં તુજ જોસ્સો, કેફ; ક્યાં આ જંતુ માણહાં
માથા પરની રેફ નર્મદ; સ્હેજ ખસી ગઈ.’
નર્મદને બદલે ‘નમર્દ’ જ આજે બધે દેખાય છે. રેફ ‘સ્હેજ’ ખસી ગઈ એમ કહીને નિરંજન ભગત આ જમાનાનું કેટલું બધું ‘ખસી ગયું છે’ એનો નિર્દેશ કરે છે; પણ સાચી અંજલિ તો નર્મદની ખુમારીને, એના જોસ્સા અને કેફને જ આપે છે. ૧૯૭૭ના આજના જમાનામાં પણ હજી સુધી શ્રમજીવીનો કે કલમજીવીનો સાચો આદર આપણે કરી શકતા નથી ત્યારે લગભગ સો કરતાં પણ વધારે વર્ષો પહેલાં ‘ના હઠવું’નો આ આગ્રહી સ્વમાની ‘વીર’ કલમને કહે છે ‘હવે તારે ખોળે છઉં…’ અને નોકરીને ઠેબે મારીને પોતે પોતાની કલમના જોરે જ જીવે છે, ઝઝૂમે છે.
‘ખુવારીના ડર વિનાની ખુમારીથી નર્મદ એક કવિને છાજે એવા સ્વમાનથી જીવી ગયો…’ એટલું જ માત્ર નહીં; ‘નર્મદ એ અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતરકાળનો પર્યાય બની રહે છે.’ (સુરેશ દલાલ). ઉમાશંકર જોશી નર્મદને કહે છે: ‘પ્રજાકર મહીં સુધા નહિ તું અગ્નિપ્યાલો હતો.’
પશ્ચિમની કવિતાના સીધા સંપર્કમાં આવવાનું તેને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. પરંતુ એ સદ્ભાગ્યમાં એણે સમગ્ર ગુજરાતને, ગુજરાતની પ્રજાને સહભાગી બનાવ્યાં અને ગુજરાતી સાહિત્યને માટે નવી દિશાઓ તે ખોલી આપે છે. ‘કુદરત મારી છે માશૂક’ કહેનાર નર્મદ શુદ્ધ પ્રકૃતિવર્ણનની કવિતા ગુજરાતને આપનાર સૌપ્રથમ કવિ છે. પ્રકૃતિથી પ્રભાવિત થવું એ કોઈ પણ ભાષાના, કોઈ પણ કાળના કવિમાત્રની પ્રકૃતિ રહી છે.
પ્રારંભમાં આપણો કવિ ગોપીભાવે પરમાત્માને ભજતો. નવા યુગનો આ કવિ પ્રકૃતિને ‘માશૂક’ તરીકે — પ્રિયતમા તરીકે — જુએ છે. વિષય અને રીતિની દૃષ્ટિએ તો ખરું જ, પણ ભાષાની દૃષ્ટિએ સુધ્ધાં નર્મદ કવિતાનું કલેવર બદલવા મથે છે. નર્મદ એટલે જ જોસ્સો, સાહસ, નવા — કવિતાપ્રદેશમાં નવા — શબ્દો વાપરતાં નર્મદ આભડછેટ કે છોછ અનુભવતો નથી. અહીં જો એ ફારસીનો પ્રચલિત શબ્દ ‘માશૂક’ વાપરે છે તો એટલી જ સાહજિકતાથી અન્યત્ર એ તળપદી ભાષાનો ‘સંધાં’ શબ્દ વાપરે છે: ‘ત્યારે રે ત્યારે ઉપાય સૂઝે ને, સ્હેજે સીઝશે સંધાં કાજ.’
મનુષ્યો સાથેના સંસ્પર્શથી સુખ મળે છે; છતાં એ સુખ અ-પૂર્ણ હોય છે. પરંતુ પ્રકૃતિ સાથે મૈત્રી બાંધીને ‘પૂરું’ સુખ પામી શકાય છે. જે વસ્તુ મીરાં એના ગિરિધર માટે કહે છે – ‘જીવનદોર તુમ્હી સંગ બાંધા’ – એ વસ્તુ અહીં નર્મદ કુદરતને માટે કહે છે: ‘લેણાદેણી’માં ઋણાનુબંધની વાત છે. અંગ્રેજીમાં જેમ કહેવાયું છે કે ‘બે વ્યક્તિઓનાં લગ્નનું સંધાણ કદાચ સ્વર્ગમાં થતું હશે; પણ એ લગ્નનું ભંગાણ તો અહીં પૃથ્વી પર જ સર્જાય છે’ એમ મૈત્રી માટે પણ સાચું છે. એકાદ સાચો મિત્ર પણ આ જીવનસફરમાં મળે તોપણ ‘બડી મુશ્કેલ સે મિલતા હૈ’.
આમ તો, ‘ગભરાય’ તો નર્મદ શાનો? પણ દુનિયાથી, દુનિયાદારીથી દાઝેલો આ કવિ એના કટુ અનુભવોના સંદર્ભમાં કહે છે: માણસોના નાનામોટા, સાચા-ખોટા સ્વાર્થોની ભીડમાં ‘પ્રેમ-પદારથ’ જેવું ક્યાં છે? એ આત્મવિડંબના કે પર-પંચમાં પડવાને બદલે કુદરત મને એકાંતની કુંજગલીમાં લઈ જાય છે. કુદરતના સાન્નિધ્યની તો વાત જ શી? પણ કુદરતનો વિચાર સુધ્ધાં આવે છે ને દુઃખ વીસરાઈ જાય છે. દુઃખ ઝાકળની જેમ ઊડી જાય છે અને સુખ, સંતોષ મોતીની જેમ વિલસી રહે છે. કુદરતની ‘લીલા પીતાં નથી રે ધરાતો’ આ કવિ. વિશ્વનાથ ભટ્ટ નર્મદનાં પ્રકૃતિકાવ્યોની ત્રણ વિશિષ્ટતા દર્શાવે છે: મુગ્ધ રસવૃત્તિ, ઉત્કટ રાગવૃત્તિ અને નિર્વ્યાજ સરળતા. ‘નર્મદના પ્રકૃતિપ્રેમ પાછળ સ્વભાવે તેમ સંસ્કાર ઉભયનું બળ હતું’ એમ કહીને તેઓ કહે છે કે નર્મદ ‘ગુજરાતનો આદ્ય પ્રકૃતિગાયક બની ગયો.’
નર્મદમાં રાગાનુરાગ અને જોસ્સો જેટલા છે એટલી હદે કદાચ કવિતાનું તત્ત્વ આપણને આજે ન પણ લાગે છતાં નર્મદની (કે કોઈ પણ પુરોગામીની) નિંદા કરવા આતુર થતા પહેલાં આપણે વિચારવું રહ્યું કે ઊંચી, કેળવાયેલી રસવૃત્તિનો દાવો કરનાર આપણને બધું નીચું દેખાય (અથવા ‘નીચું દેખાય છે’ એવું કહીને સંતોષ માનીએ) છે એનું કારણ એ છે કે એ જ પુરોગામીઓના ખભે ચડીને, આસન જમાવીને, આપણે જોવાની ચેષ્ટા કરીએ છીએ. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં કવિને અને કવિતાને જોવાનાં હોય છે. અને સહૃદય લય-ભાવપૂર્વક એમને મૂલવવાનાં હોય છે. આમ કરવામાં આપણી ‘ઉદારતા’ નથી પણ એમ ન કરવામાં કદાચ આપણી ઉદ્ધતાઈ છે — અપંગ અજ્ઞાનની લઘુતાગ્રંથિમાંથી જન્મતી બૌદ્ધિક અપ્રામાણિકતા છે.
પુરોગામીના તત્કાલીન સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં મૂકીને જોવાની સભાનતા રાખતાં ઉમાશંકર જોશી કદાચ એટલે જ ‘વિરાટ માનવી’ નર્મદ માટે કહે છે:
અનર્ગળ પરિશ્રમે નવલ કેડીઓ પાડતો
ગયો તું ઝબકી નવા યુગની નવ્ય નાન્દી સમો.
૨૩-૧૦-’૭૭
(એકાંતની સભા)