કાવ્યના સત્ય માટે સર્જકને સલામ – રાધેશ્યામ શર્મા

નીતિન મહેતા

મને માણસ માટે ખરેખર માન છે

મને તો સાચે માણસો માટે માન છે

પ્રસ્તુત રચનાનું શીર્ષક અને એની પ્રથમ પંક્તિ વાંચતાં ખ્યાલ આવશે કે શીર્ષકમાં ‘મને માણસ માટે ખરેખર માન છે’ ત્યાં એકલા ‘માણસ’નો ઉલ્લેખ છે, અને રચનાની પ્રથમ પંક્તિમાં એક ‘માણસ’ને બદલે ‘માણસો’ બહુવચનમાં આવે છે: ‘મને તો સાચે જ એ માણસો માટે માન છે.’

માણસનું અહીં માણસો થયું. એનો અર્થ માણસનો વ્યાપ વિસ્તર્યો.

જ્યારે કર્તા પ્રારમ્ભમાં માણસ માટે ‘ખરેખર’ માન છે એમ કથે છે ત્યારે અને પછી ‘સાચે જ’ માણસો માટે માન છેની જાહેરાત કરે છે ત્યારે ભાવકને ભારસૂચક ‘ખરેખર’ અને ‘સાચે જ શબ્દોથી પ્રશ્ન થાય કે માણસ કે માણસો માટે કવિને ખરેખર, સાચે જ માન હશે? આટલો બધો ભાર દેવાની શી જરૂર પડી?

પરંતુ આગળ કહ્યું તેમ એક માણસ માટે માન છે તેવી જ રીતભાતે એ અન્ય માણસો માટે પણ એટલું જ માન છે. માણસમાંથી માણસો તરફની માનાર્થે ગતિ થઈ એટલી સર્જક ચેતનાની વિસ્તૃતિ થઈ. પરિવ્યાપ વધ્યો. માણસો પણ કેવા? તો સ્પષ્ટ કહે, ‘એ’ માણસો માટે માન છે. ‘એ’ એટલે એવા માણસો. કેવા માણસો?

સામાન્યપણે અપમાન તો ના થાય પણ માનેય ના થાય એવા સમાજમાં તદ્દન સામાન્ય યા અમાન્ય માણસોનું અહીં આલેખન છે:

કે જે અંધારામાં અથડાઈ પડે છે,
કે ટ્રેનમાં ઊંઘી જાય છે ને
ભળતે સ્ટેશને પહોંચી જાય છે.

ટ્રેન બુગદાઓમાંથી પસાર થતી હોય વારંવાર, એવી ટ્રેનમાં એ માણસ ઊંધી જાય ને પોતાના સ્ટેશનને બદલે ભળતા જ સ્ટેશને પહોંચી જતો હોય છે.

માણસની ગતિનું, તમસ્‌ની અટવિમાં અટવાવાનું ને ધાર્યું ના હોય એવા ભળતા અજ્ઞાત સ્થાને પહોંચી જવાનું વર્ણન મનુષ્યની અ–નિવાર્ય નિયતિનું વિશદ ચિત્ર આંકે છે.

કૃતિનો બીજો અંતરો, માનવના તળ વાસ્તવને સ્પર્શી એની નરી આત્મલક્ષિતાને ખુલ્લી કરી શક્યો છે:

કે હજી
તેને પાંખો ફૂટી નથી
હજી તેને અસ્થમા જેવા રોગ થાય છે
તે ગુસ્સામાં બીજાને મારી શકે છે
ને વારંવાર પોતાની વાત પણ કરી શકે છે

‘કે હજી’નો લહેકો પરિસ્થિતિની વર્તમાન દિશા અને દશાને દોહરાવી શક્યો છે. (માણસ કંઈ પંખીનું બચ્ચું નથી કે નથી કોઈ દેવદૂત જેને પાંખો ફૂટતી હોય!) દમનો રોગી થતો, ગુસ્સો વેરતો અને પોતાની જેવી છે તેવી જાત વિશે વાતો કરતો માણસ પણ માનપાત્ર છે.

એથી આગળ, માણસના ચહેરાનો ક્લોઝઅપ અને લૉંગશૉટ પણ દર્શનીય છે: ફર્નિચરની વાત કરતાં તેનું મોઢું પડી જાય છે, એક સાંતે જે કોઈની રાહ જુએ છે.

અને અને…

આત્મહત્યાના વિચારો કરે છે
ચાવીઓ ખોઈ નાખે છે
ભૂતકાળને ખોદ્યા કરે છે

કોઈની રાહ જોતો માણસ કદાચ પામી ગયો છે, કોઈ કહેતાં કોઈ આવવાનું નથી, વેઇટિંગ ફૉર નથિંગ, જીવતરની ચાવીઓ ખોઈ બેઠો છે, ભૂતકાળને કોઈ આધાર માટે ખોદ્યા કરે છે, સમાન્તરે આત્મહત્યાના વિચારોમાં જીવ પરોવી બેઠો છે.

નિધન પૂર્વે, વાર્ધક્યની અવસ્થામાં મનુષ્ય પ્રકૃતિના પાશમાં જે કરતો આવ્યો છે તે ‘હજી’ પણ કરે છે:

તે હજી ઝઘડી શકે છે
મૂંઝાય છે, રઘવાયો થાય છે,
એકબીજામાં શંકાનો વિશ્વાસ જગાવી શકે છે.

શંકાના શિકાર થયેલ વ્યક્તિત્વ વિશે પણ કવિએ પોતાની માનવ-તાને ઊની આંચ આવવા નથી દીધી. નિઃસંકોચપણે તેમને પક્ષધર બન્યા વિના કન્ફેસ કર્યું છે:

મને ખરેખર માણસ માટે
માન છે
ને તે મને ગમે છે.

એક સર્જકની નિખાલસતા જ કહી શકે કે મનુષ્યની ચિત્ર–વિચિત્ર પ્રવૃત્તિ માટેય મને માન છે, એટલું જ નહીં, તે મને ખરેખર ગમે પણ છે. માન હોવામાં અંતર રહે પણ ગમવામાં આત્મીયતાનો મૌલિક રણકાર છે.

આવી અનોખી ગદ્યકવિતા માટે નીતિન મહેતાને સલામ. એમના માટે આ લખનારને માન છે, સાથે સાથે તે મને ગમે પણ છે.

વોલ્ટેરે સાચું જ ચીંધ્યું છે:

One owes respect to the living, but to the dead one owes nothing but the truth.

સર્જક નીતિને કાવ્યનું સત્ય આવી કેટલીક રચનાઓમાં જીવી જાણ્યું અને બતાવ્યું.

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book