કહું
હરીન્દ્ર દવે
વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું,
રામનારાયણ પાઠકનું એક મુક્તક છે. એનો ભાવ કંઈક આવો છેઃ હું તને બોલાવું છું, પણ એનો અર્થ એવો નથી કે મારે તારી સાતે સહેલગાહો માણવી છે. હું તો તને એટલા માટે બોલાવું છું કે તું જો આવે તો તારા વિરહનાં ગીત તારી સમીપે જ ગાવાં. મંદાક્રાન્તાની પંક્તિ છે ‘કિંતુ ગાવાં તુજ વિરહનાં ગીત તારી સમીપે જ ગાવાં. મંદાક્રાન્તાની પંક્તિ છે ‘કિંતુ ગાવાં તુજ વિરહનાં ગીત તારી સમીપે.’
કવિ હરીન્દ્ર દવેની આ પાંચ શેરની નાની અમથી ગઝલ છે. પહેલી જ પંક્તિમાં કવિ કહે છે, તમે અહીં રહો તો વિરહની રાતનું વર્ણન કરું. તમને ખ્યાલ નથી કે ‘તમે નથી હોતા ત્યારે મારી આલમ કેવી હોય છે, એના વિશે કંઈ કહું. ‘જરા રહો તો કહું’ એ ઉક્તિમાં પ્રિય વ્યક્તિને રોકી રાખવાની તમન્ના છે અને પહેલી પંક્તિને અંતે તથા બીજી પંક્તિના આરંભે ને અંતે ‘કહું’ કે શબ્દનું ત્રિવિધ પુનરાવર્તન ઉક્તિને નાટ્યાત્મક બનાવે છે. ગઝલના સ્વરૂપની ખૂબી એ છે કે પ્રત્યેક શેર જાણે કોઈક મકાન કે મહાલયના વિવિધ ખંડ હોય. આ ખંડોને અખંડ રાખે છે રદીફ-કાફિયા, પણ પ્રત્યેક ખંડનું વ્યક્તિત્વ અલગ. ક્યારેક સુમેળવાળું તો ક્યારેક વિરોધી. એક શેરને બીજા શેર સાથેનો સંબંધ રદીફ-કાફિયા પૂરતો જ. દરેક શેર જાણે કે સ્વતંત્ર અને સ્વયંપૂર્ણ. ગઝલમાં અવતરણક્ષમતા વિશેષ છે એનું કારણ પણ આ જ. માણસ કંઈક ઝંખે છે, પછી એ એને મળે છે. મળ્યા પછી પણ ક્યારેક જે મળ્યું છે એનો થાક અને કંટાળો છે. ચાંદની માગી અને ચાંદની મળી, પણ કેવળ ચાંદની જ સતત હોય તો એન અર્થ શો? એકવિધતા વૈવિધ્યની ઝંખનાનું કારણ બને છે. એક ફિલ્મી ગીતમાં આવે છે એમ — ‘થોડા સા મિલના, થોડી સી જુદાઈ, સદ ચાંદની રાત અચ્છી નહિ.’ કવિ રોમેન્ટિક છે. ચાંદનીથી કંટાળ્યા છે. શા માટે? ચાંદની એટલે પણ આછુંઆછું અજવાળું. કવિ કહે છે કે મારે તમને કહેવાનું બધું જ કહેવું છે પણ ચાંદની ન હોય અને પૂર્ણ અંધકાર હોય તો. તમે નથી હોતા-ની વ્યથા છે, કથા છે. એનું પણ એક સ્વરૂપ છે. એની પણ એક ગતિ છે. તમારા વિના ઘણું બધું થીજી જાય છે. આ થીજેલા ઊર્મિતરંગો જો વહે તો હું કંઈ કહી શકું. આમ તો પુરાણી વાતમાં કશું યાદ નથી. પણ તમે થોડાં સ્મરણો મને યાદ અપાવ્યાં એને આધારે ફરીથી પુરાણી વાત કહું. પ્રેમમાં પુરાણું નવું થઈને પ્રગટી શકે છે. હરીન્દ્રના જ એક સૉનેટની પંક્તિ છેઃ ‘પુરાણી વાતો તો પ્રિયતમ, મને યાદ પણ ના.’ કશુંક યાદ નથી અને છતાંય ઘણું બધું ભુલાયું નથી એની એક મનગમતી દ્વિધા છે. ગઝલનો એક શેર યાદ આવે છેઃ
તેં જે નથી કહી એ બધી વાત યાદ છે.
તારી કહેલી વાતનું કોઈ સ્મરણ નથી.
પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી.
રસ્તો અહીં પડ્યો છે ને તેરાં ચરણ નથી.
પ્રેમમાં એક બેહોશી હોય છે, નશો અને કેફ હોય છે. કોઈક જુદા જ પ્રકારની મસ્તી હોય છે. જે જાગૃતિમાં નથી સમજાતું એ બેહોશીમાં પામી શકાય છે. રહસ્યો આમ જ પ્રગટ થતાં રહે છે. આ રહસ્ય પ્રગટ તો થયું, પણ એને સમજવા જેટલા હોશ પણ ક્યાં છે? પ્રજા હરીન્દ્રને જેટલી ગીતકાર તરીકે ઓળખે છે એટલી ગઝલકાર તરીકે ઓળખે તો એમાં અંતે તો પ્રજાને જ લાભ થવાનો.
(ભમરો વાત વહે ગુંજનમાં)