કલ્પનાની વિલક્ષણ અરાજકતાનું સૌંદર્ય – રાધેશ્યામ શર્મા

એણે

લાભશંકર ઠાકર

રબ્બરના તળિયાવાળા કંતાનના જોડા જેવો પ્રતિવાદ પહેરાવી કહ્યું :

ચાલ
કાદવમાં ચાલતા પક્ષી જેવા તત્‌ને બતાવી કહ્યું : પકડ
વાગ્ વિસર્ગમાં કાનબૂડ ઉતારી કહ્યું : ડૂબ
માંસ શેકવાના સળિયા જેવા ઊહાપોહમાં પ્રજ્ઞા પરોવી કહ્યું : શેક
થાકી ગયેલા રેઢિયાળ ઘોડા જેવા છંદોલયને હણહણાવી કહ્યું : બેસ
વહાણના ભાર જેવા વર્તમાનને હલકો કરવા કહ્યું : કૂદ
હોંશ, ઉત્સાહ અને મન વિનાની સંવિદ્ને કહ્યું : હસ
સિસૃક્ષાને સંકોરતો આકાર રચી કહ્યું : તોડ

‘(કલ્પાયન’, પૃ. ૩૬) ૧૦-૫-’૯૮ (યુ.એસ.એ.)

કવિના નવમા કાવ્યસંગ્રહનું અભિધાન છે : ‘કલ્પાયન.’ કવિતાપ્રવૃત્તિના સંદર્ભે ‘કલ્પાયન’ શબ્દથી કલ્પનની ગતિ અથવા કલ્પનાનો માર્ગ જેવા ભાવઅર્થો ધ્વનિત થાય. પણ અહીં ‘કલ્પ’નું ‘અયન’ મુખ્ય છે. એથી એક વિકલ્પ ઊગે છે, કાલસંદર્ભે. પૌરાણિક કલ્પના પ્રમાણે એક હજાર યુગનો એક દિવસ જે બ્રહ્માનો દિવસ એને ‘કલ્પ’ કહેવાય છે, પણ એથીયે આગળ કલ્પને ‘મહાપ્રલય’ કહ્યો છે. અને ‘અયન’નો ગતિ-માર્ગ ઉપરાંત ‘મોક્ષ’ એવો પણ એક અધ્યાસ છે.

લાભશંકરની કાવ્યચેતના અત્યંત આત્મલક્ષી કલ્પનોમાં લીલયા રમમાણ છે. પ્રતિષ્ઠિત માન્યતાઓના ઇન્ફા-સ્ટ્રક્ચરનો અને તથા કથિત કલ્ચરનો પોતાના શૂન્યવાદથી તે નિષેધ અને નકાર કરતા રહ્યા છે. કાવ્યકૃત પદાવલિઓમાં ઊછળી, ઉપર આવતાં સ્ટેટમેન્ટ્સ એમની ન-કિંચિત્તાના મ્યુઝિયમ પીસિઝ છે. મજાની વિરોધાભાસો તે સર્જે છે અને વિ-સર્જે છે. ગતિ તેમજ વિ-ગતિના અજીબ કોલાજ — સૈશવી વિસ્મયને વિદાય કર્યા વિના — રચી શકે છે. રચનાની એક સંસિદ્ધ બની ચૂકેલી સં-ભાષા, ‘ક્લિશે’માં સરકી પડવાની શક્ય દહેશતની સ્પૃહા વગર, સ્વૈરવિહારમાં પુનરપિ પ્રયોજાય છે. પરંતુ આ પરિસીમા પ્રાંત જ એમના સામર્થ્યનો બળૂકો ઇલાકો છે એ ભૂલી જવા જેવું નથી.

માન્યતાઓનો ‘મહાપ્રલય’ કૃતિમાં રચી આપવા માટે એક સર્જક પાસે કયું સાધન છે? કલ્પન, કલ્પનાની ભાષા અને અનુવર્તી લયવિધાન. ભાષામાં છતાં થતાં ભાવલગ્ન વિષયવિવર્તોનો ‘મોક્ષ’ એ કર્તાની અપ્રજ્ઞાત જરૂરિયાત હોઈ શકે.

કવિએ અમેરિકાનિવાસ દરમિયાન પચીસમી કૃતિ રચેલી. ‘કલ્પાયન’ સંગ્રહ એનું જ બહુકષાય સ્વાદવાળું વિચિત્ર ફલ છે! છત્રીસે રચનાઓ જાણે એક જ રચનાના શીર્ષકશૂન્ય અંશો છે! એટલે ઉપર્યુક્ત પ્રતિભાવ સમગ્ર સંગ્રહનો સમાવેશ સૂચવે છે.

કવિને ભારે અપ્રિય એવા ગઝલ-પ્રકારની ઉપમા યોજી કહી શકાય કે ‘કલ્પાયન’ એક લાં…બી ગઝલ છે જેની છૂટી શેઅર-પંક્તિઓ સ્વયંપૂર્ણ એકમ તરીકે માણી શકાય!

પ્રસ્તુત ૨૫મી રચના એબ્સર્ડ નાટ્યકૃતિપેઠ સંબોધક અને સંબોધ્યની સ્પષ્ટ રેખાઓને પ્રથમ તો ભૂંસી નાખે છે.

‘એણે’ એટલે કે ‘કોણે?’ એવું તાકિર્ક-ફાકિર્ક પૂછવાનું નહિ. પૂછો તો રચનાના દરવાજેથી જ અપાત્ર ભાવક ઠરશો કદાચ! આ ‘એણે’ અને એનું કર્તૃત્વ જે આજ્ઞાકારક ચેષ્ટાઓમાં સતત પ્રવૃત્ત રહે છે એનો મહિમા મોટો. વળી ‘એણે’, કોને કોને વિવિધ વિચિત્ર વિરોધાભાસી વિસંગત કર્મકલાપોમાં યોજેલ છે એના સંબંધ-સગડ પણ નહીં સાંપડે! એ જાણવું જરૂરી નથી. આવો ‘સસ્પેન્સ’ સ્વયં, વિસ્મયને નિતાન્ત ટકાવે.

વિલક્ષણ ઉપમાકર્મ કૃતિની શૈલીનો પ્રધાન અંશ છે. ‘જેવો’, ‘જેવા’ જેવા શબ્દોના સંયોજના-સેતુ ઉપર કવિની ઉપમા વિહરે છે! એક વાર ‘જેવો’ અને ચાર વાર ‘જેવા’નો પ્રયોગ પૂર્વોક્ત વિસ્મયમાં અયન કરાવશે.

કોલ્રિજ આ લાભશંકરીય ‘કલ્પાયન’ને પણ esemplastic imagination કહેવા ખચીત લલચાય. સર્જકત્વનો વિશેષ પુટ અહીં જ અપાયો લાગશે.

ઉપમાનની ઉદ્ભટ ચારુતા અનર્થની હદને અડકી એક આસ્વાદ્ય પદરૂપ પ્રકટાવે છે : ‘રબ્બરના તળિયાવાળા કંતાનના જોડા જેવો પ્રતિવાદ પહેરાવી કહ્યું : ચાલ.’

‘વાદ’ને નહિ, પ્રતિ-વાદને કંતાનજોડા પહેરાવી ચાલવાનો આદેશ ખરેખર ચૅપ્લિનેસ્ક છે.

તત્ત્વટૂંપણાં પ્રત્યેની ઘોર વિરતિ નિર્મમ બીજી ઉપમામાં વિલસી છે : ‘કાદવમાં ચાલતા પક્ષી જેવા તત્ને બતાવી કહ્યું : પકડ.’

‘હરિ ઓમ્ તત્સત’, ‘તત્ત્વમસિ’માંના ‘તત્’ની અહીં હાસ્યાસ્પદ અવદશા સૂચવાઈ નથી?

લા. ઠાકર ‘સર્ગ’ લખી શકે પણ એમની પસંદ વિ-સર્ગ પર પહેલી ઊતરે : ‘વાગ્વિસર્ગમાં કાનબૂડ (અહીં ‘કાનબૂડ’ પ્રયોગ અવનવો) ઉતારી કહ્યું : ડૂબ.’

‘વહાણના ભાર જેવા વર્તમાનને હલકો કરવા કહ્યું : કૂદ.’ અહીં વર્તમાનને વહાણના વજન સાથે સંલગ્ન કરતી કલ્પનાકા ક્યા કહેના!

હોંશ, ઉત્સાહ અને મન વિનાની સંવિદ્ને ‘હસ’ કહેવાનું અને સિસૃક્ષાને સંકોરતો આકાર રચી ‘તોડ’ આદેશવાનું શબ્દકર્મ પ્રતિષ્ઠિત સંસ્થાનો પ્રત્યેની ભંજક ખંડન વૃત્તિ પ્રદર્શિત કરે છે.

પૂરી રચનાની એન્ટી ફિલોસોફિકલ, તારક પંક્તિઓ કલ્પનવિનિયોગની રીતે મને આ લાગી :

માંસ શેકવાના સળિયા જેવા ઊહાપોહમાં
પ્રજ્ઞા પરોવી કહ્યું : શેક.
થાકી ગયેલા રેઢિયાળ ઘોડા જેવા છંદોલયને
હણહણાવી કહ્યું : બેસ.

ટૅડ હ્યુની અશ્વવિષયક રચનાનો અધ્યાસ ઝબૂકી જતો રહ્યો, પછી સૂઝ્યું કે કર્તા ભલે મન ફાવે ત્યારે, અને ગમે તો છંદોલયબદ્ધ રચનાઓ ઘડે પણ આંતરમનમાં કવિતાના પ્રાચીન અલંકરણ સમા છંદો અને લયને તો તે ‘થાકી ગયેલા રઢિયાળ ઘોડા જેવા’ જ અનુભવે છે.

છંદશૃંખલા-પ્રતિબદ્ધ કર્તાઓ માટે ચિંત્ય અને અછાંદસના અસીમ આકાશમાં વિહરતા વિશુદ્ધ સર્જકો માટે આસ્વાદ્ય એવું આ કલ્પન છે.

કલ્પના-અયન સંદર્ભે એક આયરિશ લેખકનું સંકલન અત્યંત પ્રસ્તુત છે :

There is only one admirable form of the imagination : the imagination that is so intense that is creates a new reality, that it makes things happen, whether it be a political thing, or a social thing or a work of art.

– Seuan o’ Faolain

અમદાવાદ, ૩૦-૪-૯૯

(ત્રૈમાસિક : ફાર્બસ : એપ્રિલ-જૂન : ૧૯૯૯)

(પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ ૨૦૧૬)

 

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book