જગદીશ વ્યાસ
એટલામાં તો
આપણે હજી જાણતાં નથી એકબીજાનું નામ
ઋતુઓમાં જેમ વસંતઋતુનો મહિમા છે, એમ જીવનઋતમાં પ્રેમ મહિમાવંત છે. સગાઈઓમાં શ્રેષ્ઠ સગાઈ પ્રેમની છે. સરળ કબીરસાહેબ તો એમ જ કહેઃ પ્રેમ ખિલનવા યહી સુભાવ, તૂં ચલી આવ કિ મોહિ બુલાવ. પ્રેમ ખિલનવા યહી બિસેખ, મૈં તોહિ દેખું તૂં મહિ દેખ. કાં તો તું આવી જા, અથવા મને બોલાવી લે. પ્રેમમાં સ્પર્શનો ખૂબ મહિમા છે. જવું કે આવવું એ સ્પર્શનો જ સંકેત છે. પ્રેમ ખાતરી કરી લેવા માંગે છે. પ્રેમમાં બધું વિગલિત પણ થવા માંડે છે. આર્દ્રતા એ પ્રેમનો સ્વભાવ છે. એ પ્રેમદ્રવ્યમાં ઓગળી જનાર કેટકેટલાય ચિરંતન પ્રેમીઓનાં નામ આપણે હોઠે અને હૈયે જડાયેલાં છે. એના સમયમાં તેઓ જરૂર દુભાયા હશે, તાવણીમાં તવાયા હશે, શેકાયા હશે, તડપ્યા હશે. હીર-રાંઝા, સોની-મહિવાલ, શેણી-વિઝાણંદ, દેવરો-આણલ દે આ સૌ પ્રણયમંદિરમાં દેવત્વ પામી ચૂકેલાં યુગલનામ છે. આ સૌમાં પણ શિરમોર છે પ્રેમની સનાતન યુગલમૂર્તિ રાધાકૃષ્ણ. આમ તો રૂઢ ગણાતા સમાજનો આ સ્વીકાર પણ સમજવા જેવો છે!
આપણે હજી એકબીજાનું નામ જાણતાં નથી, ત્યાં તો ગામમાં આપણી વાતો થવા લાગી. હજી ગઈ કાલ સુધી જે નામ અજાણ્યું હતું, તે નામ આજ દિલની ધડકન બની ગયું. આ કેવો ચમત્કાર. પ્રેમ નામનાં રસાયણમાં ઝબકોળાઈને આ નામ પણ મીઠડાં બની જાય છે. એકબીજાનું નામ ગઈ કાલ લગી તો આપણનેય અપરિચિત હતું. એટલામાં તો આ શું થઈ ગયું? આ નવાઈથી ખુદ પ્રેમીઓ જ અચંબિત છે. સરેરાશ માણસને તેના સામાન્યપણામાંથી ઊંચકીને કોઈ નવીન ભૂમિકામાં મૂકી આપે છે. પ્રેમ બહુ આત્મમુગ્ધ પણ હોય છે. પોતાના વિચારોના આયનામાં પોતાનાં પ્રતિરૂપને મુખની શોભા તો નિખરી જ રહેને? દયારામથી એટલે તો ગાયા વિના નથી રહેવાયું: ‘શોભા સલૂણા શ્યામની તું જો ને સખી શોભા સલૂણા શ્યામની.’ અનાયાસ આવી ચઢતાં મરકલડાં મુખને રૂપથી રઢિયાળું કરી દે છે પ્રેમમાં. અને પ્રેમીઓનો તાલમેલ તો નિહાળો, જે દુકાને પ્રેમી દોરો વ્હોરવા જાય છે, એ જ દુકાને પ્રેમિકા સોય વ્હોરવા જઈ ચઢે છે. પ્રેમ નામના ચાંદાની સનાતન ચાંદનીમાં રંગાયેલાં આ બન્ને વિચારે છે પણ કેવું સરખું. બધું આપોઆપ જ ગોઠવાતું ચાલે. કુદરત પણ એને તાલ આપે. સૌની નજરમાં આવ્યા વિના પણ રહેતી નથી. ગામ જ એવું નાનકું છે કે હાલતાં જ્યાં ત્યાં ભેગાં થઈ જવાય છે, એમાં પ્રેમીઓનો શો દોષ? તેઓ કૈં બહુ ગોઠવીને, ચોંપ રાખીને, પેંતરાં રચીને, આડફળાં બાંધીને નીકળી પડતાં નથી. આ તો એક વાત છે. હવે લોકોને તો વાતો કરવા કૈં ને કૈં જોઈએ. છો ને વાતો કરે લોક!
થાય છે કે એવું કે આપણે કહેતાં ગામ વાતોમાં ક્યાંનું ક્યાં પહોંચી ગયું હોય ત્યારે આ પ્રેમીઓએ હજી સુધી એકમેકનું એકેય વેણ પણ સાંભળ્યું ન હોય એવું બની શકે. પણ લેણદેણ ગણવી હોય તો આ અને આટલી જ. ક્યાં સંબંધને ઋજુ ત્રાગડે બંધાતાં હોય તે ન જ સમજાય, તો પણ બંધન ગમવાં માંડે. પ્રેમમાં તો ગમતાંની અને ગુલાલની છોળેછોળ જ મચેને? નેણથી મળે નેણ અને પલકમાં કંઈ કેટલીય ઓળખાણો અનાયાસ ઉકલી જાય. એ બોલકી આંખો એકબીજાને બોલ્યાં વિના જ બધું કહી દે. આવો સંવાદ ગામમાં છૂપો રહી શકે ભલા? વૈશાખ મહિનામાં વૃક્ષ પર ગાતી કોયલ તો બધાંને જ સંભળાઈ જાય. બપૈયો ભલેને ઝાડની ઊંચામાં ઊંચી ડાળ પર સંતાઈને ગાતો હોય. એનાં સ્વરની વિકળતા અને તલસાટ એને ઉઘાડો પાડી જ દે. એનું ગાન જ એવું કે અનાયાસ ગણગણતાં કરી દે. પ્રેમની ભરતી ચઢે પછી તો બધું ભીંજાઈને જ રહે. એની વાછંટ અડે ત્યાં તો સૂકાં ભઠ વૃક્ષો સજીવન થઈ જાય. આ પ્રેમ-સંજીવની ન્યારી છે, એ જેના પર કળશ ઢોળે છે એને ન્યાલ ન્યાલ કરી દે છે. ઈશ્વરો ભલેને હદપાર કરે, પ્રેમની સરહદોમાં તો મોકળાશ જ મોકળાશ વરસે છે. પ્રેમની રળિયામણી ભૂમિમાં અવનવીન ફૂલો ખીલવાની કશી નવાઈ નથી.
આરતી ટાણે જામેલી ભીડમાં અમુક નજરો એના ઈષ્ટદેવને શોધીને જ જંપે છે અને ત્યારે જે આરતી ચગે છે, એ તો માણે તે જ જાણે. પ્રેમની ક્ષણોમાં જે ઊંચાઈ પર પ્રેમીઓ વિહરે છે તે જ પ્રણયની દેવીનો પ્રેમીઓ માટેનો અનુપમ પુરસ્કાર છે. ગોળને ચગળીને ગળે ઉતારવામાં જ મજા છે. ગળપણની તો કંઈ વાતો હોય? વાતોમાં સર્યે તો વાતોનાં ગાડાં ને ગાડાં ભરાય તોય પાર ન આવે વાતનો. બધાં ભલે ‘જયઅંબેમાં જયઅંબેમા’ના જયનાદમાં ધૂણતાં, આપણે ‘રાધેશ્યામ રાધેશ્યામ’ના પ્રેમવાદમાં મત્ત બનવાનું છે. વાતો કરતાં ગામને ભૂલીને આળપંપાળને આઘે મૂકીને પ્રેમની રળિયામણી ગલીઓમાં ગાયબ થઈ જવાનું છે, જ્યાં એક વાર પગ મૂક્યાં પછી કોઈ પાછાં ફરવાનું નામ જ લેતું નથી.
આપણી ગુજરાતી ભાષામાં પ્રણયકાવ્યોની એક સુદૃઢ પરંપરા રહી છે. એ સુશોભિત વૈજ્યંતિ માળામાં પોતાની અનૂઠી સુગંધથી ઓપતાં કોઈ પુષ્પ સમી કવિ જગદીશ વ્યાસની આ રચના એક વાર મનમાં વસી જાય પછી બજ્યાં જ કરે એવી છે.
(સંગત)