એક બાળકીનું કુમળી વયે અકાળ અવસાન થતાં એને સ્મશાને લઈ જવાઈ રહી છે. પ્રસંગ કરુણ-ગંભીર છે પણ વ્યવહારજગતનાં કાટલાં નોખાં છે. ‘તને નાનીશીને કશું રડવું ને શું કકળવું?’ જેવું જેવું મનોમન કહી બધાં પ્રસંગને સગેવગે કરવાની વેતરણમાં છે. પરિસ્થિતિની વક્રતા તો જુઓ — છતાં, બધાં રડે છે. વડ-મા પણ લોકશરમે રડે છે. વડ-માના વિરોધાભાસી વર્તન વિશે કાનમાં કહેતા હોય એમ કવિ કહી દે છે: ‘હસી જોકે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં.’ દીકરીને દુ:ખનો દરિયો સમજતી, જમાનાની ખાધેલ વડ-મા બહારથી લોકશરમે ભલે ગમે તે દેખાડો કરે પણ અંદરથી તો કાશ ટળતાં હાશકારો અનુભવે છે.
પ્રથમની ત્રણ જ પંક્તિઓમાં પ્રસંગની ત્વરિત માંડણી કરી દીધા પછી કવિ થોડાક થંભે છે. ‘બિચારી બા’નાં છાનાં બે અશ્રુબિંદુ જોવાની દરકાર પણ કોને છે? સાક્ષાત્ ‘યમ સમા ડાઘુજન’ તો વડ-મા જેટલું ખોટું ખોટુંય શા માટે રડે? આવા માહોલમાં કાવ્યની પ્રથમ પંક્તિ સાથે જાણે અનુસંધાન સાધતા હોય એમ કવિ કહે છે: ‘વિચાર્યું હું જેવે, મરણ કૂણું તે શીદ રડવું?’ જોકે બીજા ચરણને અંતેય પરિસ્થિતિ અંતર્ગત વિરોધાભાસ કાયમ રહે છે. કહે કંઈ અને કરે કંઈ એવા ગામડાના રૂઢિચુસ્ત સમાજનું વરવું સમૂહચિત્ર આ પંક્તિમાં જુઓ: ‘— છતાં સૌયે રોયાં રૂઢિસર, દઈ હાથ લમણે.’
બાળકીને ખભે લઈને ડાઘુજન આગળ ચાલે છે. દૃશ્ય એમ એમ ગતિશીલ થતું જાય છે. જુઓ આ પંક્તિ પણ કેવી ગતિ પકડે છે: ‘ખભે લૈને ચાલ્યા જરી જઈ વળાંકે વળી ગયા.’ જોકે એ પછી વ્યવહારજગતના આ દૃશ્ય પર પડદો પડી જાય છે. અને એમ થાય છે ત્યાં જ કાવ્યમાંય જાણે એક અણધાર્યો વળાંક આવે છે. અત્યારસુધીના દૃશ્યનાં બધાં પાત્રો વ્યવહારજગતનાં પાત્રો હતાં. વડ-મા, ડાઘુજન અને ‘બિચારી બા’ને તો એ બધાંથી દોરવાયા વગર ક્યાં છૂટકો જ હતો! કવિ પોતે પણ એ દૃશ્યમાં એક નિરીક્ષક — ઑબ્ઝર્વર — તરીકે દોરવાતા હતા.
કવિ પોતાની એ ગત ચાલુ રાખે છે. ડાઘુજન મૃત બાળકીને લઈને રસ્તાના વળાંકે વળી ગયા ત્યારે કવિએ શું જોયું? કવિએ જોયું કે એ બાળકીની એક ગોઠણ પણ આ દૃશ્ય જોઈ રહી હતી. એક નવા પાત્રનો પ્રવેશ થાય છે અને એ સાથે જ કાવ્યમાં એક જુદું પરિમાણ ઉમેરાય છે. કવિ એક નવું, નોખું ચિત્ર જુએ છે. એ બાળસખી કોઈના ખભા પર ચઢીને (કવિતામાં ‘શિર પર ચઢીને’ કહ્યું છે!) આ બધું જોઈ રહી છે. પહેલાં તો એને ‘સૂઈ રહેવાની આ રમત’ કંઈક ‘અવનવી’ લાગે છે. પણ પછી બધું સમજાતાં ‘પગ પછાડી’, ઊંચા સ્વરે એ રડવા મંડી પડે છે. બાળસહજ નિર્દોષતાનું આ ભારઝલ્લું છતાં સહજ ચિત્ર આપ્યા પછી કવિ કહે છે: ‘તુજ મરણથી ખોટ વસમી અકેલીએ આખા જગત મહીં એણે જ વરતી.’ હા, અગાઉ બાનાં બે છાનાં અશ્રુબિંદુ સરી પડ્યાં હતાં. બા પર જોકે વ્યવહારજગતની જબરી આણ હતી પણ બાળસખીની ‘ખોટ’, ‘વસમી’ હતી. એને રડતી જોતાં, કાવ્યની પ્રથમ પંક્તિમાં ‘તને નાનીશીને કશું રડવું ને શું કકળવું?’ એમ કહેનાર કવિ અંતિમ પંક્તિમાં કહી બેસે છે: ‘— અને રોવું ન્હોતું પણ મુજથી રોવાઈ જ ગયું!’
કંઈક એવું લાગે છે કે આખીય કવિતામાં પ્રથમ પંક્તિથી જ ભરાવો શરૂ થયેલો ડૂમો આ અંતિમ પંક્તિએ પહોંચતાં કવિનાં ડૂસકાંની સાથોસાથ ઓગળે છે અને આપણને થોડીક હળવાશનો અનુભવ કરાવી રહે છે. એક રીતે જોતાં આ કવિતા એ ડૂમા અને ડૂસકાંભરી સ્થિતિનાં બે બિંદુઓમાં વિસ્તરતી કવિતા છે. એક બાજુ વડ-માનું વ્યવહારજગત છે અને બીજી બાજુ ગોઠણનું નિર્દોષ બાળજગત છે. એ બંનેને કવિએ અહીં તારસ્વરે અભિવ્યક્ત થવા દીધાં છે. બંને વચ્ચે દેખાતો વિરોધાભાસ વાસ્તવિક — રીયલ — છે. આ દૃશ્યકવિતાનો દેહ ચૌદ પંક્તિનો નથી પણ પ્રાણ સૉનેટનો છે. બોલચાલના લયલહેકામાં શિખરિણી પ્રયોજાયો છે. કાવ્યનો ઉઘાડ જ કવિની સહજ સ્વગતોક્તિથી થાય છે. પછીની પ્રસંગાલેખનની પળોમાં કવિએ વસ્તુલક્ષી — ઑબ્જેક્ટિવ — રહેવાનું સ્વીકાર્યું છે અને સીધો હસ્તક્ષેપ કરવાનું છેક સુધી ટાળ્યું છે. એમાં કલાસંયમ છે. છેલ્લી પંક્તિમાં પણ બાળગોઠણના આકસ્મિક વિલાપના દૃશ્યથી પોતાને શું થાય છે એનું બયાન આપી કવિ અટકી ગયા છે. કાવ્યમાં અનુભૂતિ પરિસ્થિતિગત છે પણ પરિસ્થિતિના બયાનમાં કવિનો કોઈ હસ્તક્ષેપ નથી. કવિ તો જાણે પ્રસંગ, પરિસ્થિતિ અને પાત્રોથી દોરવાતા ચાલ્યા છે, કવિની આંખ જે જુએ છે એનું બયાન કરતાં કરતાં જ કવિતા નિપજાવે છે. કવિને આ પ્રસંગે રોવું નથી. એનાં હાથવગાં કારણો પણ કવિએ આપ્યાં છે. પણ ગોઠણનું રુદન, એમને વ્યવહારજગતની સમજણના બધા સીમાડાઓ તોડાવી, છોડાવી નિર્બંધ, નિર્દંભ સાહજિકતા તરફ લઈ જાય છે.
આવું ઘણી વખત બને છે. નિશ્ચયપૂર્વક નક્કી જ કર્યું હોય કે આમ જ કરવું છે અને આમ નથી જ કરવું પણ થાય એવું કે આપણે એ જ કરી બેસીએ જે પ્રાપ્ત પરિસ્થિતિમાં ઇષ્ટ અને યથાર્થ હોય. આ કાવ્ય ઉમાશંકરે એમના ગામ બામણામાં ડિસેમ્બર ૧૯૩૩માં લખ્યું હતું. એ પછી સાતેક વરસે, (તા. ૪-૧-૧૯૪૦ના રોજ) મનસુખલાલ ઝવેરીએ એક સૉનેટ લખેલું. શીર્ષક હતું: ‘અપાઈ મુજથી ગયું.’ એમાં, ભિખારીને કશું નહિ આપવાનો, એની આળસને નહિ પોષવાનો કવિનો નિર્ણય કાવ્યના અંતભાગમાં બદલાઈ જાય છે. કારણ? ભિખારીની કેડે કવિ બાળકને જુએ છે. દૃષ્ટોદૃષ્ટ થતાં એ બાળક સહસા હસી પડે છે અને કવિને દૂર દૂર વસેલાં પોતાનાંનું સ્મિત સાંભરી આવે છે. છેલ્લી પંક્તિમાં કહે છે: ‘ને ન’તું આપવું તોયે અપાઈ મુજથી ગયું.’
ઉમાશંકર જોશી વિશેનો મૂલ્યાંકનગ્રંથ ‘કવિનો શબ્દ’ (સં. સુરેશ દલાલ, ૧૯૬૮) પ્રગટ થયો ત્યારે, એમની સર્જનપ્રક્રિયા સમજાવે એવા થોડાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એક પ્રશ્ન આમ હતો: ‘તમારી કોઈ અત્યંત મહત્ત્વની કૃતિ સહૃદયોની નજર બહાર રહી ગઈ હોય એવું બન્યું છે? કઈ કૃતિ?’ જવાબમાં ઉમાશંકરે, ‘લોકલમાં’ની સાથેસાથે આ કાવ્યનો પણ ઉલ્લેખ કરેલો અને કહેલું: “એક બાળકીને સ્મશાને લઈ જતાં — જુદા જ સંજોગોમાં સુન્દરમે તારવ્યું. હું ચીન હતો. ચીન અને અગ્નિ એશિયાના દેશો તરફ, અને અહીં એક અમેરિકન સંપાદક આવેલા. ગુજરાતીમાંથી કવિતાના અનુવાદો એમને જોઈતા હતા. સુન્દરમે આ કાવ્ય પસંદ કર્યું અને અંબુભાઈ (પુરાણી)એ કરેલો એનો અનુવાદ પેલા સંપાદક ભાઈને સોંપ્યો. પાછળથી સુન્દરમે મને લખ્યું હતું કે આપણી રચનાઓમાંથી અંગ્રેજી જેવી બીજી ભાષાના અનુવાદમાં શું ઊભું રહી શકે એ જોવું એ એક અનુભવ છે.”
(આત્માની માતૃભાષા)