ઉખાણું
હરીન્દ્ર દવે
દૂધે ધોઈ ચાંદની
શ્રી હરીન્દ્ર દવેના સર્જનનું અધઝાઝેરું ઉત્તમ એમનાં ગીતોમાં ઊતર્યું છે. એમની કેફિયત પ્રમાણે કવિતાલેખનના આરંભકાળે એમને જે માર્ગદર્શકો મળ્યા તેમણે એમને માત્ર કવિતા નહિ, પણ પોતાની કવિતા રચવાની શીખ આપી ને એમણે એ ગાંઠે બાંધી, પરિણામે એમની કૃતિઓમાં એમની નિજી મુદ્રા ઊઠતી જોવા મળે છે. કાવ્યસર્જનનો આરંભ કરનાર સૌ મહત્ત્વાકાંક્ષી નવકવિઓએ હરીન્દ્રને મળેલી શીખ ધ્યાનમાં રાખવા જેવી છે.
ગીત-કવિતાની આપણા શિષ્ટ સાહિત્યમાં ને લોકસાહિત્યમાં એક દીર્ઘ પરંપરા છે. આપણા નરસિંહ, મીરાં, દયારામ જેવા પ્રાચીન કવિઓએ તેમ જ લોકકવિઓએ ગીતસ્વરૂપને સારી રીતે ખેડ્યું છે. પદ, ભજન, ગરબા, ગરબી જેવી શિષ્ટ રચનાઓ સાથે તળપદા અનેક રાગ-ઢાળમાં અનેક ગીતો પ્રાચીન કાળથી રચાતાં રહ્યાં છે. મધ્યકાલીન કવિતાને ભલે ધર્મપ્રધાન ગણવામાં આવી. એનું રસવિશ્વ ભલે સાંકડું કહેવામાં આવ્યું, લોકગીતોએ તો ધાર્મિક ઉપરાંત અનેક સાંસારિક, ઇહલોક-વિષયક કવિતા આપી છે જે શિષ્ટ કહેવાતી કવિતાની જરાય ઊતરતી નથી, બલકે ક્યારેક તો સહજતામાં ને સચોટતામાં ચઢિયાતી પણ લાગે છે. ચાકરીએ જતા ‘ગુલાબી’ના આવનારા વિરહને ટાળવા માગતી ગોરીના વર્ષાવર્ણનમાં, જતા જોબનિયાને ઝાલી રાખવાના ઉપાય ઉપદેશતી યૌવનની વાણીમાં કે મોટી ખોરડાં વગોવનારી વહુની સોનાવરણી ચેહના ને રૂપલાવરણી રાખના વર્ણનમાં ક્યાંય કવિતાની કમી નથી. નવા ગીતકારે ગીત લખતાં આપણો આ વારસો સંભારવાનો છે. એથી એમના પ્રયત્નમાં પુરુષાર્થ ને નમ્રતા બન્ને આવશે.
શ્રી હરીન્દ્ર દવેનું આ ગીત એમની કાવ્યયાત્રાના આરંભકાળનું છે. એની રચનાસાલ ૧૯૫૮ વંચાય છે. ગીતની કેટલીક વિશિષ્ટતાઓ તરત નજરે ચઢે એવી છે. એનું શીર્ષક ‘ઉખાણું’. મધ્યકાલીન કવિતાના એક લોકપ્રિય, લોકભોગ્ય પ્રકાર ભણી ઇશારો કરે છે. શિષ્ટ કવિતા ને લોકકવિતા બન્નેનો ઉખાણાં એક પ્રિય વિષય રહ્યો છે. અહીં ઉખાણાની ચાતુરી છે. પણ તે રૂઢ ઉખાણા-કવિતાની નથી, નૂતન કહો કે નિત્યનવીન એવી પ્રેમકવિતાની છે. આમાં તો પ્રિયજન સાથેનો અનુનય છે, વિનોદવ્યાપાર છે, પ્રેમોપચાર છે. નાયિકા, કોઈ મધ્યકાલીન પ્રણયિનીની મુદ્રામાં સહજ-સુલભ એવી ચાટૂક્તિઓ યોજે છે. આરંભની પંક્તિઓમાં જ કોઈ લોકગીતના સંસ્કારની રોડમ આવે છેઃ
દૂધે ધોઈ ચાંદની
ચાંદનીએ ધોઈ રાત,
એવામાં જો મળે તો
વ્હાલમ, માંડું એ એક વાત.
દૂધ જેવી શુભ્ર ચાંદનીની રાતમાં વાત માંડવાની વાત છે. દૂધથી ધોવાની ક્રિયાના ઉલ્લેખમાં ને ‘માંડું’ના પ્રયોગમાં લોકકવિતાના સંસ્કાર સ્પષ્ટ છે.
એકબીજાથી દૂર પડેલાં પ્રેમીઓને પંખીડાં તરીકે ઓળખવાની ને એમની વિરહાવસ્થાને પિંજર તરીકે વર્ણવવાની પરિપાટી પણ પુરાણી છે. પ્રેમીપંખીડાં તો સોના-રૂપાના પીંજરામાં જ પુરાયેલાં હોય ને! આ અલબેલાં પંખી એક જ પીંજરામાં સાથે છતાં અળગાં રહેવાનો શાપ ભોગવતાં હોય ત્યારે પીંજરામાં હોવા સિવાય બીજું શું કરે! નાયિકા જાણે છે કે ઉખાણું અઘરું નથી, બલકે ઉકેલાયેલા જેવું છે. વહાલમ માટે સમજવા બદલ ચાંદ-સૂરજનાં સોગાત પામવાનું જરાય અઘરું નથી. જો એ વિરહનો વલોપાત જાણતો હોય તો.
ગુલાબમાત્ર ઉદ્યાનમાં જ. માળીની માવજતમાં જ ઊગે એવું નથી. પ્રેમનું ગુલાબ તો અડાબીડ વગડાની વાટની એક કોરે પણ ઊગે! પ્રેમમાત્ર સંસ્કૃતિનો વ્યવહાર નથી, પ્રકૃતિનો સ્વભાવ છે. હૃદય સહજભાવે એને વીણે છે. આપે છે ને પામે છે. નિજમાં પ્રેમ હોવો ને અન્યમાં પ્રેમ ઝંખવો એ વાત સમજાય તો કોઈની કીકીમાં વસવાનું અઘરું નથી, અરે એ જ તો એકમેકમાં અભેદભાવે સમાઈ જવાનો કીમિયો છે.
છેલ્લો અંતરો તો લોકકવિતાની ઠેઠ લગોલગ જાય છે. મગ, મરી ને રાઈ જેવી ચીજોના ઉલ્લેખથી ગીતને ઘરાળુતાનો ઘેરો પાસ મળ્યો છે. એની ઉક્તિછટામાં પણ પેલી લોકબોલીની લઢણ આવી છે. મગથી ઝીણાં મરી ખરાં ને મરીથી ઝીણી રાઈ પણ ખરી, પણ એથીય નાજુક ઝીણી એક ચીજ છે જે નરી આંખે દેખાય એવી નથી. એ બતાવે તો વહાલમને હૈયાની ઠકરાત આપી દેવાનું નાયિકાનું વચન છે, નાયિકાની તત્પરતા છે. આ ઝીણી વસ તે વહાલ એટલું વહાલમને સમજાય તો બસ. પછી તો હૈયાની ઠકરાત આપનાર નાયિકા, પામનાર નાયક ને ઉખાણાને આરંભથી જ સમજી જનારા ચતુર ભાવક, સૌ ખુશખુશાલ! પ્રેમનું આવું રમતિયાળ રીતિમાં નખશિખ સુંદર નિરૂપણ એટલે હરીન્દ્રની ગીતકવિતાની સિદ્ધિ.
(ભમરો વાત વહે ગુંજનમાં)