નયન હ. દેસાઈ
પિયર ગયેલી ભરવાડણની ગઝલ
પનઘટે છલકાતી ગાગર સાંભરે,
ભરવાડણની ગઝલ? શા માટે નહિ? ભરવાડણના હૈયાની વાત દૂહા, સોરઠા કે લોકગીતમાં જ ગવાય? કોણે કહ્યું? જેણે કહ્યું હોય તેને કહી દઈએ કે હૃદયની વાત કહેવા માટે રૂઢિ શા માટે? લાગણીના ઝણાને વહેવું છે, સૂઝે તેવી વાણીમાં અને સૂઝે તેવા બીબામાં વહેશે. અને ફાવશે નહિ તો બીબાને છલકાવીને ય વહેશે. અરે, બીબું ફોડીને ય વહેશે… નાતબહાર ગણવી હોય તો નાતબહાર ગણજો… પ્રેમના નાતાને તો હમેશાં પ્રેમની જ નાત હોય… શીર્ષકમાં કવિએ ભરવાડણની ગઝલ કહી છે, પણ મનમાં તો તેમને આયરાણી અભિપ્રેત હશે. કારણ કે, છેલ્લી પંક્તિ બોલે છે કે, ‘હાસ્ય, બચકું બાંધ આયર સાંભરે’…
શરણાઈના સ્વરોનાં મોજાંઓ વચ્ચે એક નર અને એક નારી લગ્નમંડપમાં હસ્તમિલાપ કરે છે. એમ કહેવાય છે કે એ જીવન જોડાઈ ગયાં. જોડાઈને એક થઈ ગયાં, હા, બે જીવન એક થઈ જાય છે, પણ બે જીવ એક થાય છે ખરા? આ સવાલ ભારે કરડો છે. કારણ કે તેનો જવાબ મહદ્અંશે જલદ હોય છે—તેજાબ જેવો.
બે જીવનની સાથે બે જીવ પણ અરસપરસમાં ઓતપ્રોત થઈ જાય એ સ્થિતિ આદર્શ જેટલી જ ઇષ્ટ અને આદર્શ જેટલી જ દુર્લભ, કદાચ અલભ્ય હોય છે. લગ્નો આદર્શ ઐક્યનો છે સાયુજ્યનો છે. પણ બધે આમ નથી હોતું. અરે, ઘણે ભાગે આમ નથી હોતું, તે હકીકત પ્રત્યે આપણે આંખઆડા કાન કરીએ એ જુદી વાત છે.
આ ગઝલ એ દુર્લભ સ્થિતિ જેને સુલભ બની છે એવી સોહાગણના હૃદયનું સંગીત રેલાવે છે. અહીં મધુરા વિરહનું ઝરણું કલકલ નાદ સુણાવે છે. પિયરમાં આવેલી યુવતીને સાસરિયાનાં સુખ સાંભરે… અને સાસરિયાંના વાતાવરણ વિના પિયરમાં ગોઠે નહિ એ સ્થિતિ જ કેવી સુખદ છે!
સાસરિયાંમાં કેવી કેવી મીઠાશ છે તેનાં એક પછી એક સંભારણાં અહીં જાણે કે મનની અને મનખાની મખમલમાં મઢી દીધાં છે. કંચવાનાં આભલાંની જેમ! એ સંભારણાંના શબ્દચિત્રો એક પછી એક અંકાતાં જાય છે અને પ્રાણને પુલકિત કરી મૂકે છે. ચિત્તને કડચકિત કરી મૂકે છે. એમ થાય છે કે આટઆટલાં સુખ જે સોહાગણને છે તેને તો સંસારમાં સ્વર્ગ જ સાંપડ્યું છે. આ એક એક શબ્દચિત્રમં સંસારની માયાન મહેક છે. માયાનો વૈરાગ્ય તો અહીં દૂરથી ય ઢૂંકવાતી હિંમત કરી શકતો નથી. માયા મિથ્યા લાગતી નથી. જીવનનો નાતો જાણે કે સાર્થક લાગે છે.
સાસરામાં હું રોજ સવારે પાણી ભરવા જાઉં ત્યારે ગાગરમાંથી પ્રગટે જાણે સુખના જલતરંગની સારેગમ, સહિયરન ગોઠડી કેવી મીઠી મીઠી લાગે. ફળિયામાં વાસીદું વાળતી હોઉં ને નાનકડો હિયર શિરામણ માગે… અને એ વખતે માતૃવાત્સલ્ય જાણે અમૃતનાં પૂર વહાવે… એમ કરતાં સાંજ પડે અને ફળિયામાં સાદ સંભળાય… એ સાદ કોનો? એનો સ્તો! પણ એ કંઈ મારું નામ લઈને મુંને ના બોલાવે… પણ સાદ સાંભળીને જીવ ઝાલ્યો રહે નહિ અને વીજળીના ઝબકારાની જેમ મારી… ના, અમારી આંખડી મલકી ઊઠે. અને પછી મૌનનું, મલાજાનું મોંસૂઝણા જેવું આહ્લાદક અંધારું… પણ અહીં પિયરમાં તો ભેંકાર લાગે છે. સાવજની ત્રાડથી જાણે કે આ પિયરનું, ના, પિયરનું જ શું કામ, આ પંડનું પાદર સૂસવતી રાતમાં થરથરી ઊઠે છે. રઢિયાળું રૂપ અને દુલારો દેહ ઢોલિયામાં પડે ત્યારે… ત્યારે, નાયિકા ભારે ચતુર છે. તે કહે છે કે ‘બાથમાં લઈ લેતા નીંદર સાંભરે…’ કેવી ખોટાબોલી છે! જે કહેવાનું છે તે સંકેતમાં કહીને તો મહોબતનો મલાજો જાળવે છે. અસલી આકર્ષણનો આનંદ એણે અધ્યાહાર રાખીને ઊલટું આકર્ષણ વધારી દીધું! વનિતા અને કવિતા બન્નેની આ ખૂબી છે. સ્ત્રીમાં અંશ મૂકીને ઘડવૈયાએ જમાનાને ઘા ખવડાવી દીધો છે.
મનના, તનના અને જીવનના અનુભવની સ્પર્શ, ગંધ અને શ્રવણની તીવ્રતા, મધુરતા એવી સજાગ છે કે કાંબીનો રણકો રોમાંચક લાગે છે અને લાગણીઓ જાણે કે અડ્યાભેગી ઊછળી પડે છે. ઝાંઝર રણકે છે ને પ્રીતમના પ્રેમનું જંતર યાદ આવે છે. સૂક્ષ્મ અને સુખદ ચંચલતા સાકાર થઈને જાણે હીંચ લેવા બેઠી છે.
પછી કહી નાખે છે કે આ તો ભાભુએ વહેવાર સાચવવા કહ્યું કે એને પિયર મોકલો… બાકી અહીં કઈ વદૂકીએ કહ્યું’તું કે મુંને પિયર મોકલો…!
લ્યો, તમે પિયર મોકલ્યાં અને અને પિયર આવ્યાં. વહેવાર સચવાઈ ગયો. પણ હવે ક્યાં લગી મને પિયરમાં રાખવી છે? દીકરી પોતાના હૈયાના ય હૈયામાં પડેલી વાત બીજા કોઈને કહેતી નથી. પણ મા આગળ તો કંઈ જ છાનું રાખતી નથી. જનેતા અને જનેતા મટીને સકી બની જાય છે. જનેતા એ દીકરીનું બીજું તન છે, મન છે. જનેતા દીકરીની બુદ્ધિ પણ છે. દીકરી અને મા એટલે મન અને બુદ્ધિ, એટલે આ નવોઢા એની માતાને કહે છે કે માડી, હવે મને અહીં સોરતું નથી, ગોઠતું નથી. તું બાચકામાં ગોળપાપડી બાંધી દે એટલે સાસરિયે હાલતી થાઉં… મને ‘ઈ’ સાંભરે છે. ઈ એટલે ઈ એટલે ઈ…અ…આ…ઇ…ઈ… બારાખડાનો ચોથો અક્ષર… કે ચોથો સ્વર? કે…?
(કાવ્યપ્રયાગ)