નિરંજન ભગત
આષાઢ
રે આજ આષાઢ આયો,
કોઈ પ્રિયજન અષાઢમાં કદી ક્યાંય દૂર ન હજો. સ્થળની દૂરતા તો દૂરની વાત, અષાઢમાં તો મનની દૂરતાય કપરી લાગે. હૃદયને થડકાવી જતી મેઘ ગર્જનાઓ થતી હોય. આકુળવ્યાકુળ મોરને બપૈયાઓનું કૂજન દિશાઓને ભરી દેતું હોય, ગાઢાં વાંદળાંઓએ સૂર્યને ઢાંકીને ઘેરો ઘટાટોપ રચી લીધો હોય, ને નીલ ઘટાટોપ સોસરવા રૂપેરી વીજ ચમકારા ઘડી આ દિશામાં, ઘડી પેલી દિશામાં અબોસસ વીંઝાતા હોય, જમીનમાંથી જાગી ગયેલા દેડકાઓએ ઓચિન્તો કોઈ આલાપ આદરી દીધો હોય ત્યારે પ્રિયજન દૂર હોય એનાંથી મોટું કયું દુઃખ? પ્રેમની મૂળથી જ અતિ સાંકડી ગલી વધુ સાંકડી થઈ જાય છે વર્ષાકાળમાં. એમાંથી ભીની નજરુંનેય પસાર થવું કાઠું થઈ પડે. વર્ષાથી શીતળ થઈ ગયેલાં વાતાવરણમાં પ્રિયજનનો હૂંફાળો સ્પર્શ કેવો ઇચ્છનીય લાગે! હજી થોડી દિવસો પહેલાં જ કરડા ઉનાળામાં સ્પર્શ તો શું સ્પર્શનો વિચાર પણ અકારો થઈ પડે એવો બફારો વેઠ્યો હોય છે તેથી જ વર્ષાની સૌમ્ય શીતળતાની કિંમત સમજાય છે. હણહણતા આખલાઓને કાંધે ચઢીને મેઘ તાપથી નંખાઈ ગયેલી વિહવળ ધરતી પર ત્રાટકે તેનાં જેવું ઇચ્છનીય આક્રમણ કોઈ અન્ય નથી ગણાયું. દૂર દક્ષિણ દિશામાંથી રચાતાં આવતા ઘટાટોપને મોરલાઓ પારખી લે છે. એના સબધા કાન એ અગોચર હિલચાલને ઝીલી લે છે અને ગહેકટંકારથી આ બાતમી ચારે તરફ પહોંચાડી દેવા ઉતાવળા થઈ જાય છે. વરસાદ સૌથી પહેલાં સાબદાં કરે પંખીઓને. અને સૌથી વધુ આપદા પણ પહોંચાડે આ મૂંગા જીવને. પશુપંખીઓને તો ખુલ્લા આકાશ હેઠળ જ વસવાનું એથી એનાં સુખ અને દુઃખ ઝીલવામાં પણ સૌથી પહેલા. ઝીણાં ઝીણાં જંતુઓનો તો સોથ વળી જાય વર્ષાકાળમાં. પ્રિયજનનો વિરહ સહન કરનાર હૈયાઓ પણ ઝીણાં જંતુઓ જેવાં હોય છે. વર્ષાકાળ એમને માટે સાક્ષાત્ પીડાકાળ બની રહે છે. એમને માટે અંતહીન વલોપાતમાં ઝૂરવાનો કાળ નીવડે છે વર્ષાકાળ. જુઓ ‘રે’ જેવા અરેરાટીસૂચક ઉદ્ગારથી કાવ્યનો ઉઘાડ થાય છે. ‘રે આજ અષાઢ આયો’ અષાઢ આમ તો ઉમંગ ગાનનો ગવૈયો છે. પણ જેનું પ્રિયજન છેટે છે તેણે તો નેણનાં નીરમાં જ દુઃખને ગોપવવું રહ્યું. વર્ષાકાળમાં કોઈ રડે તો ખબર ન પડે. ભીની આંખો સહેલાઈથી છુપાવી શકાય. દરિયાની હેતપથારી છોડીને વાદળીઓ આકાશમાં દોડી પડી હોય અને ઉલ્લાસની હેલી સમી ઠલવાઈ પડી હોય ધરતી ઉપર ત્યારે વિરહીજનનાં નેણનાં નીરમાં છલોછલ આરતભાવ ગવાતો હોય છેઃ કેસરિયા બાલમ પધારો મ્હારે દેશ રે, પધારો મ્હારે દેશ… આજ તો આવો. તમારી આવી ઊણપ તો કદી નથી સાલી. પ્રણતભાવથી મન ભીરું અને ભીનું થઈ જાય છે. સઘળે છવાયેલા ભેજમાં મન કેમ કોરું રહે? આર્દ્રતાનો પાશ મનને પણ લાગી ગયો છે. મનને તો મોરની જેમ થનગનાટમાં ન્હાવું હોય છે. પણ આ પણ કહેતાં તો આંખ ચૂવાં માંડે છે. ભલું થજો વર્ષાકાળનું કે આ રુદન કોઈની આંખે ઝટ ચડે એમ નથી. જળની ગદ્ગદ્ માઢનું જ સામ્રાજ્ય વ્યાપેલું હોય છે. કવિ કાલિદાસે નિર્મેલા વિરહી યજ્ઞ અને તેની પ્રિયતમાએ વેઠેલા ભાવ વર્ષાકાળમાં વરસતાં પાણીનાં ગુંજનમાં ફરી ફરી સંભળાય છે. સધાયેલી મેઘવીણાના કોમલ તાર પર ચળકતા સ્વરો દદડતા હોય તેમ છેક આકાશેથી ઊતરેલાં નૂર ધરતીના મ્લાન મુખને આભાથી રંગવા માંડે. ગ્રીષ્મકાળની ચરમસીમાએ તો ગાઢા ભૂખરા રંગનું આધિપત્ય છવાયેલું હોય છે. વર્ષા આવે અને જીવતા રંગોનો છાક રેડાય સમગ્ર ધરતી પર. જળની ધાર રેલી કે ચૈતન્યની પારાવાર ઝગમગી રહે ચોમેર. રંગોની રેલમછેલમાં એનો છાક છવાઈ જાય. ચારે તરફ મલ્હારની આર્દ્રતાનું ગાન હોય. સઘળું જાણે વહી જવાં માટે તત્પર છે. એવે સમયે જે પહેલેથી જ પ્રિય વિચ્છેદને લીધે વિગલિત છે એવા હૈયાંઓની શી દશા થાય! જેમ પ્રિયતમાંથી દૂર રહેલો યજ્ઞ પળેપળ ઝૂરે છે તેમ આ કાવ્યનાયક સમગ્ર પૃથ્વી પર છવાયેલા ઉલ્લાસમાં સામેલ થઈ શકતો નથી. જાણે ગાંડાતૂર પૂરથી ખળખળતી નદીના સામસામે કાંઠે બે મિલનોત્સુકો બેઠેલાં છે. જળનો જીવનરાગ એમને પ્રસન્ન કરી શકતો નથી. તેઓ તો મ્લાન ચિત્તે એવું વિમાસી રહ્યાં છે કે આપણી જીવનજમુનાનાં નીરે કેવળ વિરહનો વિલાપ જ ગવાશે? આમ ભલે સાક્ષાત્ અષાઢ વરસી રહ્યો હોય પણ આપણને તો જ પીડાદાયી વાયરાનો અનુભવ થાય છે એ તો વૈશાખના દઝાડતા વાયરાનો જ અનુભવ છે. હૃદયને પીડા આપતાં આ જળ આમ જ વહેતાં રહેશે? વિરહની ક્ષણો ભલે થોડી હોય પરંતુ સમય જાણે થંભી ગયેલો લાગે છે. એવી શારતી પ્રલંભ ક્ષણોમાં મુકાયાં હોય એવાં હૈયાઓ જ એ પીડાને જાણે છે. ‘આપણે રે પ્રિય, સામસામે, તીર, ક્યારેય નહીં મિલાપ’ ગવાતી નિરાશા બહુ ઊંડે ઊંડે સુધી ઊતરી જાય ત્યારે જ આવા ઉદ્ગાર નીકળે છે. જાણે એકબીજાંથી દૂર દૂર રહીને ઝૂરતી સારસ બેલડીનો આ મૃદુ પોકાર આપણામાં ઊંડે સુધી ઊતરી અંદરથી કોતરે છે. ઝૂરતાં હૈયાંઓમાં અભાવોનું પૂર લાવે એવો ડંખીલો અષાઢ કોઈને કદીય ન મળજો. ‘રે અષાઢ આયો’ એવાં નૈરાશ્યથી નહીં, ‘હે અષાઢ આયો’ એવા ઉમંગે હૈયાં નાચજો.
(સંગત)