આભૂષણના સોનાથી અંજાઈ જાય, તે આભનું સોનું ન જોઈ શકે – ઉદયન ઠક્કર

ગઝલ

સંદીપ ભાટિયા

પણે બાગમાં જે ચમેલી છે, સંતો,
અમારા હૃદયમાં ટહેલી છે, સંતો.
બગીચાના ઝાંપાઓ સઠિયાઈ ગ્યા છે,
મહેક આજ વંઠી ગયેલી છે, સંતો.
ફરી આભ ખોબો ભરી તેજ લાવ્યું,
તિમિર સાવ કાણી તપેલી છે, સંતો.
જુઓ ઝૂંપડી પર પડે ઝીણો તડકો,
અહીં સાંજ સોને મઢેલી છે, સંતો.
હજી ભીંત કેવળ વિષય કલ્પનાનો,
અમે ભીંતને ક્યાં અઢેલી છે, સંતો.

પણે બાગમાં જે ચમેલી છે, સંતો,
અમારા હૃદયમાં ટહેલી છે, સંતો.

‘હરિ’, ‘સાધો’, ‘સાંઈ’ વગેરેને ઉદ્દેશીને ઘણાં કાવ્યો આપણી ભાષામાં લખાવા લાગ્યાં છે. એમાં ક્યારેક તો દર્શન કરતાં દેખાડો વધારે હોય છે. સંદીપ ભાટિયાની ગઝલ એવા ભગવાન ભરોસે કાવ્યોમાં સુખદ અપવાદરૂપ છે. સંદીપને ‘સંત’ કરતાં ‘વસંત’માં વધુ રસ છે. કવિ બાગમાં ટહેલતા નથી, ચમેલી કવિના હૃદયમાં ટહેલે છે. ‘વિહરવું’ કે ‘ભ્રમણ કરવું’ જેવા ભારે શબ્દોને બદલે ‘ટહેલવું’ જેવો હળવો શબ્દ ચૂંટીને કવિ ગઝલને હળવી-ફૂલ રાખે છે.

બગીચાના ઝાંપાઓ સઠિયાઈ ગ્યા છે,
મહેક આજ વંઠી ગયેલી છે, સંતો.

જેની સાઠે બુદ્ધિ નાઠી હોય, તે સઠિયાઈ ગયેલો કહેવાય. રોકટોક કરવી એ ઝાંપાનું કર્તવ્ય. ઝાંપાનું લાકડું ભૂલી જાય છે કે ક્યારેક પોતેય ઝાડ હતું. મહેક કાંઈ ઝાંપાને ગાંઠે? શેરની બે પંક્તિમાં કવિએ બે પેઢી વચ્ચેનો સંઘર્ષ બતાવ્યો છે.

ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે : ક્યાં હાલ્યાં?
ઓઢણીએ કીધું કે : ઊડવા…
ના, નહીં જાવા દઉં… ના, નહીં…
એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા.

(રમેશ પારેખ)

ફરી આભ ખોબો ભરી તેજ લાવ્યું,
તિમિર સાવ કાણી તપેલી છે, સંતો.

આભનો આકાર જુઓ, ખોબા જેવો લાગશે. હવે ચમકતા તારા જુઓ. તિમિરની તપેલી સાવ કાણી લાગશે. યુગે યુગે સંતો આવે છે, પરંતુ તિમિર પાસે તેજને જીરવવાની પાત્રતા જ ક્યાં છે?

જુઓ ઝૂંપડી પર પડે ઝીણો તડકો,
અહીં સાંજ સોને મઢેલી છે, સંતો.

આભૂષણના સોનાથી અંજાઈ જાય, તે આભનું સોનું ન જોઈ શકે. જો તડકો ખરીદી શકાતો હોત, તો ગરીબોને ભાગે કેવળ અંધારું આવત. સુ-વર્ણ એટલે સુંદર રંગ. સાચું સુવર્ણ તે સાંજનું. સમયને જ સોનું જાણનારા સંત છે. તડકો ઝીણો છે, ઝૂંપડીય ઝીણી છે. ‘ઝૂંપડી’ની બાજુમાં (‘મઢેલી’ના ઉચ્ચારસામ્યથી) ‘મઢૂલી’ય જાણે ઊભી થાય છે. જેની પાસે ફક્ત પૈસો છે, એ માણસ કેટલો ગરીબ હશે!

હજી ભીંત કેવળ વિષય કલ્પનાનો,
અમે ભીંતને ક્યાં અઢેલી છે, સંતો.

થાકેલો-હારેલો માણસ ખુરશીને અઢેલે, ખુરશી ન હોય તો ભીંતને અઢેલે, ભીંત પણ ન હોય તો શેને અઢેલે? પોતાની અનિકેત (ઘરબાર વગરની) અવસ્થાની દયા ખાય, તે કવિ નહીં. જેના હૃદયમાં ચમેલી ટહેલતી હોય, એ કદી ફરિયાદ કરે?

(આમંત્રણ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book