મૂળદાસ
આનંદમાં રહેવું રે
આપણે સંસારમાં રહીએ છીએ. અનેક માણસોના સંબંધમાં આવતાં હોઈએ છીએ. તેમાં કેટલાક પ્રત્યે આપને રાગ થતો હોય છે, તો કેટલાક પ્રત્યે દ્વેષ. આ રાગ અને દ્વેષમાંથી જન્મતાં હોય છે આપણાં દુઃખ, શોક અને નિરાશા.
સંસારનો એક પણ સંબંધ સ્થાયી અને સનાતન નથી. વહેલાં મોડાં કાં તો એને આપણાથી છૂટા પડવાનું હોય છે, ને કાં તો આપણે એનાથી છૂટા પડવાનું થાય છે. અને એ સંબંધ પ્રત્યે આપણો રાગ જેટલો પ્રબળ હોય ચે તેટલો જ પ્રબળ, તેનાથી છૂટા પડતી વખતે, શોક પણ હોય છે. એટલે જેણે પોતાનાં સુખશાંતિ કે આનંદને કોઈ બીજી વ્યક્તિમાં કે વસ્તુમાં શોધ્યાં તેને વહેલોમોડો સંતાપ જ અનુભવવાનો હોય તે સ્પષ્ટ છે.
એટલે કવિ સાચાં નેસ્થાયી સુખ શાંતિ કે આનંદને માટે અનિવાર્ય ગણે છે અસંગત્વ-સંગરહિતતા-ને, અસંગત્વ એટલે, અલબત્ત, સંસાર છોડીને કોઈ એકાંત સ્થાનમાં ભરાઈ બેસવું તે નહિ. પણ પોતાના આનંદનું કેન્દ્ર, સ્ત્રીપુત્રમિત્રાદિકને, ઇન્દ્રિયોના ભોગ વિષયોને કે યૌવન, ધન, સત્તા કે કીર્તિ આદિને નહિ. પણ અનાસક્ત ભાવે પોતાના અંતરાત્માને બનાવવું તે.
આવો અનુભવી એટલે કે આત્મનિષ્ઠ તત્ત્વદર્શી ક્લેશના મૂળ જેવા ક્ષણભંગુરત વિષયો પાછળ ભમતો નથી, સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ પરમાત્મા સિવાય બીજા કશાની સાથે તન્મય થતો નથી ને પોતાનામાં જે આત્મા રહ્યો છે તે જ આત્મા ભૂત-પ્રાણીમાત્રમાં પણ રહ્યો હોવાથી ઋણાનુબંધને યોગે પોતાના પરિચયમાં આવનાર કોઈપણ વ્યક્તિને કચવાવતો કે પીડતો નથી.
એ આત્મનિષ્ઠ અને અસંગ હોવાથી મનથી તો એ સદાકાળ આનંદમાં જ રહેતો હોય છે. પણ દેહ ધારણ કર્યો હોવાથી દેહની સાથે અનિવાર્ય રીતે જોડાયેલાં જ છે તેવાં જે સુખદુઃખ તેને ભોગવવાનાં આવે તને એ હર્ષ કે શોક વિના સમતાથી સહન કરી લેતો હોય છે. દુઃખ તો ઠીક પણ સુખ પણ માણવાનું કે ભોગવવાનું નહિ પણ સહન જ કરી લેવાનું હોય છે.
એવો આત્મનિષ્ઠ તત્ત્વદર્શી મોહ અને મદથી મુક્ત થઈને ચિત્તની ઊંચામાં ઊંચી ભૂમિકાએ રહેતો હોય છે.
(આપણાં ઊર્મિ-કાવ્યો)