સ્મૃતિ
લાભશંકર ઠાકર
કૂંડું જૂનું તુલસીનું પડ્યું આંગણામાં.
કોઈ પણ પ્રતિભાસંપન્ન અને નવોન્મેષ દાખવનાર કવિ પ્રાપ્ત કવિતારીતિ અને રચાતી કવિતાથી સંતુષ્ટ નથી હોતો. એ હંમેશાં કંઈક સ્વકીય કહી શકાય એવું પ્રદાન કરવા માટે ઉત્સુક હોય છે. અલબત્ત, પરંપરાગત કવિતાના ઉત્તમાંશોને પોતાની રીતે યોજીને એને આત્મસાત્ કરવાનું કૌશલ દાખવે છે. સંવેદના, કાવ્યભાષા અને કાવ્યરીતિમાં એ નિરાળાપણું પ્રકટ કર્યા સિવાય રહેતો નથી.
આમાંના એક અગ્રિમ આધુનિક કવિ સ્વ. લાભશંકર ઠાકર હંમેશાં પોતાની પ્રતિભાનો પ્રયોગશીલ અભિગમ આપણા કાવ્યસાહિત્યમાં સિદ્ધ કરતા રહ્યા છે. એમણે ભાવ, ભાષા અને કાવ્યશૈલીની પરંપરાગત સંકડાશોને તોડી છે અને નવપ્રસ્થાન કર્યું છે. તેઓ માત્ર ‘કવિ’ નહીં પણ ‘ભાષાકવિ’ છે, એટલે એમના કાવ્યસર્જનમાં વારંવાર ભાષાગત નાવીન્ય જોવા મળે છે. એમનાં કેટલાંક કાવ્યશીર્ષકો જોતાં એની પ્રતીતિ થાય છે. જેમ કે, ‘લઘરો કવિ’, ‘બૂમ કાગળમાં કોરા’, ‘માણસની વાત’ તેમજ અન્ય કૃતિઓ એનાં દૃષ્ટાંતો બની રહે છે. ભાષાકવિ પ્રાપ્તભાષાના સ્તરથી ખુશ નથી. એટલે એનાથી આમ સહજ રીતે થઈ જતું હોય છે. આથી લાભશંકર ઠાકર એમના ટૂંકા ‘લા૰ઠા૰’ નામથી પ્રસિદ્ધ છે. નવી ગુજરાતી કવિતામાં સૌથી વધુ ભાષાવળોટ તેમણે દાખવ્યો છે. આથી એવી કલ્પના કરવાનું મન થાય છે કે ‘મા ગુર્જરી’ પણ હોઠે આંગળી મૂકીને વિચારતી હશે કે આ સર્જક પુત્રે તો મને બહુ નવાં પટકૂળ પહેરાવ્યાં છે! એણે મને નવો ‘ઠસ્સો’ અને ‘ચાલ’ આપ્યાં છે!
આમ છતાં લાભશંકર ઠાકરે પરંપરાને પણ પોતાની રીતે અપનાવીને સંવેદના, કાવ્યશૈલી અને છંદોને યોજી બતાવ્યાં છે. આનું દૃષ્ટાંત જોવું હોય તો એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’ જોઈ લ્યો. રાજેન્દ્ર, નિરંજન યુગની સૌંદર્યદર્શી કાવ્યશૈલીને અભિનવ વળોટ આપીને, છંદોને પોતાની રીતે યોજીને, અનેક ચિરંજીવ કાવ્યરચનાઓ આપી છે. એમાં શીર્ષકમાં મૂકેલો ‘પાછળ’ શબ્દ અર્થવાહી છે, મર્મલક્ષી છે. સહૃદયી ભાવકને એમાં અતીતનો નિર્દેશ પારખતાં વાર નહીં લાગે. અલબત્ત, આ પ્રકારનાં કાવ્યોમાં પણ સંવેદન, ચિત્રગુણ, ભાવપરિસ્થિતિઓનું સન્નિધીકરણ, એમાંથી સ્ફુરતો વ્યંગ્યાર્થ અને છંદોનું સ્વકીય નિર્માણ એ એમની વિશેષતા છે. આટલી ભૂમિકાના સંદર્ભમાં આપણે કવિના ‘સ્મૃતિ’ કાવ્યનો આસ્વાદ કરવાનો રહે છે.
કવિએ ‘સ્મૃતિ’ શીર્ષકથી રચેલા આ કાવ્યમાં એમણે પોતાની શબ્દચિત્ર કંડારવાની કલાનો સરસ પ્રયોગ કરેલો છે. આપણી સમક્ષ એમણે સ્મૃતિ-સંવેદના રૂપે અત્યંત બારીકાઈથી બે સ્મૃતિગત દૃશ્યો પ્રસ્તુત કર્યાં છે! પ્રથમ આંગણામાં પડેલા જૂના તુલસીના કૂંડાને દર્શાવ્યું છે. એ કૂંડા પર જળ વરસી ગયું છે, એ જળ કવિ કહે છે તેમ આકાશમાંથી ‘જરાક ઢળી’ ગયું છે ને તેનો સ્પર્શ અત્યંત મધુર છે. આને કારણે તુલસીનું જૂનું કૂંડું પણ રોમાંચ અનુભવતું ભાસે છે. છોડ જૂનો છે એટલે સુકાયેલો, દૂરથી સાંઠીકા જેવો લાગે તેવો છે એય પણ રોમાંચથી ઝૂલવા લાગ્યો છે. કવિએ મૂકેલી પંક્તિઓમાં નોંધીએ તો આ પ્રકારનું આલેખન છે :
‘તેની પરે ઢળી ગયું જલ શું સુનેરી
આકાશથી જરીક, ને મધુસ્પર્શજન્ય
રોમાંચથી હલી ઊઠી અતિ શુષ્ક સાંઠી!’
અહીં એક સૂક્ષ્મ લકીરોથી દોરેલા ચિત્ર જેવું શબ્દચિત્ર આપણે સાકાર કરી શકીએ છીએ. કાવ્યનો ઉપાડ આ રીતે કવિની ચિત્રગુણની સર્જનકલાને શબ્દમાં ભાવક તાદૃશ્ય કરી શકે એવી નાજુકાઈ કવિએ દાખવી છે.
બીજા પંક્તિખંડોમાં કવિએ ‘સ્મૃતિસંચિત’ બીજા દૃશ્યને આલેખી બતાવ્યું છે. કૂંડામાં જળ તો હતું જ અને સ્પર્શથી મધુર રોમાંચ ઉત્પન્ન કરે એ પ્રકારનું હતું. કવિ એ જળના સ્પર્શનું બીજું શબ્દચિત્ર આપે છે. આવી ઋતુમાં ક્યાંકથી ઊડીને આવેલું દૈયડ પંખી કૂંડા પર પોતાની પાંખો ફફડાવીને, છલકતા પાણીમાં પોતાની સમગ્ર અંઘોળવાની ક્રિયા કરે છે. અહીં કવિએ પુન: પોતાની ઝીણી નજરથી દૈયડની જળમાં નહાવાની ચેષ્ટાઓનું અત્યંત સ્વાભાવિકતાથી શબ્દચિત્ર ઉપસાવ્યું છે. આપણે એ પંક્તિઓ અહીં પ્રસ્તુત કરીએ :
‘બેઠું કૂંડા પર જરા ફફડાવી પાંખો,
કૂંડા મહીં છલકતા જલમાં ઝબોળી
ચંચૂ અને કરી જરા નિજ પુચ્છ ઊંચી
છેડી દીધી સહજ કંઠ તણી સતાર!’
આ દૃશ્યમાં કવિની દૃશ્ય જોયાની મનોમુદ્રા કેવી ઝીણવટથી અંકિત થઈ છે! પંખી જળમાં નહાતું હોય ત્યારે જે ક્રિયાઓ કરે તેને અહીં જાણે કે છાપી દીધી હોય એવું લાગે છે! દૃશ્ય તો છે જ પણ કવિનો કાન પણ કેવો સાબદો છે! દૈયડનો આનંદમય ચિત્કાર પણ ‘‘છેડી દીધી સહજ કંઠ તણી સતાર’’ અહીં કવિની સ્મૃતિમાં રહેલી સ્થિતિ અને આલેખનમાં દેખાતી ગતિ, એમ સ્થિતિ અને ગતિ બંનેનું સરસ આલેખન છે. અહીં કોઈને એમ થાય કે આકાશથી ઢળેલું જળ ‘સુનેરી’ કેમ લાગે છે? વળી જળ જરીક છે! પણ કવિએ આગળ જતાં ‘કૂંડા મહીં છલકતા જલમાં’ એમ કહ્યું? સહૃદયી ભાવક કહી શકશે કે પ્રભાતના સમયે સૂર્યપ્રકાશમાં આકાશથી વરસેલું પાણી સોનેરી ઝાંયવાળું લાગે, વળી જળ આકાશથી પડેલું છે એટલે નાના કૂંડાને છલકાતા શી વાર લાગે? આમ કવિની સ્મૃતિને આપણે સ્વસ્થતા અને આનંદપૂર્વક માણી શકીએ છીએ. શબ્દચિત્ર સાથે કવિએ કંઠની સતાર દ્વારા દૃશ્ય ઉપરાંત શ્રાવ્ય ચિત્રાંકન પણ કરી આપ્યું છે.
રચનામાં અન્ય આસ્વાદ્ય ખંડ કવિએ રચેલું બીજું સ્મૃતિચિત્ર છે. અહીં કવિ આપણા સરેરાશ ગૃહજીવનમાં સહજ રીતે જોવા મળતું દૃશ્ય કંડારે છે. કાવ્યસર્જકે અત્યંત સૂક્ષ્મતાથી એના સકળ અંશોને આલેખી બતાવ્યા છે. ત્યાં એક પ્રૌઢ નારી શ્વેત વસ્ત્રોમાં શોભતી, ચળકતો તાંબાનો લોટો લઈને ઉપસ્થિત થતી દેખાય છે. તેણે જળ રેડવા માટે હાથ ઊંચો કરેલો છે, એનાં નેત્રો ભક્તિભાવપૂર્વક ઢળેલાં છે. કવિએ વર્ણનમાં બધા જ ભાવપૂર્ણ અંશો પ્રસ્તુત કર્યા છે. એ નારી મધુર ભાસે છે, એના અત્યંત ગૌર લલાટમાં સૌભાગ્યના ચિહ્ન જેવો ચાંદલો (સૌભાગ્યચંદ્ર) ઝબકી રહ્યો છે. ભીનું ભીનું તરબોળ એવું ભાલ તડકામાં સહેજ નીતરતું ભાસે છે. અહીં સુધી કવિએ જે વર્ણનચિત્ર આપ્યું છે તે આપણે નેત્ર સમક્ષ આબેહૂબ નીરખતાં હોઈએ એવું લાગે છે. કવિ પોતે જ એનો અહેવાલ આપતાં નોંધે છે : ‘આખુંય દૃશ્ય નીતરે તડકો.’ ત્યાં પંક્તિને થોડો વિરામ આપી દે છે. અને પછી આગળના ખંડને એની સાથે, ખંડિત પંક્તિ સાથે આ રીતે સાંકળી લે છે :
‘અચાનક
ઊડી ગયું કયહીંક દૈયડ દૃશ્યને લૈ,
પાંખો મહીં.’
જોઈ શકાય છે કે બે સ્મૃતિચિત્રોને સૂક્ષ્મદૃષ્ટિ-રચનાકારે કૌશલપૂર્વક સાંભળી લીધાં છે. પંખી જ્યારે સહજ રીતે બેઠું હોય અને કોઈ વ્યક્તિ આવે એટલે તરત ઊડી જાય એમ પેલું કંઠના સિતારને ગુંજતું પંખી ઊડી જ જાય! એમ દૈયડ એની સહજગતિ પ્રમાણે ઊડી જાય છે પણ કવિ એની કાવ્યમય અભિવ્યક્તિ કરતાં નિવેદન કરે છે કે દૈયડ એ દૃશ્યને પોતાની પાંખમાં લઈને ઊડી ગયું! કાવ્યાન્તે પેલી પ્રૌઢ નારીની ભાવલીલાનું દોઢ પંક્તિમાં આલેખન કરીને સમાપન કરતાં પંક્તિઓ યોજે છે :
નજર વૃદ્ધ ફરી ફરી શી!
છાપા વિષે ડૂબી જવા મથતી, સવારે!
પ્રૌઢાની વૃદ્ધ નજર ફરીથી સવારના છાપામાં ડૂબી જવા — એટલે વાંચવામાં લીન થવા માટે મથી રહે છે!
કવિએ બે શબ્દચિત્રાંકનો દ્વારા પોતાનું કાવ્યમય સંવેદન પૂરું કર્યું છે. પરંતુ એ બંને શબ્દચિત્રોને જે રીતે એકબીજાના ક્રમમાં પ્રસ્તુત કર્યાં છે ત્યાં જ કાવ્ય સંપૂર્ણ નથી થતું, એ સન્નિધીકરણ દ્વારા એમણે જે રમણીય કાવ્યમર્મ વ્યંજિત કર્યો છે તે સહૃદયી કાવ્યભાવકને પ્રસન્ન કરે એવો છે. પ્રથમ શબ્દચિત્રની નવ પંક્તિમાં જે પ્રકૃતિના સ્પર્શવાળું આલેખન થયું છે તેમાં આપણને સહજ નૈસગિર્કતા અનુભવવા મળે છે. આકાશમાંથી સહેજ વરસી ગયેલું અને સૂર્યપ્રકાશમાં સોનેરી રંગથી ચમકતું જળ, શુષ્ક થવા બેઠેલો તુલસીનો છોડ રોમાંચ અનુભવતો દેખાય, ને ત્યાં ક્યાંકથી ઊડતું આવતું રોમાંચ અનુભવતો દેખાય, ને ત્યાં ક્યાંકથી ઊડતું આવતું નિર્ભય, નિરંકુશ, પાંખો ફફડાવતું દૈયડ પંખી વરસાદી જળમાં કૂંડમાં પાંખો પ્રસારી, ચાંચ ઝબોળતું અને એની કુદરતી ટેવ પ્રમાણે પીંછાંવાળી પૂંછડી ઊંચી કરતું, અને પોતાનો કિલકિલાટ કરતો કંઠ — કંઠની સિતાર સરખો ધ્વનિ — વહેતો મૂકે એ આખુંય દૃશ્ય કેટલું સ્વાભાવિક અને નિરંકુશ લાગે છે! કવિનું ચિત્ત આ દૃશ્યને બરાબર ઝીલી રહ્યું છે એની સ્વાભાવિકતા, પ્રસન્નતા અનુભવીએ છીએ, ત્યાં નગરમાં એકાએક આવી ચડેલી ‘સીમ’ કે આવી ચડેલું ‘વન’ આપણને દૃશ્યેન્દ્રિય દ્વારા માણવા મળે છે. આ કાવ્યની આપણી પ્રારંભિક અનુભૂતિ છે. જાણે કે આપણે સ્વયં કૂંડાના પાણીમાં હાથ પહોળા કરીને અંઘોળતા હોઈએ એવું લાગે છે!
જ્યારે દસમી પંક્તિથી શરૂ થતા અન્ય દૃશ્યચિત્રમાં આયાસ, સભ્યતાનો બાહ્ય ચળકાટ જોવા મળે છે! એમ તો ત્યાંય કવિએ શ્વેત વસ્ત્રોમાં શોભતી પ્રૌઢ નારીને તાંબાનો લોટો ઝાલીને કૂંડામાં જળ સિંચતી દર્શાવી છે. એનાં નેત્રો પણ ઢળેલાં અને ભાવભીનાં છે. ભાલમાં ચાંદલો ચમકે છે અને એ આખુંય દૃશ્ય તડકામાં નીતરી રહ્યું છે. કવિએ એ દૃશ્ય ઝીલીને દૈયડ પંખીને ઊડી જતું બતાવ્યું છે પરંતુ કાવ્યની અંતિમ દોઢ પંક્તિમાં કવિએ જે ચોટ નિર્મી છે તે પ્રથમ દૃશ્યથી કેટલી વિપરીત છે! પ્રથમ દૃશ્યમાં દૈયડ ખુશખુશાલ થઈને કૂજન કરતું દેખાય છે જ્યારે અહીં એ દૃશ્ય સામે પ્રૌઢાની ઝાંખીપાંખી હવે વાર્ધક્યની અસરવાળી નજર — છાપું વાંચવામાં ડૂબી જાય છે. કવિએ ‘ફરી ફરી’ શબ્દપ્રયોગ કર્યો છે એટલે એ પ્રૌઢાએ ઘડીભર છાપું અળગું કરી કૂંડામાં જળ સીંચવા માટે ઊભું થવાનું પસંદ કર્યું હશે. છેલ્લી દોઢ પંક્તિ આપણે ફરી અહીં ઉદ્ધૃત કરીએ :
‘નજર વૃદ્ધ ફરી ફરી શી
છાપા વિષે ડૂબી જવા મથતી, સવારે!’
પંક્તિને અંતે કવિએ મૂકેલું આશ્ચર્યવિરામ સ્વયં વ્યંગ્યાર્થનું ઉપાદાન બને છે.
કવિએ પસંદ કરેલો છંદ વસંતતિલકા અત્યંત અનુકૂળ રહ્યો છે. એના ટૂંકા ખંડ-ઉપખંડ યોજવામાં કવિએ સારું કૌશલ દાખવ્યું છે; જેમ કે ‘આખુંય દૃશ્ય નીતરે તડકો’ ત્યાં કવિએ પંક્તિ ખંડિત કરી છે. અને ત્યાં એકાએક પ્રૌઢાનારીના દૃશ્યમાંથી પંખીના દૃશ્યમાં જવા માટે ‘અચાનક’ શબ્દ અત્યંત ઉચિત ટુકડો બની રહે છે અને દૃશ્યની ત્વરાને યોગ્ય રીતે સૂચવી રહે છે. તો ઊડી જતા પંખીના દૃશ્યમાંથી નારીની પલટાતી નજર માટે ‘પાંખો મહીં’ એટલો ખંડ મૂકી છેલ્લી દોઢ પંક્તિ પુન: નારીના દૃશ્યમાં ભાવકને લઈ જાય છે. આમ દૃશ્યોને પલટતા બતાવવા એમણે પંક્તિના ખંડો કર્યા છે. સમગ્ર કાવ્ય આપણા અનોખા મિજાજના પ્રયોગશીલ, આધુનિક કવિની પ્રતિભાનો પરિચય આપી રહે છે.
(પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ ૨૦૧૬)