‘યુધિષ્ઠિર’ સુધીનાં પ્રબંધ-કાવ્યોમાં સંવેદનનો વ્યાપ જોઈને શ્રી ઉમાશંકર જોશી પર વિચાર કરીએ તો એમને વિશે ‘કવિ’ શબ્દ સર્વથા સાર્થક લાગે છે.
કાવ્યસ્વરૂપનું વૈવિધ્ય ઉમાશંકરની કવિતામાં છે. કેટલાંક કાવ્યસ્વરૂપો પરંપરાપ્રાપ્ત છે અને એમાંનાં કેટલાંક એમને હાથે સંસ્કારાયેલાં છે. દીર્ઘ છંદોબદ્ધ કાવ્યો, રૂપકનાં તત્ત્વોના આધિકચવાળાં સંવાદક, પદ્યરૂપકે, વિભિન્ન છદકુળાના વિનિયોગવાળાં બાહ્ય રૂપે અબદ્ધ દેખાતાં કાવ્યો એમના પોતાના પ્રયોગોની નીપજ છે. આ પરંપરાગત કે પ્રયોગસિદ્ધ આકારો સિદ્ધ થયા છે તો કવિકર્મ દ્વારા, પણ એમનું પ્રેરક બળ છે કવિનું સંવેદન. ઉમાશંકરની કવિતામાં આકારભિન્નતાની અનિવાર્યતા સંવેદનમાંથી ઊભી થાય છે તેથી એમની રચનાઓમાં પ્રયોગદાસ્ય નથી.
દિશાઓને ઓળંગી જાય અને મહાકાળના ઓછાયામાં ઝંખવાય નહિ એવું સંવેદન એમની કાવ્યકૃતિઓને સચેતન કરી ગયું છે. અહીં પ્રશ્ન થશે કે નીવડેલી કૃતિનું શ્રેય સંવેદનને મળે કે કવિકર્મને? કવિકમ વિના તો કવિતાના ક્ષેત્રમાં કશું સિદ્ધ ન થાય, પણ કવિકર્મ દ્વારા સિદ્ધ કરવાનું છે તે શું? સંવેદન. અર્થ જેવી સંજ્ઞા વાપરવાને બદલે અહીં ‘સંવેદન’ શબ્દ ખપમાં લીધો છે. meaning – અર્થ–નાં ચાર પાસાં — sense, feeling, tone, intention: ભાવના, લાગણી, કાકુ, હેતુ —નો પણ સંવેદનમાં કરતાં કવિનું લીલાક્ષેત્ર વધુ વ્યાપક હોય છે જ. પણ એવું ફલિત ન થાય કે વાચકને સર્જકના જીવન સાથે કશી નથી. સર્જનાત્મકે કૃતિને સમજવા માટે સર્જકના જીવન સંદર્ભ ક્વચિત્ ખપમાં લઈ શકાય, એટલું ધ્યાન રાખીને કે એ પ્રવૃત્તિ સાહિત્યેતર બની ન જાય. નૈષ્ઠિક સમીક્ષા કવિ પર નહિ, કવિતા પર મદાર બાંધે છે. એવું કહેનાર એલિયટ આ impersonal theory of poetryની વાત કરતાં કવિના વ્યક્તિત્વ વિશે, સ્પષ્ટતા કરે છે કે, The mind of the mature poet differs from that of the immature one, અપરિપક્વ કવિના સંવેદન કરતાં પરિણત કવિનું સંવેદન ભિન્ન હોય છે અને રસાનુભવ કરાવવાનું એનું સામર્થ્ય વિશેષ હોય છે. યુગજન્ય પરિવેશમાં નિર્માયેલા કવિના વ્યક્તિત્વની સંઘટના તપાસતાં માલૂમ પડે કે કવિમાં પરિણત પ્રજ્ઞા છે કે નહિ. કૃતિ બહાર રહેલા યુગજન્ય સંદર્ભો તપાસવાની પ્રવૃત્તિ આ રીતે હિતકર છે. કાલિદાસ અને રવીન્દ્રનાથની જે છબિઓ ભાવકના ચિત્તમાં વસે છે તે સઘળા પૂર્વાપર સંબંધોની રેખાઓની પાર્શ્વભૂમિ સાથે ઊપસી આવેલી છે. ઉમાશંકરને અને એમને પ્રાપ્ત થયેલા સંવેદનને સમજવા માટે અહીં ભારપૂર્વક કહેવું જોઈએ કે નિમિત્ત બનેલા સમયને બાદ કરવાને બદલે યાદ કરવો જ રહ્યો. ઉમાશંકરના સંવેદનમાં સમય પણ શ્વસે છે.
આપણે ઉમાશંકરની સાવ નજીક છીએ અને નિત્ય વિકાસશીલ હોવાને લીધે એ આપણાથી આગળના આગળ છે. તેથી એમના સર્જક વ્યક્તિત્વ માટે નિર્ણાયક સ્વરમાં છેલ્લો શબ્દ શકાય તેમ નથી. પરંતુ એમણે આત્મસાત્ કર્યું છે તે આપણાથી અજાણ્યું નથી. વળી સર્જકનું વ્યક્તિત્વ એટલે એનું ‘રસવિશ્વ ગાંધીજીની જીવનદૃષ્ટિ, રવીન્દ્રનાથનો સૌંદર્યબોધ, વ્યાસ-વાલ્મીકિનું ધર્મદર્શન, કાલિદાસની અખિલાઈ, શેક્સપિયરના માનસસ્તર જેવાં તત્ત્વોના સમન્વયથી રચાયેલો પરિવેશ ઉમાશંકરના રસવિશ્વના નેપથ્યમાં વરતાય છે. હા, જે નેપથ્યમાં છે તેને સમક્ષ લાવીને કાવ્યકૃતિઓમાં તેનું આરોપણ કરવાનું નથી, કેવળ એનાથી અવહિત રહેવાનું છે. કૃતિને પામવા માટે કૃતિ બહાર દૃષ્ટિક્ષેપ કરવાની પ્રવૃત્તિને અપ્રસ્તુત માનનારા તો આટલું પણ નહિ સ્વીકારે. એ પૂછવાના.: ‘કલાકૃતિ પ્રાપ્ત થાય તે પછી વાચકને લેખક પાસે બીજી કોઈ અપેક્ષા રાખવાનો અધિકાર છે ખરો?’ એક જવાબ તો રોકડો છે – વાચકને અધિકાર હોય તોપણ કલમ તો લેખકના હાથમાં જ રહેવાની ને! આ અંગે સામે છેડેથી વિચાર કરવો ઘટે. એમ કરતાં પ્રતીત થશે કે લેખકનો શબ્દ એના પોતાના જીવનનો સંસ્પર્શ પામેલ હોય છે. કહેવામાં આવે છે કે અમુક રચનાઓમાં તો શુદ્ધ સૌંદર્યાનુભૂતિ ધબકે છે. આ સૌંદર્યાનુભૂતિ પણ સર્જકની પોતાની લગની અને જીવન જીવતાં કેળવાયેલાં – આત્મસાત્ થયેલાં મૂલ્યથી રંગાયેલી હોય છે. ઉમાશંકરની સૌંદર્યાનુભૂતિમાં આ બાબત દીવા જેવી છે. આ ઉમાશંકરની લાક્ષણિકતા છે અને તેથી જ એમના સંવેદનમાં અપરિમિત સમગ્રતા – ન અટકેલો વિકાસ છે, વિસ્તરતી ક્ષિતિજોવાળું એક રસવિશ્વ છે.
ઉમાશંકર સમક્ષ પૃથ્વી જ નહીં, વિશ્વ છે. આ વિનીત કવિએ વિશ્વ અને હૃદયને તથા એ બંનેની વચ્ચે અધિષ્ઠિત છે તે સઘળાને પામવા માટે જીવવા ઉપરાંત સર્જનાત્મક અને ચિંતનાત્મક વાઙ્મયનો આશ્રય લીધો છે. આ કવિ તો જ્ઞાની છે એવું કહીને થાક વ્યક્ત કરવા જેવું આછકલું વર્તન હવે કવિતાના વાચકને પાલવે તેમ નથી. જ્ઞાની કવિની અનુભૂતિ આછકલી ન હોય, તત્ત્વસંપૃક્ત હોય. વસ્તુ, ભાવ, સ્થિતિ કે ગતિને ગહનતા અને સમગ્રતાથી સમજવાની શક્તિને સંવેદનશીલતાના વિકાસ સાથે સંબંધ છે. વધારે સમજુ કવિ વધારે સંવેદનશીલ. સ્મૃતિ-મતિ-બુદ્ધિના સમન્વિત અને વિકસિત રૂ૫ – પ્રજ્ઞાને કારણે તો લક્ષાધિક રૂપે વિલસતા વિશ્વ ઉપરાંત અદૃશ્ય હોવા છતાં અનુભવાતાં રૂપો પણ ઉમાશંકરના સંવેદ્ય જગતમાં સ્થાન પામ્યાં છે. જે છે તે તો છે જ; પરંતુ સહુને દેખાય છે કે નથી તે પણ ઉમાશંકરના સવેદનમાં સ્થાનાપન્ન છે. જેમાં નવોન્મેષનું દર્શન થાય છે તેવી સર્વદેશીયતા ( – ભૂગોળની નહીં’ પણ કવિતાની સાર્વભૌમિકતા) ઉમાશંકરમાં છે.
આમ, ઉમાશંકરનું સદ્ય જગત બૃહદ્ છે. સાથે સાથે એમાં સંગતિ છે. ગાંધીયુગની કવિતામાં એક અનાયાસ બૃહદતા છે, છતાં સમર્થ કવિઓ ઓછા મળ્યા, કારણ કે મોટા ભાગના સપાટી ઉપર જ તર્યા. વિષયપસંદગી પરત્વેના સંસ્કારોની સરહદોથી મુક્ત થઈ ગયેલું વ્યાપક ભાવજગત એ કવિઓને મળ્યું, પણ મોટા ભાગના એ વ્યાપકતામાં વિખેરાઈ ગયા. પોતાના સંવેદનની સંગતિ અને બળને લીધે ઉમાશંકર–સુંદરમ્ સંગીન રહ્યા. ઉમાશંકરમાં શબ્દ અને શબ્દ વચ્ચે, શબ્દ અને જીવન વચ્ચે સંગતિ છે. આ સંગતિને પરિણામે છેલ્લા સાડાત્રણ દશકના એમના કાવ્યસર્જનમાં સૂક્ષ્મ સાતત્ય અનુભવાય છે.
એ ઉમાશંકરની સૌંદર્યચેતના (સુન્દરમ્ની જેમ એક દિશા પ્રતિ –રેખાની સીધી ગતિમાં નથી.) સ્વયં વિસ્તરતા જતા પરિઘની સ્થિતિમાં છે. એમનામાં કેન્દ્રોપસારી અખિલાઈનું દર્શન થાય છે. આગળ કહ્યું તેમ કેન્દ્રસ્થાને માનવ-ધર્મ છે. અહીં માનવ એટલે ફક્ત માણસ જ નહીં, એની ધરતી, એનું આકાશ, એ આકાશ ઉપરનો અને માણસના હૃદયમાં પ્રવેશી જતો અવકાશ, એ અવકાશને પૂરવા ઉદ્યત સૂર્ય, અને સૂર્ય છે ત્યાં સુધી માણસ છે એવી શ્રદ્ધા – આ બધું ઉમાશંકરમાં નિરંતર અનુભવાય છે, પેલા કેન્દ્રસ્થિત માનવને લીધે.
‘ઉમાશંકરની કવિતામાં લોહીનો લય નથી’ એવું કહેવાયું છે, જે કાવ્યોમાં સામાજિક વિષમતા સામે કટાક્ષરીતિ પ્રયોજાઈ છે ત્યાં કવિની ભાષા ઉગ્ર લયછંદ પામે છે. ‘રચો રચો’થી માંડીને ‘જીર્ણ જગત’ સુધી અન્યાય સામે આક્રોશનો સ્વર વ્યક્ત થતો રહ્યો છે. આ પ્રકારની રચનાઓમાં ઉમાશંકર સમાનતા અને સ્વતંત્રતાનાં મૂલ્યો માટેનો પોતાનો પક્ષપાત પ્રગટ કરે છે.
જાતીય સંવેગોના નિરૂપણમાં ઉમાશંકર સાહસિક – બોલ્ડ નથી. આવું કોઈએ લખ્યું નથી પણ ઘણા કહે છે. આ વાત સ્વીકારવા જતાં વાંધો એ ઊભો થાય છે કે ઉમાશંકરની કવિતામાં આ પ્રકારના સંવેગોની બાદબાકી તો નથી. વળી, આપણને તો, ‘લોહીના લય’ કરતાં કવિતાના લય સાથે નિસબત છે. પણ કોઈને અભિપ્રેત એવો લોહીનો ય નથી તો શા માટે નથી તે અંગે વિચારવા માટે આધાર મળે છે. નારીના માંસલ સૌંદર્યની છબિ અંકિત કરવા એ પ્રેરાયા નથી. નારીસૌંદર્ય એમને ‘મધુરતર હૈયાની રચના’માં પ્રાપ્ત થયું છે. અર્થાત્ ઉમાશંકરની કવિતામાં જે લોહીનો લય છે તે સંસ્કૃતિપુરુષના લોહીનો લય છે. આદિવાસી કે સંસ્કૃત મનુષ્ય વચ્ચે ઉચ્ચાવચતાનો ભેદ કર્યા વિના જ એમની અભિરુચિ પ્રકૃતિમાંથી સંસ્કૃતિ ભણી રહી છે. આદિ કાળમાં ગરમ હતી તે પૃથ્વી પણ સમશીતોષ્ણ બની ત્યારે સમષ્ટિ અભિનવ રૂપે વિકસવા લાગી. આ કવિના સંવેદનને સમશીતોષ્ણ આબોહવા સદે છે. ઉગ્રતા તરફથી ઈષ્ટ શીતળતા તરફની ગતિ એ સંસ્કૃતિવિકાસનું એક લક્ષણ છે. આ વર્ષે પ્રગટ થયેલા પદ્યરૂપક ‘મહાપ્રસ્થાન’માં યુધિષ્ઠિર નારીસૌંદર્ય માટેની પુરુષની તૃષ્ણાનો જીવન સમગ્રના સંદર્ભમાં એકરાર કરે છે. જાતીય વૃત્તિની ચિરતૃષ્ણા ચારેકોર પડઘાય છે. આ અને આવા અન્ય જીવનવ્યાપારોને ઉમાશંકર માનવધર્મના સંદર્ભમાં પ્રસ્તુત કરતા રહ્યા છે. સમષ્ટિના અનુશાસનની અવહેલના ઉમાશંકરે કદી કરી નથી, કદી ન કરે. જાતીય સંવેગોના નિરૂપણમાં ઉમાશંકર ગંભીર છે.
‘૩૦થી ‘૪૦ના ગાળાના કાર્યરત સમીક્ષકો સુન્દરમ્ને ક્લાસિકલ અને ઉમાશંકરને રોમાન્ટિક કવિ કહેતા એ જાણીને આશ્ચર્ય થયું. કેવી ઉદાર અદલાબદલી! આ ચડતું અને આ ઊતરતુ એવું બતાવી આપવું એ સમીક્ષાનું કામ નથી, પણ શું છે તે બારીકીથી તપાસવાનું છે. ગીતોમાં ક્વચિત્ રોમાન્ટિક મિજાજ ઉમાશંકર પ્રગટ કરે છે. પણ આ મિજાજ મધ્યયુગ તરફ પીછેહઠ કરનારો નથી. ઉમાશંકર જેવો બુદ્ધિશાળી અને આધુનિક કવિ ભાગ્યે જ રોમાન્ટિક હોઈ શકે. જ્યાં વિષયનું રોમાન્ટિક નિરૂપણ છે ત્યાં પણ ઉમાશંકર પેાતાની દૃષ્ટિ વડે સ્વસ્થ રહ્યા છે. હા, આ સ્વસ્થતા એમને ભારેખમ બનાવી દેતી નથી. વ્યક્તિ ઉમાશંકર એક જબરદસ્ત રખડુ છે અને એમની એ ભ્રમણગાથા કાવ્યોમાં ઠીક ઠીક અંકિત થઈ છે. નિસર્ગ વચ્ચે ઉમાશંકરને ઘર જેવું ફાવે છે. એમનું સંવેદન વ્યાપક છે એનું કારણ એક આ પ્રકૃતિપ્રેમ પણ છે. ક્ષિતિજના ઉંબર પર ચરણ મૂકીને પોતાના ભવન જેવા વિશ્વને જોવામાં એ રમમાણ રહ્યા છે. નક્ષત્રો એમને નજીક છે. હિમાલય સ્નેહસિક્ત પોપચાં ઊંચાં કરીને, વિદાય આપવાને બદલે કવિને પાછા દોડી આવવાનું ઇજન આપે છે! બીજી બાજુ લઘુ મુકુલના તંતુઓ સાથેની ગોઠડીમાં માનવજાતિના વીતી ગયેલા શૈશવને પાછું લાવી આપે એવી નિર્વ્યાજ અબોધતા એ ધારણ કરે છે. એક તરફ નવનવોન્મશશાલિની પ્રજ્ઞા છે, બીજી બાજુ નિતાન્ત મુગ્ધતા છે. વિશ્વમાં જે કંઈ બૃહદ્ અને લઘુ, સ્થિર અને ગતિશીલ, પ્રત્યક્ષ અને દર્શનાતીત છે તે સઘળું આ પ્રજ્ઞામુગ્ધ કવિના સંવેદનને ઝંકૃત કરી જાય છે.
ઉમાશંકરના સંવેદનમાં વિભિન્ન ઇંદ્રિયાનુભવ એમના વ્યત્યય સાથે પ્રાપ્ત થાય છે. ગંધ, રૂ૫, સ્વર આદિ ઇંદ્રિયાનુભવોના વિવિધ વૈભવોને એ માણે છે. એમની સ્વસ્થતામાં નિષેધોની સત્તા વરતાતી નથી, પરિણામે એ સ્વસ્થતા સિદ્ધિરૂપ લાગે છે. માનવહૃદયનું ઐશ્વર્ય જોઈને અને બહિર્વિશ્વના સૌંદર્યનો સંવાદ જોઈને તો એ સંતર્પક વિસ્મયમાં વહે છે. આવા વિસમયને એ વાંચે છે, સુગંધને સ્પર્શી શકે છે, પરિવર્તન પામતા રૂપની ગતિ અનુભવી શકે છે. એક ઇંદ્રિયનો અનુભવ બીજી ઇંદ્રિય દ્વારા કવિ પ્રાપ્ત કરે છે. પાંચ ઇંદ્રિયોના વ્યત્યય ઉપરાંત ઉષ્મા – heat (the thermal sense) અને સંચાર – motion (the kinesthestic sense)નો પણ અનુભવ થાય છે. ‘થોડોક એક તડકો ઢોળાઈ ગયો આભથી’ – અહીં કલ્પનમાં ગતિ અનુભવાય છે.
બદલાતી ઋતુઓમાં નવજન્મ પામતો સમય ઉમાશંકરને કવિતા આપતો રહ્યો છે. વિભિન્ન છટાઓ અને અભિનવ સ્મિત લઈને આવતી આ ઋતુઓ ઉમાશંકરને ‘ગંગોત્રી’થી ‘વસંતવર્ષા સુધી કહેતી રહી છે: ‘ગાણું અધૂરુમેલ મા ‘લ્યા વાલમા…
ગુજરાતી કવિઓમાં ઉમાશંકર અદ્વિતીય છે એમનાં પ્રબંધકાવ્યો (સંવાદકાવ્યો અને પદ્યરૂપકો)ને લીધે. આ કાવ્યોમાં સંવેદનને અર્થઘટન સંપન્ન કરે છે. કવિ શું માને છે – જીવન અંગેનું એનું કોઈ દર્શનવિશેષ છે ખરું? આ મુદ્દો ઊર્મિકાવ્યોમાં મહત્ત્વનું સ્થાન ભલે ન ભોગવે, પ્રબંધકાવ્યોમાં એનું સ્થાન અનિવાર્ય છે. ચિંતનનું – દર્શનનું સૌંદર્ય અનુભવવું એ સમર્થ કવિઓનું કાર્યક્ષેત્ર છે. પોતાનાં પ્રબંધકાવ્યોમાં ઉમાશંકરનું સંવેદન ફક્ત ઝંકૃત થઈને શાંત થઈ જતું નથી, અર્થઘટન આપે છે, મૂલ્યોનું પ્રતિષ્ઠાન કરે છે. બીજાં કાવ્યસ્વરૂપોના પ્રણયન કરતાં પદ્યનાટકના પ્રણયનમાં વધુ વિકસિત સંવેદનશીલતા જોઈએ. આ૫ણા વ્યતીતના વિભિન્ન યુગોને ઉમાશંકર પોતાનાં આ કાવ્યોમાં નૂતન અર્થાવતાર આપે છે. ‘પ્રાચીના’માં મહાભારતનાં પાત્રોને ગાંધીયુગની સંવેદના મળી. ભારતીય સંસ્કૃતિને સામયિક અને ભૌગોલિક સીમાઓથી મુક્ત નિરૂપવામાં ઉમાશંકરે પોતાની શ્રદ્ધા પ્રગટ કરી છે. આ કાવ્યોમાં ભારતીય સંસ્કૃતિનું પ્રાસાદિક સારતત્ત્વ અંકાયું છે.
‘યુધિષ્ઠિર’ કાવ્યમાં એક અનંત તટ પર સાગરનાં મોજાં ધસી આવતાં હોય તેમ યુધિષ્ઠિરની સાથે સ્વર્ગ ખેંચાઈ આવે છે, અને નરક સ્વર્ગમાં પરિવર્તન પામે છે, જ્યાં ‘ધર્મ’ની ગતિ છે ત્યાં નરકનું અસ્તિત્વ કેવી રીતે ટકી શકે? યુધિષ્ઠિર આ કવિ માટે ભારતીય પુરુષનું આદર્શ ચિત્રકલ્પ છે. જાણે કે યુધિષ્ઠિકને ઉમાશંકર પોતાના મુરબ્બી તરીકે સ્વીકારે છે. ત્રણ પદ્યરૂપકોમાં એ યુધિષ્ઠિરને આત્મીયતાપૂર્વક ખેંચી લાવ્યા છે. યુધિષ્ઠિરના વર્તનમાંથી જે મૂલ્યો ઊપસે છે તે ઉમાશંકરની આત્માનુભૂતિનું પરિણામ છે એમ સ્વીકારવું.
આપણે ત્યાં હમણાં હમણાં પાશ્ચાત્ય અભિપ્રાયોથી ભોળવાઈને કેટલાક સમીક્ષકો મૂલ્યોથી ભડકવાનું શીખ્યા છે. એક નિઃસંગતાએ–isolation theoryએ ફ્રેન્ચ કવિતામાં જગા રોકેલી. મલાર્મે પહેલાં અને પછી પણ આ અલગતાવાદ ઠીકઠીક ચાલ્યો. એ આધારે આપણે ત્યાં હમણાં સાંસ્કૃતિક પરંપરાઓ, મૂલ્યો આદિ સાથે અસ્પૃશ્યતાનો ભાવ કેળવાઈ રહ્યો છે. Theophile Gautair નામના એક કલાપ્રેમીએ તો પોતાનો આગ્રહ રજૂ કરવામાં હદ કરી છે–‘There is nothing really beautiful except what is of no possible use. Everything that is useful is ugly.’ જે કંઈ ઉપયોગી – સાર્થક હોય તે કુરૂપ? ઉપયોગિતાવાદને લીધે કલામાં આવી જતી સ્થૂલતા ઉમાશંકરમાં નથી. કલાની સૂક્ષ્મતાઓ અને મૂલ્યોનું સહઅસ્તિત્વ ઉમાશંકરની કવિતામાં સંભવ્યું છે. એમનો સમાજાભિનિવેશ સંવેદ્ય જગતમાં રૂપાન્તર પામીએ પ્રગટ થયો છે તેવાં ઘણાં કાવ્યો હૃદ્ય બન્યાં છે. ‘પ્રાચીન’ એ ભૂતકાળને સ્મરણાંજલિ નથી, યુગજન્ય મૂલ્યબોધનો પડઘો છે. પરંપરાઓથી અવિચ્છિન્ન એવી આધુનિક સંવેદના ઉમાશંકરની કવિતામાં દૃષ્ટિગત થાય છે. વ્યાપક સંવેદનવાળા કવિઓ શુદ્ધ કવિ – Pure Poetryની ક્ષિતિજો વિસ્તારી શકે. ઉમાશંકરમાં આવું થતું જોવા મળે છે.
નવ ભાવ અને તેત્રીસ સંચારી ભાવ જીવનની સમગ્રતાને સાંકળી લેવા પૂરતા નથી. જેમનાં આપણે ચોક્કસ નામ પાડી શક્યા નથી તેવા ભાવો, તેવા તરંગો, તેવી મનઃસ્થિતિઓ (State of mind) ઉમાશંકરના સંવેદનમાં પ્રાપ્ત થાય છે. ‘આત્માનાં ખંડેર’ કાવ્ય વાંચતાં ખ્યાલ આવે છે કે ઉમાશંકર મનની અખિલાઈને કેટલી હદે પામ્યા છે. જીવન કેવું સમૃદ્ધ, વિપુલ અને અબાધિત છે એ જોવામાં જેમને રસ હોય તે પણ ઉમાશંકરની સિદ્ધ થઈ છે તે કવિતા વાંચે અને આનંદે. આનંદ એ પ્રધાન પ્રયોજન હોવા છતાં એક માત્ર પ્રયોજન અહીં નથી. દ્વિતીય છતાં સહેજે ઓછા મહત્ત્વનું નહિ, બલ્કે અદ્વિતીય પ્રયોજન છે જીવન-શોધન. કોઈ દર્શન-વિશેષમાં સંકળાઈ ગયા પછી પણ જીવનશોધન સંભવતું હશે, પરંતુ આ પરત્વે ઉમાશંકર પક્ષાતીત સ્થિતિ જાળવી શક્યા છે, સ્વાધીન છે. ચૈતન્યના સ્ફુરાયમાણ અણુઓનો અનુભવ કરીને વ્યાપક સંવેદનનું કાવ્ય ઉમાશંકર કેટલીક રચનાઓમાં આપી શક્યા છે.
એ હૃદ્ય રચનાઓ પસંદ કરીને આ ત્રણ મુદ્દાઓ ઝીણવટથી તપાસવાના રહે—
૧. સંવેદનાનો વ્યાપ
૨. સંવેદનમાં સૂક્ષ્મતા
૩. સંવેદન અને અર્થઘટનનું સાયુજ્ય.
(ઑક્ટોબર ૧૯૬૪)
૨. આત્માનાં ખંડેર: વિસ્મયથી સમજ સુધી
‘આગંતુક’ને કવિ પોતાનાથી જુદો પાડીને એને જ આ કાવ્યનો ઉદ્ગાતા બનાવે છે તેથી તટસ્થતાનો આભાસ સર્જાયો છે અને કાવ્યમાં થયેલાં કથનની સીધી જવાબદારી કવિેન માથે આવતી નથી, છતાં સમગ્ર કાવ્યમાંથી ફલિત થતો સ્વર કવિનો છે. તે છે આશ્ચર્યથી સમજ સુધી પહોંચવાનો ઉપક્રમ, આગંતુકમાંથી જ્ઞાતા બનવાની તૈયારી. એ માટે કવિ માનસિક ગતિનો જે આલેખ આપી શક્યા છે તે જ સત્તર સોનેટ માટે એક સંકલનસૂત્ર બને છે.
‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’
આકાંક્ષાભર્યા અવાજમાં જ આ ભૂમિ સાથે સંબંધ ન રચાયાનો અફસોસ ભળેલો છે. વિશ્વમાં વ્યાપી જવા મથતી આત્માની વ્યથા વિશે આગંતુક તુરત કહે છે. એને બેચેની છે, અળગા રહી જવાની. દ્વૈતના વિલયને શક્ય બનાવતી મનઃસ્થિતિ એક મુગ્ધ આગંતુક પાસે હોય પણ ક્યાંથી? આવેશ છે, આવેશમાંથી જાગેલો આત્મવિશ્વાસ છે. પણ એ આત્મપ્રતીતિ નથી, એ તો છેક છેલ્લે થાય છે: જે સૃષ્ટિ પર વિજય મેળવવા મનસૂબો કર્યો તો તો પોતાની જ કોઈ આંતરિક ભગ્નતાનું પ્રતિરૂપ છે. આમ મુગ્ધ વિશ્વાસમાંથી વિક્ષિપ્ત કરી મૂકે એવી પ્રતીતિ સુધી કવિ અાગંતુકને લઈ જાય છે, જે આરંભે ઉરછલકતા કોર્ડ ધરાવે છે, જેને થાય છે કે જલસ્થલને પોતાની જ કથા કહેવી. કાલસ્થલના વિસ્તારોને એમનું સૌંદય છે પણ આગંતુકને લાગે છે કે પોતે એમાં ગેરહાજર છે તેથી જે છે એ બધું નથી. જે સ્થલમાં વ્યાપેલું છે, જે કાલમાં વ્યાપેલું છે એ બધું જ એના હોવાના અભાવે નથી. એની બેઉ બાજુ વ્યાપેલો સમય એ એની જ રચના છે. એના ન જોવાને લીધે જે ન હતું તે હવે એના જોવાથી છે. આ સાગર, આ નગર, આ ચહેરા પહેલાંય હતા પણ મારા આવવા પૂર્વે એમને જોનારી એક આખી નજર ન હતી, એમને એક સંબોધન ન હતું.
સંબોધન બે મહેરામણોને માત્ર અવાજ દ્વારા એક કરી શકે છે. એક આ માનવસિંધુ અને બીજો ગેબી કંઈ તાલથી નર્તનારો. વાચકને કદાચ અપેક્ષા જાગે, ગેબી તાલના વિશેષ શ્રવણની. પણ આગંતુકની કક્ષા જોતાં એ ગેબી તાલ જેવા શબ્દો બોલી જાય છે એ જ ઘણું લાગે છે. સ્વાભાવિક રીતે જ ગેબી તાલ હુલાસે ચગવા માગતા જીવનની આડશે રહી જાય છે. આગંતુક પોતાની કામના વિશે સાવધ બનવા લાગે છે. જાણે કે સત્યનો પ્રથમ સ્પર્શ એ પામે છે. મહત્ત્વાકાંક્ષાનાં વિવિધરંગી મેઘધનુની છટા ચક્ષુને તો રીઝવી જાય છે પણ આત્મબળને એ પજવે છે. વિજય માટેનો પડકાર ઝીલી લેવાની વૃત્તિને ઓળખવા જતાં જ આગંતુક કવિને પરિચિત ઇતિહાસને છેડે મુકાય છે અને ક્રમશઃ એ આગળ આવે છે. અનેક કાવ્યોમાં ઉમાશંકર આ પદ્ધતિ સ્વીકારી લે છે, અનુભવને ઇતિહાસની પ્રસિદ્ધ વ્યક્તિઓ અને ઘટનાઓના સંદર્ભમાં જોવો, માટે ભાગે જેમાંથી ભૂલ વિનાની નામાવલી મળી રહે છે. એ પછી અહીં એ કહ્યું છે કે સૃષ્ટિની પ્રથમ પલકથી જ એક ચેતનની તણખ જાગેલી જે યુગે યુગે વેગથી ધસતી વિકસતી રહી અને જે છેલ્લે પ્રજ્ઞામાં પરિણમી.
પ્રજ્ઞાની પ્રાપ્તિનો ક્રમ ઉતાવળિયો છે બેશક, પણ કવિને અભિપ્રેત છે આગતુકની વાણીમાં વળાંક આવે છે. માણસ સંપ્રજ્ઞ થાય ત્યાં એનામાં મહત્ત્વાકાંક્ષા રહે ખરી? વિજેતા બનવાની અભીપ્સા રહે? પાંચમા સોનેટમાં આવતાં તે આગતુક જુદી જ વાત કરે છે. હવે એ શિશુ હક માગે છે: હવે એને તૃષા છે શૈશવતીઃ હવે એ મૈયાનો શિશુ બનશે અને એમાંથી માનવ થશે. એ માટે વિકાસધારા માગે છે, પોતાના શિશુહકથી: “થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા!” માત્ર પૃથ્વી જ નહિ, સમગ્ર સૃષ્ટિ આગંતુક માટે મૈયારૂપ છે.
“રાતે શ્વસે ધડક થાનની તેજગૂંથ્યા કમખા પૂઠે,”
સંવેદનનો વ્યાપ કહેતાં આ એકાદ પંક્તિમાં કવિને વિરાટ પ્રતિમા મળી જાય છે. ધરાગગનને આખો અંતરાલ એક રૂપથી સભર બની જાય છે. ‘નિશીથ’ નામના કાવ્યમાં કવિ આવી વિરાટ રૂપલીલા આલેખે છે–‘પ્રતિક્ષણે જે ચકરાતી પૃથ્વી, પીઠે તેની પાય માંડી છટાથી, તાલી દેતો દૂરના તારકોથી.’ ગતિશીલ કલ્પન વાચકની ગ્રહણશીલતાને સહાયક થાય છે અને વિરાટની અનુભૂતિ કવિ સરળતાથી કરાવી જાય છે. વ્યાપકને એકાદ પંક્તિમાં આવરી લેતાં કે વિરાટને થોડા શબ્દોમાં સમેટી લેતાં કલ્પનો ઉમાશંકરની કવિતામાં અન્યત્ર પણ જોવા મળ્યાં છે. [‘દૂધસાગર ગાવા’માં અવકાશધેનુનું ચિત્ર જુઓ. ધોધ એના દૂધની ધાર જેવો (અભિજ્ઞા).
વસંતવર્ષા’માં ક્યાંક પૃષ્ઠના નીચેના ભાગમાં આવે છે – અંધકારના ઢગ ગળાઈ રહ્યા છે, ને ધીરે ધીરે આકાર ધારણ કરે છે. પછી ક્ષિતિજે જળમાંથી ઊપસી આવે છે અજાણ્યા દ્વીપ-ડુંગરા! આવું કંઈ જ થતું હોતું નથી, પણ દૃષ્ટિના આભાસની જે લીલા છે, તે જ આપણી સામે રચના બનીને આવે છે. અંધકારના ઢગ ગળતા જાય છે, આકૃતિ બદલતા જાય છે, શમી જાય છે અને એ જ પાછા ક્ષિતિજે જળમાંથી કેવાં અજાણ્યાં રૂપ લઈને બહાર ઊપસી આવે છે! ચિત્ર આપી દેવું એમ નહિ, રચાતું ચિત્ર આપી રહેવું.
ઉમાશંકરની આ શક્તિ પ્રસ્તુત કાવ્ય “અત્માનાં ખડેર’માં છે તેમ અન્યત્ર છે પણ આ તત્ત્વ એમનામાં આકસ્મિક છે, કલ્પનો એમની કવિતામાંથી શોધી કાઢવાં પડે. અને એમ જ હોય, એ કંઈ કલ્પનવાદી કવિ નથી. એમનું ધ્યાન મોટે ભાગે સંવૈદ્ય કથનમાં કેન્દ્રિત હોય છે.] ઉપર જે સૃષ્ટિનું ચિત્ર જોયું – નારીરૂપે – એ કથનને ઉપકારક બને છે, તેથી એમની કવિતામાં છે. આ માતૃરૂપ – સૃષ્ટિરૂપ નારીના થાનની ધડક રાત્રે તેજગૂ થા કમખા પૂઠે શ્વસતી લાગે છે. આ સૃષ્ટિ પાસેથી જ આદિ કવિતાની ચેતના પામવાની છે, સમગ્ર વિશ્વકુળને પ્રણય પામવાનો છે.
પયઘૂંટનું સ્થાન રૂપ લે છે. મૈયાને સ્થાને રમણી આવે છે. (કવિનો યુગ એના અવાજમાં ભળી જાય છે-પ્રકૃતિ-રમણીનાં નવાં નવાં રૂપમાં નથી ફસાવું.
‘પ્રણય જગને અર્પણ કર્યો.’
પ્રકૃતિપ્રણયથી અદકો છે મનુજપ્રણય. લોકો ભલે અવગણે કે ચાહે, એમની પાસેથી જે કઈ પ્રતિભાવ મળે એ સ્વીકાય. કુદરત પ્રિય છે આગતુકને પરંતુ એથી વિશેષ પ્રિય છે અમૃત છાયેલી-મનુષ્ય છાયેલી ઉરની કુંજ.
આગંતુકને આ ઉદ્ગાર એ ઉમાશંકરનું ધ્રુવ૫દ છે, પ્રયત્ન વિના પ્રાપ્ત થયેલું? માત્ર સ્વીકાર કરી લેવાથી? ના, એ પ્રશ્નનો આત્માનાં ખડેર’માં ઉત્તર છે – સમજપૂર્વક, ‘મનુષ્ય છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની’ એ સ્થાપના ‘વસંતવર્ષા’ સુધીમાં પ્રતિજ્ઞા બને છે. કહે છે– (રહ્યાં વર્ષો તેમાં) અમૃત લઈ આવ્યો અવનિનું અમૃત તે વળી અહીથી લઈ જવાનું હોય કે અહીં મૂકી જવાનું હોય? જીવન પછીનું જીવન- મોક્ષની વાસના – ના, આવું બધું અહીં નથી. અમૃતલોકમાં જ અમૃત લઈ જવું છે, અવનિનું અમૃત. અહીં ભાર અવનિ પર છે. અને અવનિ જે સતત છે, જે સૃષ્ટિ છે.
આદર આકાશનો પણ પક્ષપાત પૃથ્વી માટે. પૃથ્વી એટલે વસ્તુતઃ જે છે, અમૃત એટલે જે હોઈ શકે.
આગંતુક જ્યાં ઊભો છે ત્યાં નીરખે છે, જે તેની નજીક છે તેને નીરખે છે. અનુભવે છે. થયેલા અનુભવોને અનુભવમાં ઉમેરે છે.
“પળે સકળ આજની ગતપળાથી પોષાય, ને
જિવાય ગત એ પળા સકળ આજની માં; અને
ભવિષ્ય તણી સૌ ક્ષણો ઊતરી આજ આશારૂપે—
સમૃદ્ધ ક્ષણ વર્તમાન કરતી થતી, ને સ્વયં.”
સયમની અખંડિતતા એટલે કે સૃષ્ટિનું સાતત્ય એ ઉમાશંકરની પ્રથમ શ્રદ્ધા છે. વર્તમાનની સીમામાં એ બંધાઈ રહેવા માગતા નથી. ક્ષણ જે વર્તમાનને ખ્યાલ આપે છે, તેને સમયની સમગ્રતા સમૃદ્ધ કરે છે. (નિશીથ પછી પ્રગટ થયેલા) એલિયટના ફોર ક્વાર્ટેટ્સના આરંભે સમય વિશે કહેવાયેલું’ અહીં યાદ આવે છે –
Time present and time past
Are both perhaps present in time future,
And time future contained in time past.
If all time is eternally present
All time is unredeemable.
ક્ષણે ક્ષણ અનંત છે એ નવમા સોનેટમાં પ્રાપ્ત થતી સમજ છે.
વળી, અંગતુકને યાદ આવે છે જે વીતી ગયું છે. મધ્યાહ્નો. મધરાત્રિઓ – એ સહુ એને હૈયે અજાણ યાત્રીઓ બની રહે છે. સમયની તૃષા પણ સંવિત્તિ સુધી લઈ જઈ શકે.
આજ સુધી થયેલા અવબોધને પરિણામે જાગેલું સંવેદન સમયની ભીંસ અનુભવી શકે એમ છે. સાથે અસિદ્ધિના ડંખ અને અણમાણ્યા પ્રણય દમી રહે છે. (‘અણમાણ્યા પ્રણય’ જેવાં પદ ઉમાશંકરની કવિતામાં હોતાં નથી) આ સ્થિતિમાં—આવા દમનમાં પણ જિજીવિષા?
‘અશક્તિ આત્મહત્યાની એની આશા કહે જનો.’
આ વૈચારિક અનુભૂતિમાં જ આગતુંક વ્યગ્ર બની જાય છે. અકળામણની સ્થિતિમાં જ પ્રશ્ન જાગે છે. પ્રાપ્તિ જેવું કશું ખરું? જન્મ અને મૃત્યુ વચ્ચેની અવધિમાં સુખી થવાના પ્રયત્નનું રેતી નિચોવ્યા સાથેનું સામ્ય-
‘વૃક્ષા યને ખુએ મૃગજળનીચે રમ્ય ભ્રમણા.’
મૃગજળને મૃગજળ તરીકે જોવાની–માણવાની તૈયારીમાં યથાર્થને ઓળખવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. અસત આનંદોની પરબ ન રચાય. બેહતર કે શોકપ્રેર્યા દગજલ યથાર્થને સેવે.
આશાનું આકસ્મિક પૂર ઓસરી ગયું છે, અનુભવ થયો છે; સમજ મળી છે, બલ્કે સમજને અનુભવ થયો છે – જાગ્રત થઈ જવા જેવું કંઈક થઈ ગયું છે. હવે તો જાણે અજાણ્યેજોખમ ખેડાઈ ગયું – નિર્ભ્રાન્ત થવા માટેનું.
આગંતુકની પાંપણ પરથી રંગભરી જવનિકા સરી ગઈ અને ધુમ્મસ ભેગું ચિત્ત ક્ષિતિજે વેરાઈ ગયું. અંત ભાગમાં કાવ્ય એની આરંભની કાવ્યાત્મક કક્ષાએ પહોંચી જાય છે અને વધુમાં એમાં તીવ્રતા ઉમેરાઈ છે. આ માનસિક ગતિ ક્યાં જઈને અટકે છે, નિર્ભાન્તિ પાસે. ધુમ્મસની જેમ વેરાવાની સ્થિતિએ પહોંચનાર હવે પેલા મહેરામણને, પેલી વિરાટ જનતાને જોઈ શકતો નથી. એની નજર બદલાઈ ગઈ છે. હવે તો—
‘આત્માતણ અરધભગ્ન ઊભેલ અર્ધા
ખંડેરની જગપટે પથરાઈ લીલા.’
કોના વિજેતા થવાનું હતું? આ ખંડેરોના? કયા વિસ્તારવાનો હતો આત્માને? આ ખંડેરોમાં? ખંડેરોની કરુણભીષણ ગાથામાં? હા, આરંભે જુદી ભૂમિકાએ વિસ્તરવા ધાયું હતું—વિજયની વૃત્તિ દ્વારા. અંતે ભૂમિકા બદલાઈ છે. જેમાં એ જાણે છે કે આ બાહ્ય ભગ્નતા એ એની અંતરતમ સૃષ્ટિનું પ્રતિરૂપ છે. આ તીખી પ્રતીતિ એ જ વાસ્તવિકતા છે. હવે કોઈ સત્ત્વ પાસે શક્તિની યાચના નથી કરવી. દુરિતલોપ કરીને પોતાની અપેક્ષાનું જગત જોવાની ઇચ્છા નથી ટકાવી રાખવી. કાળની વજનશૃંખલા જ હવે એક પછી એક ડગ મુકાવે છે. આમ છે તે પછી આ જ ઇષ્ટ છે, જે છે તેનાથી વાકેફ થવું – એને અનાવરણ સાક્ષાત્કાર કરવો – મૌગ્ધ્ય ફગાવી દેવું; કેમ કે યથાર્થ જ સુપથ્ય એક. પારકી શ્રદ્ધાથી ચલાવી લેવું નથી, તેણે રિબાવાની તૈયારી સાથે સમજવું શરૂ કરવું પડે. અજાણું રમવું કશું!
“યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે,
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.”
Poetry is understanding — પાસ્તરનાક બલ્કે આમ, જાણ્યા પછી પણ, અષ્ટક જાણીને જ ચાહવાનું રહે છે. સહુની આંખમાં મારાં જુદાં જુદાં પ્રતિબિંબ છે એ જાણીને પણ એ સહુને ચાહવામાં જે સ્વાભાવિક નથી તે કરવાનું, સંકલ્પથી. અમૃત સિવાય તો આ અવનિમાં ઘણું બધું છે, એ બધું તો છે જ, અલબત્ત એને નકારવાનું તે નથી જ પણ એમાં પામવા જેવું પણ શું છે? જે દુલભ હોય તેને પામવાનું હોય. અને એ પણ પૂર્ણપણે પ્રાપ્ત થઈ જાય એવું શા માટે? ‘અભિજ્ઞા’માં છેલે મૂકેલી કવિતામાં એક પંક્તિ કૌંસમાં કહી છે— “સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયાં જ.’
વિસ્મયથી જાગતું સંવેદન સમજમાં – understandingમાં પરિણમે છે. કેટકેટલી કૃતિઓમાં ઉમાશંકર સમજના બિન્દુને આખરી બિન્દુ બનાવે છે! ‘આત્માનાં ખંડેર’માં એ પ્રક્રિયાનો આલેખ દૃશ્ય બન્યો છે, અને આ એક કાવ્ય પણ ઉમાશંકરની કવિતાને ઘણોબધો પરિચય કરાવી રહે છે. કવિઓ પૃથ્વી અને અપાર્થિવને સાંકળવા મથતા હોય છે. કોઈ સહજ વેગે, વિસ્મયના લયમાં એ સિદ્ધ કરતા હોય છે, ઉમાશંકર સમજ દ્વારા એ સિદ્ધ કરતા જણાય છે. કવિતાને અંતે તારણ સુધી આવવાની પ્રવૃત્તિનું મૂળ પણ એમાં જ છે. આજકાલ કવિતા લખનારાઓમાંથી મોટા ભાગનાને શબ્દ સમજકેન્દ્રિત નથી અને વિસ્મયકેન્દ્રિત પણ ભાગ્યે જ હોય છે. કશાક ખટકો છે, તેથી એમની રચનાઓમાં આરંભ અને અંતે વચ્ચેનો સંબંધ જુદી જ રીતે રચાય છે. ઉમાશંકર કેટલી જુદા પડે છે!—જૂના પડે છે એમ ને કહેવું. એનો મધ્યભાગ શિથિલ હોવા છતાં ‘આત્માનાં ખંડેર’ જેવાં વ્યાપક સંવેદન ધરાવતાં કાવ્યો – મનોગતિથી સંકલિત થયેલાં સુદીર્ઘ કાવ્યો – આપણે ત્યાં હજી બહુ સુલભ નથી થયાં.
ઑગસ્ટ ૧૯૬૮
(આત્માની માતૃભાષા)