એવું જ માગું મોત
કરસનદાસ માણેક
એવું જ માગું મોત,
આદિકાળથી કવિઓ – બ્રહ્મા અને શબ્દબ્રહ્મ – એકબીજાનો સહારો લીધા જ કરે છે! આપણે ઈશ્વર પાસે ઘણુંબધું માગીએ છીએ… એકમાત્ર ઈશ્વર સિવાય બધું જ! આધુનિક કવિતામાં ‘જીવનજ્યોત જગાવો’ કે આ જ યુગમાં ‘પ્રભુ! જીવન દે. પ્રભુ જીવન દે/જીવવા નહીં તો મરવા કોઈ ભવ્ય પ્રસંગ તું દે!’ની માગણી કે પછી દયારામ ‘અંત સમે અલબેલાને’ આવવાનું ઇજન આપે… આ બધી માગણીઓ અંતે તો એક જ છે; માત્ર આ નિવેદનપત્રક પાછળનાં કારણો જુદાં જુદાં હોય.
મનુષ્યના સમગ્ર જીવનનો ખરો ખ્યાલ તો એના મૃત્યુ પરથી જ આવે. મનુષ્યને ઇચ્છાજીવન મળતું નથી; તો ઇચ્છામૃત્યુ પણ ક્યાં મળે છે? મૃત્યુની બાણશય્યાએ પણ સૂતાં હોઈએ ત્યારે જીવન માટેનાં વલખાં અને વલોપાત અસહ્ય હોય છે. માણસને ‘ઓરતા’ હોય, હોવા જોઈએ. પણ આ ઓરતા જો મૃત્યુની આંચ સુધી પણ એવા ને એવા અસમાધાનકારી પહોંચ્યા જ કરે તો એ ‘ઓરતા’ નહીં પણ તુચ્છકારવાચક ‘ઓતરડા’ થઈ જતા હોય છે. આ કાવ્યનાયક ઈશ્વર પાસે એવું મૃત્યુ માગે છે જેમાં ઇચ્છા પોતે જ મૃત્યુ પામે.
ગાંધીયુગના આ વિદ્વાન-કવિની અહીં પહેલી કડી વાંચીએ ત્યારે આજૂકા આધુનિક કવિને કહેવાનું મન થઈ આવે છે કે ‘આ સરળતા તો જુઓ: ભાષાનું આ સહજ સ્વરૂપ તો જુઓ!’… ‘આ થયું હોત ને તે થયું હોત…’ મૃત્યુ આમ તો એક ક્ષણનો જ મામલો છે; પણ એ ક્ષણ પોતે જીવનની તમામ ક્ષણોના નિષ્કર્ષરૂપ હોય છે. ગીતાની બ્રાહ્મી સ્થિતિ આપોઆપ નથી જડતી. એ તો જેણે આયખાભર પોતાના ‘આતમ કેરું પોત’ પાતળું પડવા ન દીધું હોય એને કદાચ આ ક્ષણ મળે તો મળે. ‘તાર અખંડિત રહેશે, ભગત એનો/કસબી બનીને જેણે કાંત્યું’ (ઇન્દુલાલ ગાંધી) – એમ જે સાચો કસબી છે. જેની આંતરિક સજ્જતા ‘અવિરત ગોત’ ચલાવવા સતત પ્રેરતી હોય એવાને જ આ ક્ષણની વિરલ શાંતિ મળે તો મળે.
આજે શરૂ થાય ને કાલે પૂરી થાય એવી આ શોધ નથી. આ શોધ તો અંતિમ શ્વાસ લગીની અવિરામ શોધ છે. स्थित्वाऽस्यामन्तकालेऽपिની આ તો લેણદેણ છે. આંતરિક કોલાહલો શમે તો જ ‘કાયાની કણી કણીથી પ્રગટે એક જ શાન્ત સરોદ.’ બહારની દુનિયાની રોશનીમાં નહીં. પણ માણસ જ્યારે પોતાની આંતરજ્યોતમાં ઓતપ્રોત હોય – માણસ જ્યારે પોતાની શુદ્ધ ઘીની લાગણીઓની જ્યોતની શિખા સાથે આંખ મિલાવતો હોય – ત્યારે પોતાનું પ્રાણ-કપોત ઊડી જાય એવી આ કાવ્યનાયકની આરજૂ છે.
વન, પર્વત કે સરિતા હોય; ગતિ, સ્થિતિ કે પરિસ્થિતિ હોય – કંઈ પણ હોય: પણ પળેપળ મારી આંખ સામે તો હોય મારો ‘જનમમરણનો સાથી’… ટાગોરના એક ગીતનો ઉપાડ ‘मरण रे तुंहि मम श्यामसमान’ કે પછી બ્રહ્માનંદનું ‘मेरा सांवरा निकट हो, जब प्राण सनसे निकले’નો આર્તનાદ અહીં પણ એ તીવ્રતાથી સંભળાય છે.
શ્રી કરસનદાસ માણેક જોડણીકોશના શબ્દોથી કવિતા નથી લખતા. એમનામાં બોલતી ભાષાનો ઉછાળો છે. એમને મળેલા લયમાં એમના શબ્દો ઝાકળની જેમ ઝમે છે. આ પ્રાર્થના-ગીતમાં શરૂથી અંત સુધી પ્રાસ જુઓ. એમાં એકસૂરાપણું નહીં. પરંતુ મૃત્યુની એષણાની કન્સિસ્ટન્સી જેવી એકસૂત્રતા છે. અહીં લય શબ્દની ગોતાગોત નથી કરતો: અહીં તો લયસિદ્ધ શબ્દની જ્યોત દેખા દે છે.
૧૭-૮-’૭૫
(એકાંતની સભા)