પ્રહ્લાદ પારેખ
આજ
આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
ઝૂલણા છંદના સંગીતને પ્રાસાદિક મધુર પદાવલી અને સુભગ પ્રાસસંકલનાથી બહલાવતી આ રચના એમાંના સભર મૌગ્ધ્ય અને ગાઢ અનુભૂતિની એમાંની પ્રતીતિએ ભાવકચિત્તમાં ભાવગુંજન રમતું કરે છે. ઝૂલણાનો છંદોલય પળે પળે ખૂલતો ખૂલતો, આંતરિક સભરત્વને ઉદ્ગારતો હોય છે અને એની ઝૂલતી ગતિમાં ગરિમા સહજપણે ફોર્યા કરતી હોય છે. આ રચનાને ઝૂલણાનો એ સ્વભાવ સારો પ્રગટ કર્યો છે. એ પ્રાગટ્ય સાક્ષાત્ બને છે. આ રચનાની આરંભની બે પંક્તિઓમાં પણ. અહીં વાત છે ‘આર્જની, કિંતુ એને અહીં એવું કાવ્યરૂપ ચડ્યું છે, કે ભાવક જ્યારે જ્યારે આ રચના ગુંજે, ત્યારે ત્યારે એ ‘આજ’ જાણે સદાયની સજીવ, — નિરંતર શી હોય એમ એ અનુભવે છે. તેથી’સ્તો કવિ સુધ્ધાં પહેલી ત્રણ પંક્તિઓમાં તો સળંગ, પણ પછીની કડીની પહેલી-ત્રીજી લીટીમાંયે એ ‘આજ’નો ઉલ્લાસનાદ ઘૂંટી આપે છે. એટલું જ નહિ, શીર્ષક દ્વારા કવિએ કાવ્ય સમગ્રમાં એને ફરફરાવ્યો છે.
‘આજ અંધાર ખુશબો ભર્યો લાગતો’ એમ પહેલી જ લીટીએ વાતાવરણનું દૃશ્ય સ્પર્શક્ષમ કરતું આ કાવ્ય રાતસમગ્રમાં એ સૌરભ ઊભરાતી વર્ણવે છે. આ ચિત્રમાં ‘લાગતો’ શબ્દ સૂચક છે. કાવ્યમાં કવિની અનુભૂતિ કેન્દ્રમાં છે, વર્ણવેલું પ્રકૃતિદૃશ્ય તો માત્ર નિમિત્ત, એ વાતનો અણસારો એ શબ્દમાં અનુભવાશે. પરંતુ આ અનુભૂતિનું નિમિત્ત પ્રત્યક્ષ વાસ્તવિક પણ છે જઃ ‘આજ આ શાલની મંજરી ઝરી ઝરી/પમરતી…’ આ પમરતી શાલમંજરીના પરિમલનો નિર્દેશ પછી કરાયો છે. પહેલો ઉલ્લેખ તો ‘આજ અંધાર ખુશબો ભર્યો લાગતો’ એ રીતે જ કરાયો છે. આ રીતિ કાવ્યાનુફૂલ નાટ્યાંશે ઉપાડને આકર્ષક કરે છે. ઝરતી મંજરી ‘પાથરી દે પથારી’—માં કવિમનની આસાયેશ આલેખીને સમગ્ર છેલ્લી પંક્તિજોડના વર્ણાનુપ્રાસમાધુર્યને બઢાવે ય છે.
પ્રત્યક્ષ નિમિત્ત – શાલમંજરીને તો જાણે સાધારણ વાસ્તવ રૂપે જ ચિંધાયું હોય એમ, કાવ્ય પુનઃ કવિઅનુભૂતિના અગમ્ય-અદ્ભુત-અસલ સ્વરૂપ ભણી વળે છે. કોઈ-અકળ દિવ્ય સિંધુની લહર-લહર આજે જાણે ‘ઓ પાર’ની ગંધ અહીં લાવતી હોય એવું કવિમન અનુભવે છે. મનનો અનુભવ આંખ-ઇન્દ્રિય અનુભવથી અધિક નક્કર’સ્તો. તેથી’સ્તો આ અદ્ભુત ‘સુગંધી’ આજે તો આકાશના તારાઓમાંથી યે મ્હેકતી આવતી જણાય છે. માણસની ચેતનાનું સત્ય સંવેદન આવું વાસ્તવિક જ ઠેરવે, આગલી કડીનાં ‘સારી’ શબ્દ, યા આ કડીમાંની ‘મ્હેકતી…સુગંધી’ની પુનરુક્તિ કાવ્યના વહેતા લાવણ્યમાં ભુલાઈ જવાનાં.
‘ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું’–એ શ્રદ્ધામૂલક પૃચ્છાથી પ્રારંભાતી હવેની કડી રચનારીતિનું સારું કૌશલ પણ સૂચવે છે. એવું કયું પુષ્પ ક્યાં ખીલ્યું છે, ‘જેહના મઘમઘાટે નિશા આજ ભારી?’ ભલે પ્રાસભાને, પણ ‘ભારી’ શબ્દ પૂર્ણતાનું ચિત્ર ઠસ્સાથી આંકી લે છે. રાત પૂરેપૂરી-આકંઠ ભરાઈ ગઈ છે આવા મઘમઘાટથી. આ ‘પુષ્પ’નું પ્રતીક સત્ય-શિવ-સુંદરના પરમૈક્યને સૂચવતું હોય. કે પછી અવાચ્ય સૌંદર્યતત્ત્વને જ ચીંધતું હોય, કે કવિ-માણસના માંહ્યલા રૂપને ય અણસારતું હોય. કદાચ એ છેલ્લો વિકલ્પ વધુ સાચો, આકર્ષક. આ સુગંધનું કળાયા કરતું ઝીણું મંજુલ સંગીત હવે વર્ણવાયું છે, તે લક્ષતાં અ વિકલ્પ જ સાચો. કોઈ કંઠ ગાતો નથી, તાર ઝણઝણતો નથી, તો પછી ‘ક્યાં થકી સૂર કેરી ફુવારી?’ સુગંધાનુભૂતિમાં આ સરપ્રતીતિની વાતે ભણાતી જુદાઈ વસ્તુતઃ એકરૂપત્વ જ ઇંગિતે છે. કવિતાની એ ખૂબી છે; કારણ માનવમનની યે એ જ ખૂબી છે. અનુભૂતિની રગ એક અને એનાં સ્ફુરણ વિવિધ સૂરતનાં, વિવિધ દિશાનાં. એ ખૂબીની વાત છે અહીં.
છેલ્લી કડીમાં આ સુગંધ-સૂરની ભિન્ન વરતાએલી આગલી કડીની વાતને કવિ ગૂંથી લે છે – મેળથી ઘૂંટી દાખવે છે. જે સૂર માટે કવિચિત્ત વ્યગ્ર-અધીર-આતુર હતું, સંગીતબદ્ધ હરિણ શું વ્યગ્ર હતું, તે સૂર આજે લાધ્યો છે. આનંદાનુભવને ચિત્ત ઝંખતું, કલ્પ્યા કરતું હતું. એ આનંદ સ્વયં ‘સુરભિપૂર’ થઈને આવ્યો છે. પરમતત્ત્વની સાક્ષાત્કૃતિ લઈએ, કાવ્યતત્ત્વનો અભિષેક સમજીએ, કોઈપણ સૂક્ષ્મઊર્ધ્વ નિરવધિ પ્રસન્નતા-મુદા વારીએ; નિર્વ્યાજ સૌંદર્ય અહીં છે જ.
એવી સરલ ઉલ્લાસ-મસ્તીના ગાને ઊપડતું આ કાવ્ય, એની સ્વભાવગત સરળતા વર્જ્યા વિના, ઉત્તરોત્તર આનંદાનુભૂતિના સૂક્ષ્મ મર્મોને ગાય છે. એ આ રચનાનો વિશેષ છે. વાણી, અલંક/રણ, લય, ભાવમુદ્રા, ગહરાઈના અણસારા, ક્યાંય કવિ મીઠી સ્વાભાવિકતાથી દૂર રહેતા નથી. એ મીઠી સ્વાભાવિકતા મરમીલી થઈ વધુ અપીલ કરે છે.
(ક્ષણો ચિરંજીવી)