અનંત ઠક્કર ‘શાહબાઝ’
પુરાણી યારી
નયનમાં આપના સૌન્દર્યની ઘેરી ખુમારી છે,
આ ઉક્તિ જેને સાક્ષાત્કાર થયો છે, એવા સૂફીની છે. તેની પહેલી જ પંક્તિ જુઓઃ જે પરમ રૂપનાં દર્શન કર્યાં છે તેની ખુમારી હજી પણ જેની આંખોમાં છે, એવા મસ્ત માનવીના આ શબ્દોમાં તન્મયતા દેખાય છે, પરિતૃપ્તિ દેખાય છે અને પોતાનું સર્વસ્વ નિછાવર કરવાની તમન્ના પણ પ્રગટ થાય છે.
ભક્ત પોતે તો ભગવાન પાસે એકાકાર થઈ ગયો છે, છતાં એ જાણે છે કે સમુદ્ર તરંગોનો બનેલો છે; તરંગ કંઈ સમુદ્રોનો બનેલો નથી. ભગવાનના મંદિરમાં નિશદિન આરતી ઉતારનાર ભક્ત પોતે એક જ નથી. બીજા ઘણાયે આવા ભક્તો છે; પણ ભક્તના હૃદયમાં તો એક જ છબી છે—એ છે પરમાત્માની.
પરમાત્મા સાથેનો આ સંબંધ પહેલી નજરે પ્રેમ જેવો નથી. એમાં યુગયુગોની સાધના જોડાયેલી હોય છે. જે માણસે સૌ પ્રથમ સાક્ષાત્કારની ક્ષણ મેળવી હશે, એનો રાહ સૌથી વિકટ હશે અને આવા તો કંઈ કેટલાયે જોગંદરો અને ઓલિયાઓ પ્રભુને બારણે પ્રભુનાં ઓવારણાં લેવા માટે આવ્યા છે. આમ તો આ જોગંદરો એમની સમાધિસ્થિતિમાં ઈશ્વરનું તાદાત્મ્ય અનુભવતા જ હતા પણ ભગવાને જે લીલા-જગત રચ્યું છે, એની લાજ સાચવવા આ જોગંદરો દુનિયા પર આવે છે. મીરાં, ચિશ્તી કે મન્સૂર—આ સૌ તો પરમ સત્યને પામી ગયેલા આત્માઓ છે. તેઓ આ જગતમાં પોતાની મુક્તિ માટે નહોતાં આવ્યાં. મીરાં તો મુક્ત હતી જ પણ મીરાં કેટકેટલા લોકોની મુક્તિનું સાધન બની, અને બને છે! આજે પણ મીરાં કે મન્સૂરની પ્રેરણા કેટકેટલા લોકોને ભક્તિના રાહે ચડાવે છે!
આ કવિતા જેની ઉક્તિ રૂપે યોજાઈ છે એ સૂફી પણ આ મીરાં અને મન્સૂરની ન્યાતનો છેઃ એ કહે છે કે, અમે સુરલોકથી—સ્વર્ગથી આ પૃથ્વી પર ઊતરી આવ્યા છીએઃ તમારી અને અમારી એક પુરાતન મિત્રતા છે એટલે.
માનવ અને પરમાત્માનો સંબંધ એ કંઈ નવો કે આ યુગનો સંબંધ નથી. એ તો શાશ્વત સમયથી બંધાયેલો સંબંધ છે.
જો એ માત્ર આ જન્મનો જ સંબંધ હોય તો ભક્ત આ પાર્થિવ વ્યાપથી આગળ ન ગયો હોત! પરંતુ આ ભક્તનો વ્યાપ ઘણો વિશાળ છે. એ તો આખા બ્રહ્માંડને આવરી લે છે.
એક મહાપ્રશ્ન આ વ્યાપનું સૂચન કરી જાય છે. આ પ્રશ્ન પૂછે છે, કિન્નરોનાં રાઝમાંથી આ જ એક સવાલ પૂછાઈ રહ્યો છે; સમાધિમાં રહેલા યોગીના બ્રહ્માંડવ્યાપી ઉડ્ડયનમાં પણ એ જ સનાતન પ્રશ્ન રહ્યો છે. સાગરમાંથી ઘૂઘરી રહેલા અવાજમાં એ જ નાગની ફણા જેવો પ્રશ્ન આકારાય છે અને તારાઓથી મઢેલા આકાશ સુધી પહોંચતા શાહબાઝ-ગરુડને પણ એ જ એક સવાલ જાગે છે, આ સવાલ છેઃ
‘આપણને જે આકાશ દેખાય છે એ આકાશ નથી એ તો આપણાથી જેનું રૂપ અગોચર છે એવી પ્રકૃતિના પાલવની કિનારી માત્ર છે, એ સાચું?’
આ સ્તબ્ધ કરી દે એવો પ્રશ્ન છે. એ તમને અને મને સૌને એકસરખી ઉત્કટતા સાથે પુછાયો છે.
(કવિ અને કવિતા)